Home Gujarati TCS 12 હજાર કર્મચારીઓની છટણી કરશેઃ આઈટી સેક્ટરમાં જોબ કેમ જઈ રહી...

TCS 12 હજાર કર્મચારીઓની છટણી કરશેઃ આઈટી સેક્ટરમાં જોબ કેમ જઈ રહી છે?

14
0

[ad_1]

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઇન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈટી ઉદ્યોગે ભારતમાં વ્હાઇટ કૉલર જોબ પેદા કરવામાં મોટું યોગદાન આપ્યું છે જેનાથી એક નવો મધ્યમ વર્ગ સર્જાયો છે

ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી સેક્ટરની ટોચની કંપની ટીસીએસએ એક સાથે 12 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો તેના કારણે જૉબમાર્કેટમાં હલચલ મચી ગઈ છે.

ટીસીએસ એ ભારતની સૌથી મોટી આઈટી નિકાસકાર છે અને કંપનીએ એક વર્ષના ગાળામાં પોતાના બે ટકા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.

ટીસીએસની આ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સોમવારે ટીસીએસનો શેર બે ટકા જેટલો ઘટ્યો હતો. તેની સાથે સાથે ઈન્ફોસિસ, વિપ્રો સહિતની આઈટી કંપનીઓના શેર પણ ઘટ્યા હતા.

ભારતની 283 અબજ ડોલરની સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં આ એક મોટા સમાચાર છે કારણ કે હૈદરાબાદ, બેંગલુરુ, પૂણે જેવાં શહેરોમાં વ્હાઇટ કૉલર જોબ ઊભી કરવામાં આ ઉદ્યોગે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આઈટી કંપનીમાં છટણીનું કારણ શું છે?

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય આઈટી ઉદ્યોગમાં ફ્રેશ ગ્રેજ્યુએટ્સની ભરતીમાં તાજેતરમાં ઘટાડો થયો છે

ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે જૂન 2025ના આંકડા મુજબ ટીસીએસમાં 6.13 લાખથી વધારે કર્મચારી કામ કરતા હતા.

થોડાં વર્ષ અગાઉ સુધી ભારતીય આઈટી કંપનીઓ દર વર્ષે લગભગ છ લાખ નવા ગ્રેજ્યુએટ્સની ભરતી કરતી હતી, પરંતુ છેલ્લાં બે વર્ષમાં આ સંખ્યા ઘટીને 1.50 લાખ સુધી રહી ગઈ છે તેમ ટીમલીઝ ડિજિટલ જણાવે છે.

ટીસીએસનું કહેવું છે કે કંપનીને ભવિષ્ય માટે સજ્જ કરવા આ નિર્ણય લેવાયો છે. ભારતમાં ટીસીએસ જેવી કંપનીઓ પોતાના ગ્લોબલ ક્લાયન્ટ માટે સૉફ્ટવેરનું ઉત્પાદન કરવા નીચા ખર્ચના લેબર પર આધાર રાખે છે.

એવું માનવામાં આવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનના કારણે આઈટી ઇન્ડસ્ટ્રીમાં એવાં ઘણાં કામો છે જેના માટે કર્મચારી રાખવાની જરૂર નથી રહી.

જોકે, ટીસીએસના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર કે ક્રિથિવાસને મનીકન્ટ્રોલને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એઆઈના કારણે કર્મચારીઓની છટણી થાય છે તે વાત ખરી નથી.

તેમણે કહ્યું હતું કે “સ્કીલ મિસમૅચ થાય તેવા કિસ્સામાં છટણી કરવી પડે છે. ટીસીએસને મજબૂત બનાવવા આ જરૂરી હતું.”

આઈટી ક્ષેત્રે પડકાર અને તક

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Tejinder Oberoi

ઇમેજ કૅપ્શન, સિગ્નેટ ઇન્ફોટેકના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેજિંદર ઑબરોય કહે છે કે આઈટી ઉદ્યોગમાં નવા પડકાર અને તક બંને છે

આઈટી ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગના કારણે ક્લાયન્ટ નીચા ખર્ચે ડીલ કરવા પ્રયાસ કરે છે જેથી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પ્રેરાય છે.

બેંગલુરુ, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં તેની અસર જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં આ ઉદ્યોગમાં 50 હજાર લોકોએ જૉબ ગુમાવી છે તેમ ઓઆરફના એક અહેવાલ કહે છે. આ ઉપરાંત ભારતની ટોચની છ આઈટી સર્વિસિસ કંપનીઓમાં કર્મચારીઓની ચોખ્ખી ભરતીમાં 72 ટકાનો ઘટાડો થયો છે.

આઈટી સેક્ટરની કંપનીઓ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ચેલેન્જ પણ પેદા કરે છે અને નવું શીખનારને તક પણ આપે છે.

અમદાવાદસ્થિત ટેકનૉલૉજી કંપની સિગ્નેટ ઇન્ફોટેકના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેજિંદર ઑબરૉયે બીબીસીને જણાવ્યું કે, “ભારતીય સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ઘણાં કામો કલાકના રેટ પર થાય છે. ઘણી વિદેશી કંપનીઓ પ્રોજેક્ટ સોંપે છે અને માનવ કલાકો મુજબ તેનું બિલ કરવામાં આવે છે. ટેકનૉલૉજી અપગ્રેડ થવાના કારણે તે જ કામ કરવા માટે ત્રીજા ભાગ અથવા પાંચમા ભાગના લોકોની જરૂર પડે છે. તેથી કલાક દીઠ બિલિંગનાં કામમાં માણસોની જરૂરિયાત ઘટી જશે.”

તેમણે કહ્યું કે, “હવે કોડ રાઇટિંગનું ઘણું કામ AIથી થાય છે, ટેસ્ટિંગ પણ AIની મદદથી થઈ શકે છે. તેવી જ રીતે ડિઝાઇનિંગ અને ડૉક્યુમેન્ટેશનનું કામ પણ થાય છે. તેના કારણે ટેસ્ટર્સ, કોડર્સ, કે ડેવલપર્સની ટીમની સાઇઝ ઘણી ઘટી જાય છે. લગભગ 40 ટકા સુધી મેનપાવરની જરૂરિયાત ઘટી જશે.”

અમદાવાદસ્થિત દેવ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજીના કો-ફાઉન્ડર અને ચૅરમૅન પ્રણવ પંડ્યા પણ માને છે કે “આઈટી ઉદ્યોગ એકદમ ડાયનેમિક છે જેમાં ઘણી બધી ચીજો બદલાતી રહે છે. તેથી તે મુજબ સ્કીલને અપગ્રેડ કરવી જરૂરી છે. આપણે મેન્યુઅલ કારથી ઑટોમેટિક કાર તરફ આવ્યા. હવે ઇલેક્ટ્રિક વ્હિકલનો જમાનો છે. ડ્રાઇવર અનુભવી હોવા છતાં તેમણે નવી સ્કીલ શીખવી પડે. તેવું જ આઈટી ઉદ્યોગમાં પણ છે.”

બીબીસી સાથે વાત કરતા પ્રણવ પંડ્યાએ કહ્યું કે “આઈટી ઉદ્યોગમાં ઘણાં કામોમાં ઑટોમેશન આવી રહ્યું છે. તેની સાથે નવી નવી સ્કીલ ધરાવતા લોકોની પણ જરૂર પડે છે. જ્યારે તે જરૂરિયાત મુજબના માણસો ન હોય ત્યારે છટણી કરવી પડે છે.”

નવી ટેકનૉલૉજીથી સજ્જ લોકોની ડિમાન્ડ વધશે

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Pranav Pandya

ઇમેજ કૅપ્શન, દેવ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજીના ચૅરમૅન પ્રણવ પંડ્યાના મતે આઈટી ઉદ્યોગ એકદમ ડાયનેમિક છે, તેમાં સતત ફેરફારો આવતા રહે છે.

ભારતમાં આઈટી ઇન્ડસ્ટ્રીના સંગઠન નાસકૉમ પ્રમાણે ભારતને 2026 સુધીમાં 10 લાખ AI નિષ્ણાતોની જરૂર પડશે, પરંતુ હાલમાં 20 ટકાથી પણ ઓછા આઈટી પ્રોફેશનલો એઆઈની સ્કીલ ધરાવે છે.

તેજિંદર ઑબરોયે જણાવ્યું કે, “આઈટી ઉદ્યોગમાં હવે કેટલાક ટાસ્ક વધવાના છે, જેમાં એનાલિસિસ, ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગમાં સબ્જૅક્ટ મેટરની સમજણ ધરાવતા અને નવી ટેકનૉલૉજીથી સજ્જ લોકોની ડિમાન્ડ વધશે. કલાકના દરથી બિઝનેસ કરતી આઈટી કંપનીઓને ચોક્કસ પ્રેશર આવશે, તેમાં મેનપાવરની જરૂરિયાત ઘટશે.”

તેઓ કહે છે કે, “નવા પાસ આઉટ થયેલા ઉમેદવારોને નવી ટેકનૉલૉજી આવડે છે, જૂના કર્મચારીઓ પાસે અનુભવ છે. હા, જેઓ નવી ટેકનૉલૉજી અપનાવી શકતા નથી તેમને છોડવા પડશે અને નવી ટેકનૉલૉજી જાણનારાને હાયર કરવા પડશે. રિપિટિટિવ ટાસ્ક દૂર થઈ રહ્યા છે. ઇન્ટેલિજન્ટ લેબર વર્કમાં ઘટાડો થવાનો જ છે.”

તેજિંદર ઑબરોયના મતે “નવી ટેકનૉલૉજી શીખીને આવનારા યુવાનો માટે આ એક તક છે.”

તેઓ કહે છે કે “જેઓ આઠ-10 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છે અને પોતાને અપગ્રેડ કરી શકતા નથી તેમના માટે જોખમ છે. બાકી જેટલા લોકોને છુટા કરવામાં આવે છે તેની સામે નવા લોકોને લેવા પણ પડશે.”

પ્રણવ પંડ્યા પણ કહે છે કે, “AI માટે સજ્જ કર્મચારીઓ તૈયાર કરવામાં ભારત સંખ્યાની દૃષ્ટિએ ઘણું આગળ છે તેથી આવી છટણી થાય ત્યાર પછી પણ પુષ્કળ કામ મળી રહેવાનું છે.”

કામ નહીં તો જૉબ નહીં

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ કંપની જેફરીઝે એક નોટમાં જણાવ્યું છે કે કર્મચારીઓની છટણી કરવાના નિર્ણયથી ટીસીએસ પર લાંબા ગાળે નેગેટિવ અસર પડી શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં ટીસીએસે ત્રીજી વખત ખર્ચ ઘટાડવાનું પગલું લીધું છે.

અગાઉ ટીસીએસે એપ્રિલ 2025માં પગારવધારો મુલતવી રાખ્યો હતો અને જૂન 2025માં નવી બેન્ચિંગ ગાઇડલાઇન નક્કી કરી હતી.

જ્યારે કોઈ કર્મચારીને કોઈ ક્લાયન્ટના પ્રોજેક્ટનું કામ સોંપવામાં ન આવે ત્યારે તેમને બૅન્ચ પર રાખવામાં આવે છે. આ દરમિયાન તેમનો પગાર ચાલુ રહે છે.

ટીસીએસે આ પિરિયડ ઘટાડીને વર્ષમાં 35 દિવસ કર્યો છે. એટલે કે 35 દિવસથી વધુ સમય સુધી કર્મચારી કોઈ પ્રોજેક્ટ પર સક્રિય ન હોય તો તેને છૂટા કરવામાં આવે તેવી શક્યતા વધી જાય છે.

છટણીના નિર્ણયના કેવા પ્રત્યાઘાત આવ્યા?

બીબીસી ગુજરાતી ટીસીએસ સોફ્ટવેર આઈટી ઈન્ડસ્ટ્રી છટણી એન્જિનિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં એઆઈ માટે સક્ષમ પ્રોફેશનલોની ખાસ ડિમાન્ડ છે

તાજેતરમાં જ ઇન્ફોસિસ જેવી મોટી કંપનીએ પણ છટણીનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી હવે ટીસીએસ હજારો લોકોને છૂટા કરવા જઈ રહી છે જેના કારણે આઈટી સેક્ટરમાં ચિંતાનો માહોલ છે.

આઈટી સેક્ટરના કામદારોના યુનિયન નાસન્ટ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી ઍમ્પ્લોયીઝ સેનેટ (NITES)એ શ્રમમંત્રી મનસુખ માંડવિયાને એક પત્ર લખીને અપીલ કરી છે કે આ છટણીને અટકાવવામાં આવે.

નાઇટ્સે કહ્યું છે કે આ છટણી ગેરકાયદે છે. નાઇટ્સનું કહેવું છે કે આનાથી ખોટી પ્રથા પડશે, રોજગારીમાં અનિશ્ચિતતા સર્જાશે અને ભારતના શ્રમ માર્કેટમાં ભરોસો ઘટશે.

અગાઉ આઈટી સેક્ટરની કંપની ઇન્ફોસિસે પોતાના મૈસુર કૅમ્પસમાંથી 300થી વધુ ટ્રેઇનીની છટણી કરી ત્યારે પણ નાઇટ્સે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

તેવી જ રીતે આઈટી/બીપીઓ અને ટેલિકૉમ ક્ષેત્રના કર્મચારીઓ માટેના ફોરમ ફૉર આઈટી ઍમ્પ્લોયીઝ (FITE)એ પણ ટીસીએસ ખાતે હજારો કર્મચારીઓની છટણીનો વિરોધ કર્યો છે. FITEએ આ છટણીને કર્મચારીઓના અધિકાર અને ગરિમાનો ભંગ ગણાવ્યો છે. તેનો દાવો છે કે ટીસીએસ કોઈ નાણાકીય દબાણમાં નથી છતા છટણી કરી રહી છે.

FITE એ કહ્યું છે કે ટીસીએસે કર્મચારીઓને નોટિસ પિરિયડનું વળતર, સિવિયરન્સ પેકેજિસ અને 12 મહિના માટે હેલ્થ ઇન્સ્યૉરન્સ આપવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here