ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી સેનાએ ગાઝામાં માનવીય મદદમાં સુધાર માટે નવાં પગલાં ઉઠાવ્યાની જાણકારી આપી છે.
ઇઝરાયલની સેનાએ જણાવ્યું છે કે તેણે હાલમાં જ વિમાન મારફતે ગાઝા પટ્ટીમાં માનવીય મદદની આપૂર્તિ કરી છે.
ઇઝરાયલી સેનાનું આ નિવેદન ઘણાં સપ્તાહોના આંતરરાષ્ટ્રીય દબાણ તથા પેલેસ્ટાઇન ક્ષેત્રમાં વધતી ભૂખમરીની સમસ્યા બાદ આવ્યું છે.
રવિવારે સવારે એક નિવેદનમાં, ઇઝરાયલી સેનાએ કહ્યું કે હવાઈ માર્ગથી પહોંચાડવામાં આવેલી સહાયતા સામગ્રીમાં “લોટ, ખાંડ અને ડબ્બાબંધ ખાદ્ય સામગ્રી ધરાવતાં પૅકેજ સામેલ છે.”
આ પહેલાં ઇઝરાયલે કહ્યું હતું કે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના કાફલાને પ્રવેશ આપવા માટે તે માનવીય કૉરિડોર ખોલવા તૈયાર છે.
ગાઝાના 20 લાખ લોકોને મહિનાઓ સુધી સીમિત આપૂર્તિને કારણે ત્યાં મોટા પાયે ભૂખમરીની ચેતવણી આપવામાં આવી રહી છે. ત્યાં ઇઝરાયલે “જાણી જોઈને ભૂખમરી ફેલાવી” હોવાના આરોપોનું ખંડન કર્યું છે.
ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં તેણે કહ્યું છે કે ગાઝામાં માનવીય સહાયતામાં સુધાર માટે નવાં પગલાં ઉઠાવ્યાં છે.
ઇઝરાયલી સેનાએ લખ્યું છે. “ખાદ્ય વિતરણની જવાબદારી સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાયતા સંગઠનોની છે. તેથી, સંયુક્ત રાષ્ટ્ર અ આંતરરાષ્ટ્રીય સંગઠનોથી અપેક્ષા કરવામાં આવે છે કે તેઓ સહાયતા વિતરણમાં સુધાર લાવે અને એ સુનિશ્ચિત કરે કે સહાયતા હમાસ સુધી ન પહોંચે.”
થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ પર શું બોલ્યા ટ્રમ્પ?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા બંને ‘તાત્કાલિક યુદ્ધવિરામ’ ઇચ્છે છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ પર ત્રણ પોસ્ટ કરી હતી અને લખ્યું કે તેમણે થાઇલૅન્ડના કાર્યવાહક વડા પ્રધાન અને કંબોડિયાના વડા પ્રધાન સાથે વાત કરી છે અને બંને દેશ હવે યુદ્ધવિરામ ઇચ્છે છે.
તેમણે કહ્યું કે શાંતિ થયા બાદ તેમને આશા છે કે બંને સાથે વ્યાપાર સમજૂતી થઈ શકશે.
ટ્રમ્પે કેટલીક મિનિટોના અંતરાલ વચ્ચે ત્રણ પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું, “હાલમાં મારા કંબોડિયાના વડા પ્રધાન સાથે સારી વાતચીત થઈ. મેં તેમને થાઇલૅન્ડ અને તેમના કાર્યવાહક વડા પ્રધાન સાથે મારી વાતચીતની જાણકારી આપી. બંને પક્ષ તરત જ યુદ્ધવિરામ અને શાંતિ ઇચ્છે છે.”
“તેઓ અમેરિકા સાથે ફરીથી વ્યાપારિક વાતચીતના ટેબલ પર ફરવા માગે છે. જે અમારા વિચાર મુજબ યોગ્ય નથી. જ્યાં સુધી લડાઈ બંધ નથી થતી. તેમને તરત મળીને જલદી યુદ્ધવિરામ લાગુ કરવા પર સહમતિ બનાવવા અને આખરે શાંતિ સ્થપાય તેના પર કામ કરવા માટે સહમતિ આપી છે.”
તે અગાઉ તેમણે લખ્યું, “મેં હાલમાં જ થાઇલૅન્ડના કાર્યવાહક વડા પ્રધાન સાથે વાત કરી. આ બહુ સારી વાતચીત હતી. થાઇલૅન્ડ પણ કંબોડિયાની માફક તાત્કાલિક યુદ્ધવિરામ ઇચ્છે છે.”
યુકેના ગૃહ વિભાગનું કહેવું છે કે દેશમાં આશરો માગી રહેલા ‘સિંગલ પુખ્ત પુરુષ’ જો હોટલો સિવાય ‘યોગ્ય વૈકલ્પિક રહેણાંકવ્યવસ્થા’માં જવાનો ઇન્કાર કરશે, તો તેઓ ઘરવિહોણા બની જાય તેવી શક્યતા છે.
આશરો માગનારાઓને ઘર આપવા માટે સરકાર કાયદાકીય રીતે બંધાયેલી છે. ત્યારે સરકારનું કહેવું છે કે તેની “પ્રવાસ કરવામાં નિષ્ફળ” રહેનાર માટેની માર્ગદર્શિકાને કારણે “વ્યવસ્થા સાથે રમત કરનારા લોકોએ પરિણામ ભોગવવા પડશે.”
ગૃહવિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દર અઠવાડિયે સેંકડો માઇગ્રન્ટ્સ હોટલોમાંથી અન્ય પ્રકારનાં રહેણાંકસ્થળોએ ટ્રાન્સફર થવાનો ઇન્કાર કરી રહ્યા છે.
સરકાર ઉપર દબાણ છે કે આશરો માગનારા લોકોના રહેવા માટે હોટલોનો ઉપયોગ ઘટાડવામાં આવે. ઇપિંગમાં એક હોટલમાં રાજ્યાશ્રય માંગનારાઓને રાખવામાં આવ્યા હતા. જ્યાં ગત અઠવાડિયે શ્રેણીબદ્ધ દેખાવો થયા હતા.
યુકે સરકારના અનેક મંત્રીઓ અગાઉ કહી ચૂક્યા છે કે વર્ષ 2029 સુધીમાં તેઓ રાજ્યાશ્રય માગનારાઓ માટે હોટલનો ઉપયોગ બંધ કરવા ઇચ્છે છે અને આ લોકોને સસ્તા પ્રકારની અન્ય વ્યવસ્થાઓમાં ખસેડવા ઇચ્છે છે.
વર્ષ 2020થી યુકેમાં હોટલોમાં રહેતા અને આશ્રય માગનારાઓની સંખ્યા સતત વધી રહી છે. માર્ચ-2025ની સ્થિતિ પ્રમાણે, અસાઇલમ માગનારા 32 હજાર 345 લોકો હોટલમાં રહે છે. વર્ષ 2023માં આ આંકડો 50 હજારને પાર કરી ગયો હતો.
ગૃહ વિભાગ દ્વારા કેસવર્કર્સ તથા અસાઇલમ માટે રહેણાક સુવિધા પૂરી પાડનારાઓને જણાવવામાં આવ્યું કે આશરો માગી રહેલા કેટલાક લોકો “યોગ્ય રહેણાક વ્યવસ્થા માટે નથી જઈ રહ્યા.” જેની માઠી અસર “રાજ્યાશ્રય માગી રહેલા લોકોને મદદ કરવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા પર પડે છે.”
નવા નિયમ મુજબ, જે લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવશે, તેમને ઓછામાં ઓછા પાંચ દિવસ અગાઉ લેખિતમાં નોટિસ આપવામાં આવશે.
જે લોકો અન્યત્ર જવાની સૂચનાને વારંવાર અવગણશે, તેમને વર્તમાન રહેણાકસ્થળેથી બળજબરીપૂર્વક હઠાવી દેવામાં આવશે. જરૂર પડ્યે તેમને મળતી આર્થિકમદદ પણ પાછી ખેંચી લેવામાં આવશે.
શા માટે અપાય છે સહાય?
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, કેટલાક લોકોએ ઇપિંગની હોટલ સામે દેખાવો કર્યા હતા, જેથી કરીને પોલીસ બોલાવવી પડી હતી
યુકેમાં રહેવા માટે આશરો માગનારા લોકોની અરજી ઉપર સરકાર વિચારણા કરી રહી હોય, ત્યારે સામાન્ય રીતે તેમને કામ કરવાની મંજૂરી આપવામાં નથી આવતી.
આથી, ખાવા-પીવા, કપડાં તથા જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ ખરીદી શકે તે માટે દરેક વ્યક્તિને દર અઠવાડિયે સામાન્યત: 49 પાઉન્ડ (રૂ. પાંચ હજાર 700) જેટલી રકમ આપવામાં આવે છે.
અગાઉની કન્ઝર્વેટિવ સરકારે કેટલાક આશ્રય માગનારાઓ માટે બીબી સ્ટૉકહોમ નામના બાર્જ ઉપર રહેણાક વ્યવસ્થા કરી હતી. ત્યારે કેટલાક લોકોએ તેની ઉપર જવાનો ઇન્કાર કરી દીધો હતો.
ત્યારે પણ તત્કાલીન સરકારે આવું જ વલણ અપનાવ્યું હતું અને આર્થિક મદદ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
બૉર્ડર સિક્યૉરિટી બાબતના મંત્રી ડેમ એંગલા ઇગલના કહેવા પ્રમાણે, “સરકાર અસાઇલમ માંગનારાઓ માટેની રહેણાક વ્યવસ્થામાં સુધાર લાવવા માગે છે અને આ પગલું તેનું જ ઉદાહરણ છે.”
“સાથે જ એવા લોકો સામે કાર્યવાહી થશે, જેઓ વ્યવસ્થાનો દુરુપયોગ કરે છે. યોગ્ય રીતે વ્યવસ્થા થઈ શકે અને કરદાતાના નાણાની બચત થાય, એ તેનો હેતુ છે.”
સાથે જ તેમણે ઉમેર્યું, “આ ખૂબ જ મોટાપાયાની સમસ્યા છે. તેને દક્ષતાપૂર્વક પહોંચી વળવા માટે સરકારે જે જોખમી દરિયાઈમાર્ગેથી તેઓ આવે છે, તેમને અટકાવવા પ્રયાસ કરવા જોઈએ. આના માટે અન્ય દેશો સાથે સહકાર સાધવો જોઈએ.”
“આ સિવાય રાજ્યાશ્રય માગનારાઓના કામ કરવા ઉપરનો પ્રતિબંધ હઠાવી લેવો જોઈએ, જેથી કરીને તેમના નિભાવખર્ચ માટે રકમ ચૂકવવી ન પડે.”
ઇમેજ કૅપ્શન, વર્ષ 1975માં બાંગ્લાદેશમાં સૈન્ય તખ્તાપલટ પછી કેટલાક રાજકીય કેદીઓ સાથે તાજુદ્દીન અહમદની હત્યા કરી દેવામાં આવીલેખની માહિતી
25 માર્ચ 1971માં પાકિસ્તાની સેનાએ ઢાકામાં જેવું ઑપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું, અવામી લીગના મહાસચિવ તાજુદ્દીન અહમદ અને ઢાકાના એક પ્રખ્યાત વકીલ અમીરુલ ઇસ્લામ અંડરગ્રાઉન્ડ થઈ ગયા.
આ બંને પાકિસ્તાનની નૅશનલ એસેમ્બ્લીના ચૂંટાયેલા સભ્ય હતા. બંનેએ પછીના બે દિવસ ઢાકાના લાલમટિયા વિસ્તારમાં વિતાવ્યા.
આ જગ્યા ધાનમંડીના શેખ મુજીબુર્રહમાનના ઘરથી વધુ દૂર નહોતી.
ત્યાર પછી તેમણે ભારતીય સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. ત્રણ દિવસ સુધી સતત પગપાળા અને બળદગાડાંઓ પર મુસાફરી કરીને તેઓ કુશ્તિયા જિલ્લાના એ વિસ્તારમાં પહોંચ્યા, જે ભારતીય સીમાને અડતો હતો.
પહેલાંથી નક્કી એક સ્થળે તેમની મુલાકાત એક બંગાળી અધિકારી તૌફીક ઇલાહી ચૌધરી સાથે થઈ.
ચૌધરીએ 30 માર્ચે સીમા પર તહેનાત સીમા સુરક્ષા દળના અધિકારીઓને સંદેશો મોકલ્યો: ‘મુજીબના નજીકના લોકો, આવામી લીગના બે વરિષ્ઠ નેતા, સીમા પાસે પહોંચી ચૂક્યા છે. જો તેમનું સ્વાગત સરકારી મહેમાનની જેમ કરવામાં આવે, તો તેઓ ભારતનાં વડાં પ્રધાનને મળવા ઇચ્છશે.’
બીએસએફ અધિકારીઓએ આ માહિતી પોતાના આઇજી ગોલક મજૂમદારને આપી.
મજૂમદારે તરત જ આ માહિતી દિલ્હીમાં પોતાના વરિષ્ઠ અધિકારી કેએફ રુસ્તમજીને આપી.
ન્યૂ માર્કેટમાંથી તૈયાર કપડાં ખરીદવામાં આવ્યાં
ઇમેજ સ્રોત, BSF
ઇમેજ કૅપ્શન, બીએસએફ પ્રમુખ કેએફ રુસ્તમજી
જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે રાતના એક વાગી ગયા હતા. તે સમયે કોલકાતા (તે સમયનું કલકત્તા)ની બધી હોટલ અને દુકાનો બંધ થઈ ગઈ હતી.
રુસ્તમજીની પાસે આકસ્મિક મુસાફરી માટે કપડાંની એક કિટ હંમેશા તૈયાર રહેતી હતી.
તેમાંથી તેમણે પાયજામા કાઢીને પોતાના મહેમાનોને પહેરવા માટે આપ્યા.
મજૂમદારે બધા માટે સ્ટવ પર આમલેટ બનાવી. બીજા દિવસે એક વ્યક્તિને કલકત્તાની ન્યૂ માર્કેટ મોકલવામાં આવ્યા.
ત્યાંથી તાજુદ્દીન અહમદ અને તેમના સાથી માટે રેડીમેડ કપડાં ખરીદવામાં આવ્યાં. રુસ્તમજીની ઇચ્છા હતી કે તેમના માટે સૌથી સારાં કપડાં ખરીદવામાં આવે; કેમ કે, તેઓ પોતાના દેશના પ્રતિનિધિ તરીકે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને મળવા જતા હતા.
તાજુદ્દીન અહમદ બીજા દિવસે રુસ્તમજીની સાથે એક વિશેષ વિમાનમાં દિલ્હી પહોંચ્યા.
સ્ટેટમૅનના પૂર્વ પત્રકાર માનશ ઘોષ પોતાના પુસ્તક ‘બાંગ્લાદેશ વૉર રિપોર્ટ ફ્રૉર્મ ગ્રાઉન્ડ જીરો’માં લખે છે, “ઇંદિરા ગાંધીએ તાજુદ્દીન અહમદને સલાહ આપી કે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવવા માટે એ જરૂરી છે કે બાંગ્લાદેશની સરકારને આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ સોગંદ લેવડાવવામાં આવે.”
“…અને આ સોગંદવિધિ સમારંભ એવી જગ્યાએ હોય, જે બાંગ્લાદેશી સ્વતંત્રતા સેનાનીઓના નિયંત્રણમાં હોય.”
ઇંદિરા ગાંધીએ ત્યાં હાજર ભારતીય અધિકારીઓ, ખાસ કરીને રુસ્તમજીને સૂચના આપી કે તાજુદ્દીન અહમદ અને તેમની પ્રસ્તાવિત સરકારને બધી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
કાર્યકારી વડા પ્રધાન તરીકે સોગંદ લીધા
નક્કી કરવામાં આવ્યું કે નાદિયા જિલ્લાને અડીને આવેલા બૈદ્યનાથતાલને બાંગ્લાદેશની વચગાળાની સરકારના સોગંદવિધિ સ્થળ તરીકે પસંદ કરવામાં આવશે.
17 એપ્રિલ 1971એ કલકત્તામાં બધા વિદેશી પત્રકારોને ભેગા કરવામાં આવ્યા અને તેમને જણાવવામાં આવ્યું કે તેમને એક વિશેષ કાર્યક્રમના રિપોર્ટિંગ માટે એક અજ્ઞાત સ્થળે લઈ જવાશે.
કલકત્તાથી લગભગ 60 ગાડીઓનો કાફલો બૈદ્યનાથતાલ તરફ રવાના થયો.
મીનાજપુરથી અવામી લીગના સાંસદ પ્રોફેસર યુસુફ અલીએ માઇક ઉપર જાહેરાત કરી કે બાંગ્લાદેશ હવે એક સ્વતંત્ર અને સાર્વભૌમ ગણરાજ્ય છે.
તેમણે જ સૈયદ નઝરુલ ઇસ્લામને કાર્યકારી રાષ્ટ્રપતિ અને તાજુદ્દીન અહમદને કાર્યકારી વડા પ્રધાન તરીકેના સોગંદ લેવડાવ્યા.
બીજા દિવસે દુનિયાનાં મુખ્ય અખબારોમાં આ ઐતિહાસિક ઘટનાના સમાચાર પ્રકાશિત થયા.
આવામી લીગના નેતાઓની નારાજગી
ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
ઇમેજ કૅપ્શન, અવામી લીગના નેતાઓ સાથે તાજુદ્દીન અહમદ
તાજુદ્દીન અહમદનો જન્મ 23 જુલાઈ 1925એ ઢાકાથી 62 કિલોમીટર દૂર દરદરિયા ગામમાં થયો હતો. તેઓ અવામી લીગના સંસ્થાપક સભ્યોમાંના એક હતા. તાજુદ્દીન અહમદને અવામી લીગનું ‘ઇન્ટેલેક્ચુઅલ પાવર હાઉસ’ કહેવામાં આવતા હતા.
અર્થશાસ્ત્રના મેધાવી વિદ્યાર્થી રહેલા તાજુદ્દીન અહમદ સાઠના દાયકામાં ઘણી વાર સાઇકલ ચલાવીને શહેરમાં ફરતા અને સામાન્ય લોકોને મળતા નજરે પડતા હતા. છ-સૂત્રીય આંદોલનમાં ભાગ લેવાના કારણે તેમને ત્રણ વર્ષ સુધી પાકિસ્તાનની જેલોમાં રહેવું પડ્યું હતું.
તાજુદ્દીન અહમદની ઇંદિરા ગાંધી સાથે થયેલી ઐતિહાસિક મુલાકાત અવામી લીગનાં કેટલાંક જૂથને ગમી નહોતી.
માનશ ઘોષ પોતાના પુસ્તક મુજીબ્સ બ્લંડર્સમાં લખે છે, “મુજીબના ભત્રીજા અને મુજીબ બાહિનીના પ્રમુખ શેખ ફઝલુલ હક મોનીએ ખુલ્લેઆમ તાજુદ્દીન અહમદના નેતૃત્વને પડકાર ફેંકતા સવાલ કર્યો હતો કે તેઓ કયા અધિકારથી અવામી લીગના નેતા તરીકે ઇંદિરા ગાંધીને મળવા ગયા હતા.”
“તાજુદ્દીનને નીચા બતાવવાના હેતુથી તેમણે પાર્ટીમાં તાજુદ્દીનના હરીફ મુશ્તાક અહમદ સાથે સાઠગાંઠ કરી લીધી હતી, જોકે, બંનેમાં કશી વૈચારિક સમાનતા નહોતી.”
તાજુદ્દીન અને મુશ્તાક વચ્ચે ખટરાગ
સપ્ટેમ્બર 1971માં જ્યારે મુશ્તાક અહમદ બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળને લઈને સંયુક્ત રાષ્ટ્ર જવાના હતા, તાજુદ્દીન અહમદે તેમને તેમના પદ પરથી હટાવી દીધા હતા.
તેના માટે મુશ્તાકે તેમને ક્યારેય માફ ન કર્યા અને પછીથી એ જ તેમની હત્યાનું કારણ પણ બન્યું.
બાંગ્લાદેશની આઝાદીની લડાઈ દરમિયાન તેઓ કલકત્તાના 8, થીઅટર રોડ પર પોતાની ઑફિસની બાજુમાં એક નાના રૂમમાં રહેતા હતા.
તેઓ એક સાધારણ ખાટલા પર સૂતા હતા. તેમની પાસે થોડાંક જ કપડાં હતાં, જેને તેઓ પોતાના હાથે ધોતાં હતાં.
તાજુદ્દીન અહમદ વિરુદ્ધ ખોટો પ્રચાર
ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
ઇમેજ કૅપ્શન, તાજુદ્દીનને હરીફ મુશ્તાક અહમદ સાથે ખટરાગ થયો અને એવું મનાય છે કે એ જ તેમની હત્યાનું કારણ બન્યો
16 ડિસેમ્બરે બાંગ્લાદેશ આઝાદ થયા પછીના છ દિવસ પછી, 22 ડિસેમ્બરે તાજુદ્દીન અહમદ પોતાના મંત્રીમંડળ સાથે ભારતીય હવાઈદળના ખાસ હેલિકૉપ્ટર્સથી ઢાકા પહોંચ્યા હતા.
ઍરપૉર્ટ પરથી તેમની ગાડીઓના કાફલાને ઢાકાના ગવર્નમેન્ટ હાઉસ લઈ જવામાં આવ્યો હતો.
તાજુદ્દીનની ગેરહાજરીમાં, તેમના ધાનમંડી ખાતે આવેલા બે માળના મકાનને પાકિસ્તાની સેનાએ તોડીને લૂંટી લીધું હતું. તાજુદ્દીન અહમદે શરૂઆતના દિવસોમાં ગવર્નમેન્ટ હાઉસમાં જ રહીને બાંગ્લાદેશનું શાસન ચલાવ્યું હતું.
તાજુદ્દીનને એવો અંદાજ હતો કે તેમનામાં શેખ મુજબ જેવો જાદુ નહોતો અને તેમને શેખ જેવું જનસમર્થન મળ્યું નહોતું.
પાર્ટીમાં શેખ મોની અને મુશ્તાક અહમદ જેવા તેમના વિરોધીઓ એવા સમાચાર ફેલાવવા લાગ્યા હતા કે તાજુદ્દીન બાંગ્લાદેશની આઝાદી પછી ખૂબ મહત્ત્વાકાંક્ષી થઈ ગયા છે અને તેઓ નથી ઇચ્છતા કે શેખ મુજીબ પાકિસ્તાનની જેલમાંથી છૂટીને પાછા આવે.
માનશ ઘોષ લખે છે, “તાજુદ્દીન એ ખોટા પ્રચારથી એટલા દુઃખી થઈ ગયા કે તેમની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં. તેમણે પોતાના નજીકના સાથી નુરુલ કાદેરને કહ્યું, ‘ખૂબ સારું હોત જો હું બાંગ્લાદેશની આઝાદી પછી મરી ગયો હોત. જેથી મારે આ ખોટી વાતો તો સાંભળવી ન પડત, જેમાં મુજીબભાઈ માટેની મારી નિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવ્યા’.”
મુજીબે તાજુદ્દીનને વડા પ્રધાન પદ છોડવા કહ્યું
ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
ઇમેજ કૅપ્શન, શેખ મુજીબ સાથે તાજુદ્દીન અહમદ
9 જાન્યુઆરીએ જ્યારે શેખ મુજીબ પાકિસ્તાની જેલમાંથી છૂટીને ઢાકા પહોંચ્યા, ત્યારે લાખો લોકોની સાથે તાજુદ્દીન અહમદ પણ તેમના સ્વાગત માટે વિમાનમથકે હાજર હતા.
તેઓ મુજીબને જોતાં જ ભેટી પડ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
માનશ ઘોષ લખે છે, “જ્યારે શેખ મુજીબને ફૂલોથી ઢંકાયેલા ટ્રકમાં વિમાનમથકેથી ઢાકા શહેરમાં લઈ જવાતા હતા, તેમણે તાજુદ્દીનના કાનમાં હળવેથી કહેલું કે તેઓ વડા પ્રધાન બનવા માગે છે.”
“બીજા દિવસે સવારમાં જ તેઓ લુંગી અને કુર્તો પહેરીને તાજુદ્દીનના ઘરે પહોંચ્યા અને કહ્યું કે તેઓ તેમના વડા પ્રધાન પદ માટેની વ્યવસ્થા કરે. ઢાકામાં ચારેબાજુ આ પરિવર્તન બાબતે આશંકાનો માહોલ હતો. લોકો દબાયેલા અવાજમાં સવાલ કરતા હતા કે દેશના વડા પ્રધાન બદલવાની એટલી ઉતાવળ પણ શી છે? લોકો આ ઉતાવળને પચાવી પણ નહોતા શકતા.”
તાજુદ્દીન નાણામંત્રી બન્યા
ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
ઇમેજ કૅપ્શન, શેખ મુજીબના કહેવાથી તાજુદ્દીન અહમદે તરત જ રાજીનામું આપી દીધું
જોકે, તાજુદ્દીને રાજીનામું આપવામાં મોડું ન કર્યું. શેખ મુજીબે વડા પ્રધાનનું પદ સંભાળ્યું અને તેમણે તાજુદ્દીન અહમદને પોતાના નાણામંત્રી બનાવ્યા.
જોકે, ઘણા બધા લોકોને આશા હતી કે તેમની પ્રતિષ્ઠાને જોતાં મુજીબ તેમને નાયબ વડા પ્રધાન તો બનાવશે જ, પરંતુ એવું ન થયું.
નાણામંત્રી તરીકે તેઓ નવા આઝાદ થયેલા દેશના પુનર્નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા. ઈ.સ. 1974માં તેમની અમેરિકાયાત્રાની ઘણી ચર્ચા થઈ.
સૈયદ બદરુલ હસન પોતાના પુસ્તક ‘ગ્લોરી ઍન્ડ ડિસ્પેયર ધ પૉલિટિક્સ ઑફ તાજુદ્દીન અહમદ’માં લખે છે, “જ્યારે વિશ્વ બૅંકના અધ્યક્ષ રૉબર્ટ મૅકનમારાએ તેમને પૂછ્યું કે વિશ્વ બૅંક બાંગ્લાદેશની કઈ જરૂરિયાતોને પૂરી કરી શકે છે? ત્યારે તેમણે વિના સંકોચ જવાબ આપ્યો કે તેમને ખેતી કરવા માટે બળદો અને હળો સાથે બાંધવા માટે દોરડાંની જરૂર છે.”
માનશ ઘોષ લખે છે, “એક પરબીડિયામાં મુજીબનો પત્ર હતો, જેમાં લખ્યું હતું કે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તમને તાત્કાલિક અસરથી રાજીનામું આપવા માટે કહેવામાં આવે છે.”
“બીજા કવરમાં ટાઇપ કરેલો રાજીનામાપત્ર મોકલવામાં આવી રહ્યો છે. તમે તેના પર સહી કરીને આ પત્ર લઈ આવનારને આપી દો.”
તાજુદ્દીન અહમદે હસતાં હસતાં તે રાજીનામાપત્ર પર સહી કરી અને કૅબિનેટ સચિવને સોંપી દીધો.
ઇમેજ કૅપ્શન, 1975માં શેખ મુજીબુર્રહમાનની તેમના પરિવાર સહિત હત્યા પછી તાજુદ્દીનને જેલમાં મોકલી દેવાયા
15 ઑગસ્ટ 1975એ જ્યારે શેખ મજીબુર્રહમાનની તેમના પરિવાર સહિત હત્યા કરી દેવામાં આવી અને ખોંડકર મુશ્તાક અહમદ બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તાજુદ્દીન અહમદને તેમના ઘરમાં નજરકેદ કરી દેવાયા.
જ્યારે તાજુદ્દીન અહમદ, સૈયદ નજરુલ ઇસ્લામ, કૅપ્ટન મન્સૂર અલી અને એએચ કમરુઝ્ઝમાંએ ખોંડકર મુશ્તાક અહમદના મંત્રીમંડળમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો, ત્યારે તેમને ઢાકા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા.
સલિલ ત્રિપાઠી પોતાના પુસ્તક ‘ધ કર્નલ હૂ વુડ નૉટ રિપેઇન્ટ’માં લખે છે, “2-3 નવેમ્બર 1975ની રાતે જ્યારે બાંગ્લાદેશમાં સૈન્ય તખ્તાપલટ થયો, ત્યારે બંગ ભવનથી જેલના ઇન્સ્પેક્ટર જનરલ મોહમ્મદ નૂરુઝ્ઝમાંને ફોન આવ્યો કે સૈનિક વર્દીમાં કેટલાક લોકો ઢાકા જેલમાં આવશે. તેમને જેલમાં બંધ રાજકીય કેદીઓ પાસે લઈ જવામાં આવે.”
તાજુદ્દીન અહમદની હત્યા
ઇમેજ સ્રોત, TAJUDDINAHMAD.ORG
ઇમેજ કૅપ્શન, જેલમાં પહેલી વાર ગોળી વાગ્યા પછી પણ તાજુદ્દીન અને તેમના સાથી જીવતા હતા
સલિલ ત્રિપાઠી લખે છે, “ચારેય કેદીઓને જગાડીને બીજા કેદીઓથી અલગ કરી દેવાયા. તાજુદ્દીન અને નજરુલ એક રૂમમાં છ કેદીઓની સાથે બંધ હતા. તે બંને અને મન્સૂર અલી અને કમરુઝ્ઝમાંને બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા.”
“જેલર અમીનુર રહમાનને કહેવામાં આવ્યું કે તેઓ આ કેદીઓની ઓળખ કરે. તાજુદ્દીનને આખો મામલો સમજાઈ ગયો. તેમણે જેલર પાસે નમાજ પઢવાની પરવાનગી માગી. જેલરે તેની મંજૂરી આપી દીધી. નમાજ પૂરી થતાં જ કૅપ્ટન અને તેમના સાથીદારોએ એ ચારેય પર ગોળીબાર શરૂ કરી દીધો.”
અવામી લીગના ચારેય નેતા જમીન પર પડી ગયા. આ હત્યાઓ જેલની અંદર જેલ અધિકારીઓની સામે કરવામાં આવી હતી.
જ્યારે સૈનિકો આ ચારેયને મારી નાખીને પાછા જતા રહ્યા, ત્યારે જેલ સ્ટાફે બંગ ભવન ફોન કરીને જણાવ્યું હતું કે તાજુદ્દીન અહમદ અને કૅપ્ટન મન્સૂર અલી જીવિત છે અને પાણી માગી રહ્યા છે.
માનશ ઘોષ લખે છે, “મુશ્તાકે આદેશ આપ્યો કે સૈનિકો બીજી વખત જેલ જઈને સુનિશ્ચિત કરે કે તેઓ જીવતા નથી. સૈનિકોએ પાછા જેલ જઈને તાજુદ્દીન અને મન્સૂર અલીને મારી નાખ્યા.”
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વાતંત્ર્ય દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ત્યાં પહોંચ્યા છેલેખની માહિતી
માલદીવ 1200 ટાપુઓનો સમૂહ છે. ભૌગોલિક રીતે માલદીવને દુનિયાનો સૌથી વિખેરાયેલો દેશ માનવામાં આવે છે.
એક ટાપુથી બીજા ટાપુ પર જવા માટે ફેરીનો ઉપયોગ કરવો પડે છે. માલદીવની વસ્તી માત્ર 5.21 લાખ છે.
માલદીવ 1965માં બ્રિટનથી રાજકીય રીતે સંપૂર્ણપણે સ્વતંત્ર થયું હતું. સ્વતંત્રતા પછીનાં ત્રણ વર્ષમાં માલદીવ બંધારણ મુજબ ઇસ્લામિક ગણરાજ્ય બન્યું હતું.
સ્વતંત્રતા પછીથી માલદીવની રાજનીતિ અને લોકોના જીવનમાં ઇસ્લામને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. 2008માં માલદીવમાં ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. માલદીવ દુનિયાનો સૌથી નાનો ઇસ્લામિક દેશ છે.
26 જુલાઈએ માલદીવ પોતાનો 60મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીની આ ત્રીજી માલદીવ યાત્રા છે.
2023માં મોહમ્મદ મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા પછી નરેન્દ્ર મોદી માલદીવ પહોંચનારા પ્રથમ વિદેશી નેતા છે. મુઇઝ્ઝુના સત્તામાં આવવામાં ભારતવિરોધી અભિયાનની પણ ભૂમિકા રહી હતી.
પહેલાંની માલદીવ સરકાર ‘ઇન્ડિયા ફર્સ્ટ’ નીતિ પર ચાલી રહી હતી, પરંતુ મુઇઝ્ઝુએ આ નીતિને સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું. મુઇઝ્ઝુએ ચીન સાથે સંબંધો વધુ મજબૂત કર્યા હતા.
સમાચાર એજન્સી રૉયટર્સે લખ્યું છે કે 7.5 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા ધરાવતું માલદીવ જ્યારે ડિફૉલ્ટ થવાથી બચ્યું, ત્યારે મુઇઝ્ઝુએ ભારત પ્રત્યે પોતાનું વલણ બદલ્યું. રાષ્ટ્રપતિ બન્યા પછી મુઇઝ્ઝુએ પહેલાં તુર્કી, UAE અને ચીનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મુઇઝ્ઝુએ ભારત સાથેની કડવાશ દૂર કરવાની પહેલ શરૂ કરી.
જ્યારે ભારત અંગે માલદીવ સરકાર તરફથી ખૂબ જ આક્રમક નિવેદનો આવી રહ્યાં હતાં, ત્યારે પણ ભારતના અધિકૃત નિવેદનમાં ધીરજ અને સંયમ જોવા મળ્યું હતું.
આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થાય છે કે એક નાનકડા દેશ, જેનું અર્થતંત્ર માત્ર 7.5 અબજ ડૉલરનું છે, તેના માટે ભારતે એટલો સંયમ શા માટે દાખવ્યો?
1. માલદીવનું સ્થાન
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, માલદીવ 1200 દ્વીપોનું સમૂહ છે. તેને વિશ્વનો સૌથી વિખેરાયેલો દેશ પણ કહેવામાં આવે છે
માલદીવ જ્યાં આવેલું છે, એ જ તેને ખાસ બનાવે છે. હિંદ મહાસાગરના મોટા સમુદ્રી માર્ગો નજીક માલદીવ આવેલું છે.
હિંદ મહાસાગરમાં આ જ માર્ગો દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. ખાડીના દેશોથી ભારતમાં ઊર્જાની સપ્લાય આ જ માર્ગથી થાય છે.
આવા સંજોગોમાં ભારત અને માલદીવ વચ્ચે સંબંધો ખરાબ થવા એ ભારત માટે યોગ્ય નથી.
બાંગ્લાદેશમાં ભારતનાં પૂર્વ ઉચ્ચાયુક્ત વીણા સિક્રી કહે છે કે માલદીવ એક મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે અને વૈશ્વિક વેપારમાં તેની ખાસ ભૂમિકા છે.
સિક્રી કહે છે, ”ભારતનાં આર્થિક અને વ્યૂહાત્મક હિતો માટે આ માર્ગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ખાડીના દેશોથી ભારતનો ઊર્જા આયાત આ જ માર્ગથી થાય છે. માલદીવ સાથે સારા સંબંધો ભારતની ઊર્જા સુરક્ષાને પણ સુનિશ્ચિત કરે છે. ભારતના સમુદ્રી દેખરેખ (મેરિટાઇમ સર્વેલન્સ) માટે પણ માલદીવનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.”
થિંકટૅન્ક ORFના સિનિયર ફૅલો મનોજ જોશી કહે છે કે, “માલદીવ જ્યાં આવેલું છે, ત્યાં મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગો છે. આ માર્ગો પર્સિયન ગલ્ફથી પૂર્વ એશિયાની દિશામાં જાય છે. ભારત પણ વેપાર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે.”
2. ભારત સાથે ભૌગોલિક સંબંધ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ ત્રીજી વખત માલદીવની મુલાકાતે ગયા છે
માલદીવ ભારતની બિલકુલ નજીક આવેલો છે. ભારતના લક્ષદ્વીપથી માલદીવ લગભગ 700 કિલોમીટર દૂર છે અને ભારતના મુખ્ય ભૂભાગથી 1200 કિલોમીટર.
મનોજ જોશી કહે છે, ”જો ચીને માલદીવમાં નૌકાદળનો બેઝ બનાવી લીધો, તો તે ભારતની સુરક્ષા માટે પડકારરૂપ બની શકે છે. માલદીવમાં ચીન મજબૂત બને છે તો યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત સુધી પહોંચવું તેના માટે ખૂબ સરળ બની જશે. ચીનના માલદીવમાં ઘણા પ્રોજેક્ટ છે. ચીન વિશે કહેવામાં આવે છે કે તે માલદીવમાં નૌકાદળનો બેઝ બનાવવા ઇચ્છે છે. આવા સંજોગોમાં ભારતે સતર્ક રહેવું જરૂરી છે.”
મનોજ જોશી કહે છે, ”માલદીવ ભારત માટે હજુ પણ પડકાર છે. ભલે નરેન્દ્ર મોદીને માલદીવએ આમંત્રિત કર્યા હોય, પણ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ આર્થિક મજબૂરીમાં એવું કર્યું છે. માલદીવનો જનમત ભારતની વિરુદ્ધ હજુ પણ છે અને મુઇઝ્ઝુએ એનો લાભ લઈને જીત મેળવી હતી. મુઇઝ્ઝુએ મજબૂરીમાં ભારત સાથે સંબંધો સુધાર્યા છે, એવું નથી કે તેઓ આમ ઇચ્છતા હતા.”
3. ચીનની વધતી હાજરી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારતના લક્ષદ્વીપથી માલદીવ લગભગ 700 કમી દૂર છે
માલદીવે ચીન સાથે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ કર્યું છે. માલદીવ ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના “બેલ્ટ ઍન્ડ રોડ”નો ખુલ્લેઆમ સમર્થન કરે છે અને તેમાં સામેલ પણ છે.
હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરીને રોકવામાં માલદીવને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતે માલદીવની ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓમાં રોકાણ કર્યું છે.
આ યોજનાઓમાં ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટને ચીનનો સામનો કરવા માટેની પહેલ તરીકે જોવામાં આવે છે.
ગયા વર્ષે માર્ચમાં માલદીવે કહ્યું હતું કે ચીન તેને રક્ષણના ક્ષેત્રે મદદ કરશે. ત્યારે માલદીવના સંરક્ષણ મંત્રાલયે ઍક્સ પર લખ્યું હતું, “ચીન સાથે જે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે, તેનાથી સંરક્ષણ મામલે સહાય મળશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે.”
ઘણા વિશ્લેષકો માને છે કે માલદીવમાં ચીનની વધતી હાજરી ભારતની સુરક્ષા માટે ખતરો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં મુઇઝ્ઝુએ ચીનની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે 20 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા.
“ઇન્ડિયાઝ નૅશનલ સિક્યૉરિટી એન્યુઅલ રિવ્યૂ 2018” મુજબ, 27 ડિસેમ્બર 2016ના રોજ માલદીવે માલે ઍરપૉર્ટ નજીકના એક ટાપુને ચીનને 40 લાખ ડૉલરમાં 50 વર્ષ માટે લીઝ પર આપ્યો હતો.
ફેયધૂ ફિનોલ્હુ, જે રાજધાની નજીકનો ગેર-રહેણાક ટાપુ છે, તેને ચીનને લીઝ પર આપવામાં આવ્યો હતો.
હિંદ મહાસાગરમાં ચીન “બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ” હેઠળ પોતાની હાજરી વધારી રહ્યું છે અને તેના માટે માલદીવમાં અનેક યોજનાઓ પર કામ કરી રહ્યું છે.
માલદીવે જુલાઈ 2016માં એક કાયદો બનાવ્યો હતો, જેમાં નવી યોજનાઓને હરાજી પ્રક્રિયામાંથી મુક્ત કરવામાં આવી હતી અને તેને ચીનને મદદરૂપ થવાની દૃષ્ટિએ જોવામાં આવ્યું હતું.
મનોજ જોશી કહે છે, ”અરબી સમુદ્રમાં ચીન સૈન્ય હાજરી ઇચ્છે છે જેથી પર્સિયન ગલ્ફમાંથી આવતું તેલ સુરક્ષિત રીતે આવી શકે. બીજી તરફ, ભારત ઇચ્છે છે કે માલદીવ ચીન માટે સરળ ઠેકાણું ન બને.”
મુઇઝ્ઝુએ ગયા વર્ષે માર્ચમાં કહ્યું હતું, “10 મે પછી માલદીવમાં કોઈ પણ રૂપે ભારતીય સૈનિકોની હાજરી નહીં હોય. ભારતીય સૈનિકો યુનિફૉર્મમાં હોય કે સિવિલ ડ્રેસમાં, હવે માલદીવમાં નહીં રહે. હું આ વાત સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું.”
મુઇઝ્ઝુએ ગયા વર્ષે 13 જાન્યુઆરીએ ચીનની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત પછી ભારતનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું.
મુઇઝ્ઝુએ ભારતનું નામ લીધા વિના કહ્યું હતું, “માલદીવ ભલે નાનો દેશ હોય, પણ એથી કોઈને અમને ધમકાવવાનું લાઇસન્સ મળતું નથી.”
આના જવાબમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, “ધમકાવનાર દેશ 4.5 અબજ ડૉલરની મદદ નથી કરતો.”
થિંકટૅન્ક અનંતા સેન્ટરનાં CEO ઇન્દ્રાણી બાગચી કહે છે કે માલદીવ ભારત માટે એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ત્યાં હજુ પણ ભારતવિરોધી ભાવના છે.
બાગચી કહે છે, “માલદીવ કદાચ ભારતને પ્રેમ નહીં કરે, પણ એ સુરક્ષા માટે પડકાર ન બને એ સુનિશ્ચિત કરવું પડશે.”
પૂર્વ-પશ્ચિમ શિપિંગ લેન નજીક હોવાને કારણે માલદીવ ચીન માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ચીનમાં ખાડીમાંથી આવતું બધું તેલ આ જ માર્ગથી આવે છે.
આ ઉપરાંત માલદીવ નજીક ડિએગો ગાર્સિયા ખાતે અમેરિકાનું મહત્ત્વપૂર્ણ નૌકાદળ બેઝ આવેલું છે.
1988માં રાજીવ ગાંધીએ સૈન્ય મોકલીને અબ્દુલ ગયૂમની સરકારને બચાવી હતી.
2018માં જ્યારે માલદીવના લોકો પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે ભારતે પાણી મોકલ્યું હતું.
ઇમેજ કૅપ્શન, શરીફુદ્દીન અને બેબી ખાતૂનનું કહેવું છે કે ચૂંટણીપંચની પ્રક્રિયાથી તેમને વોટર લિસ્ટમાંથીબહાર થઈ જવાનો ડર છેલેખની માહિતી
લેેખક, દિલનવાઝ પાશા
પદ, બીબીસી સંવાદદાતા
એક બાજુ નેપાળ તો બીજી તરફ પશ્ચિમ બંગાળ. બાંગ્લાદેશની બૉર્ડર પણ અહીંથી વધારે દૂર નથી. આ બિહારનો મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતો કિશનગંજ જિલ્લો છે.
આજકાલ કેન્દ્રીય ચૂંટણીપંચ બિહારની મતદાર સૂચિમાં સુધારાવધારા કરી રહ્યું છે. આ પ્રક્રિયાને વિશેષ ગહન સમીક્ષા એટલે કે એસઆઇઆર નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા બિહારમાં વિવાદનો મુદ્દો બની છે; કેમ કે, અહીં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
એક તરફ, ચૂંટણીપંચ આને જરૂરી ગણાવે છે, તો બીજી તરફ વિપક્ષે એની સામે ઘણા સવાલ ઉઠાવ્યા છે. સવાલ કિશનગંજમાં રહેતા ઘણા મુસલમાનોનાં મનમાં પણ છે.
શરીફુદ્દીન ઘણા પરેશાન છે. તેઓ કહે છે, “હું 80 વર્ષનો થઈ ગયો છું. મારા પિતા અહીં મર્યા, દાદા અહીં દફન છે અને હવે અમારી પાસે દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે. અમને નાગરિકતાના સવાલ પૂછવામાં આવી રહ્યા છે.”
જૈનુલ (નામ બદલ્યું છે) જેવા લોકોનું કહેવું છે કે જો કોઈ કારણે તેમનું નામ મતદાર યાદીમાં ન આવ્યું, તો તેમની નાગરિકતા પર સવાલ ઊભા થઈ શકે છે.
જોકે, ઘણા મતદારો આને એક જરૂરી પ્રક્રિયા તરીકે પણ જોઈ રહ્યા છે.
જ્યારે કિશનગંજના કલેક્ટર વિશાલ રાજ સિંહનું કહેવું છે કે જેમણે એન્યૂમરેશન ફૉર્મ ભર્યું છે, તેમનું નામ લિસ્ટમાં જરૂર આવશે.
બૂથ લેવલ અધિકારી (બીએલઓ) અંતિમ મતદાર સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે.
ચૂંટણીપંચ અનુસાર, બિહારમાં અત્યાર સુધીમાં 97 ટકા કરતાં વધારે મતદારોનો ડેટા લેવાઈ ચૂક્યો છે.
2003 પછીથી પહેલી વાર આ પ્રકારની પ્રક્રિયા બાબતે ચૂંટણીપંચનું કહેવું છે કે તેનો હેતુ દરેક મતદારની પુષ્ટિ કરવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ ગેરકાયદે મતદાર સૂચિમાં ન રહે.
જે લોકોનાં નામ 2003ની મતદાર યાદીમાં છે, તેમની પાસે ફૉર્મની સાથે માત્ર વોટર લિસ્ટની કૉપી લેવામાં આવે છે; પરંતુ, જે લોકોનાં નામ 2003 પછી મતદાર યાદીમાં ઉમેરાયાં તેમની પાસે ઓળખની પુષ્ટિ માટે દસ્તાવેજ માંગવામાં આવી રહ્યા છે.
કિશનગંજની પરિસ્થિતિ
ઇમેજ કૅપ્શન, બિહારના ઘણા જિલ્લાની સરખામણીમાં કિશનગંજ પછાત જિલ્લો છે
કિશનગંજ જિલ્લામાં, ખાસ કરીને સીમા નજીકનાં ગામોમાં મોટા ભાગના લોકોએ ફૉર્મ તો ભરી દીધાં છે, પરંતુ અંતિમ યાદીમાં નામ આવવા બાબતે અહીંના લોકોનાં મનમાં અનિશ્ચિતતા છે.
કિશનગંજની લગભગ 70 ટકા વસ્તી મુસ્લિમ છે. આ જિલ્લાનો ઉત્તર તરફનો ભાગ નેપાળને અડીને આવેલો છે, જ્યારે પૂર્વ તરફનો ભાગ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાને અડે છે.
બિહારના બાકીના જિલ્લાની તુલનામાં કિશનગંજ, સાક્ષરતા દર અને આર્થિક વિકાસની બાબતમાં પછાત છે.
તે સૌથી ઓછો શૈક્ષણિક દર ધરાવતા જિલ્લામાં સામેલ છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર, અહીં માત્ર 55.46 ટકા લોકો જ સાક્ષર હતા. બિહારમાં સાક્ષરતા દર 61.8 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 74.04 ટકા છે.
આર્થિક વિકાસની બાબતમાં પણ કિશનગંજ રાજ્યના સૌથી પછાત જિલ્લામાં સામેલ છે.
ગઈ વખતના વસ્તી ગણતરીના આંકડા અનુસાર, અહીં 88 ટકા કરતાં વધારે વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. અહીં ઘણી નદીઓ છે અને ચોમાસા દરમિયાન જિલ્લાના મોટા ભાગના વિસ્તારો પૂર-પ્રભાવિત રહે છે. જોકે, ચાલુ વર્ષે હજુ પૂરની અસર નથી થઈ.
મુસલમાનોનાં મનમાં સવાલ
અહીં ઘણા લોકો માટે મતદાર યાદીમાં નામ આવવું તે માત્ર મત આપવા માટે જ નહીં, પરંતુ ઓળખ સાથે સંકળાયેલો પ્રશ્ન પણ બની ગયું છે.
નેપાળની સરહદને અડીને આવેલી ભાતગાંવ પંચાયતના મુસલમાન બહુમતી ધરાવતા ગામ બીરનાબાડી ગામમાં મોટા ભાગના લોકોએ પોતાના દસ્તાવેજ જમા કરાવી દીધા છે, પરંતુ અહીં કોઈને પણ રિસીવિંગ ફૉર્મ નથી મળ્યું.
80 વર્ષના શરીફુદ્દીનનો પરિવાર ઘણી પેઢીઓથી આ જ ગામમાં રહે છે. શરીફુદ્દીન કહે છે કે તેમની પાસે દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે અને નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
શરીફુદ્દીનના ત્રણ પુત્ર રાજ્યની બહાર મજૂરી કરે છે. બે પુત્ર ગામ પહોંચી ગયા અને એક ન પહોંચી શક્યા. શરીફુદ્દીને પોતાના આ પુત્રનું ફૉર્મ વૉટ્સઍપ પર મગાવીને જાતે જ ભર્યું છે. તેમને ડર છે કે ક્યાંક કોઈ નામ યાદીમાંથી બહાર ન રહી જાય.
કેટલાક લોકો, ખાસ કરીને સીમા નજીકનાં મુસલમાન બહુમતી ધરાવતાં ગામોમાં એવી બીક છે કે જો દસ્તાવેજમાં કશી ખામીના કારણે મતદાર યાદીમાં નામ નહીં આવે, તો તેઓ એકલા-અટૂલા પડી શકે છે.
સ્થાનિક સ્તરે અહીં કેટલાક લોકોનાં મનમાં આશંકા છે કે એવું થશે તો તેમને વિદેશી પણ માનવામાં આવી શકે છે.
શરીફુદ્દીન કહે છે, “લોકો અમને કહે છે કે તમારું નામ હટી જશે, પુત્રવધૂઓનાં નામ નીકળી જશે, તમે બાંગ્લાદેશી છો. આ પ્રકારની વાતો અમારા સુધી પહોંચી રહી છે. જો નામ નીકળી જશે, તો અમારું શું થશે?”
અહીં સુરજાપુરી ભાષા બોલાય છે, જેના પર બાંગ્લાની પણ અસર છે. પશ્ચિમ બંગાળની નજીક હોવાના કારણે અહીં બાંગ્લા સંસ્કૃતિની પણ અસર જોવા મળે છે.
‘ફૉર્મ ન ભરી શકાયાં’
કિશનગંજ શહેરથી લગભગ 45 કિલોમીટર દૂર, નેપાળની સીમાને અડીને આવેલા દીઘલબૅંક વિસ્તારની એક પંચાયતના વૉર્ડ સભ્ય ઘરે ઘરે જઈને પુષ્ટિ કરી રહ્યા છે કે ક્યાંય કોઈનું નામ રહી ન જાય.
અબ્દુલ રહમાન (નામ બદલ્યું છે) બીબીસીને જણાવે છે, “મારા વૉર્ડમાં 650 વોટ છે. અત્યાર સુધી 60થી વધારે ફૉર્મ જમા નથી થયાં. તેમાંથી મોટા ભાગના મતદાર મુસ્લિમ છે.”
રહમાન જ્યારે અમને મળ્યા, એન્યૂમરેશન ફૉર્મ ભરવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હતા.
રહમાન કહે છે, “અમે બીએલઓને વારંવાર કહીએ છીએ કે ફૉર્મ લો, પરંતુ તેઓ ટાળી દે છે. કશીક ખામી બતાવી દે છે. હવે જો ફૉર્મ ભરવામાં રહી ગયા, તો એવા મતદારોનું શું થશે?”
અહીં જ અમને એક મતદાર જૈનુલ (નામ બદલ્યું છે) મળ્યા. ફૉર્મની સાથે તેઓ સરકારી સ્કૂલના ધક્કા ખાતા હતા અને ફરી એક વાર તેઓ ફૉર્મ જમા ન કરાવી શક્યા.
જૈનુલ કહે છે, “બીએલઓ ઘરે તો નથી આવ્યા, અમે જ ત્રણ-ચાર વખત ધક્કા ખાઈ ચૂક્યા છીએ, પરંતુ દર વખતે ફૉર્મ નથી લેતા.”
જૈનુલ વારંવાર એ ડર જાહેર કરતા હતા કે જો તેમનું ફૉર્મ જમા ન થયું અને વોટર લિસ્ટમાંથી નામ નીકળી ગયું, તો તેમની નાગરિકતા પર સવાલ ઊભા થઈ શકે છે.
તેમણે પોતાના ફૉર્મની સાથે રહેઠાણના પ્રમાણપત્રની અરજીની કૉપી અને બીજા જરૂરી દસ્તાવેજ જોડ્યા છે. જ્યારે બીબીસીએ સંબંધિત બીએલઓ સાથે ફોન પર વાત કરી, ત્યારે તેમણે અરજીકર્તાને પોતાની પાસે મોકલવાનું કહ્યું.
જોકે, કિશનગંજના કલેક્ટર વિશાલ રાજ સિંહે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે દરેક વ્યક્તિ, જેમણે એન્યૂમરેશન ફૉર્મ ભર્યું છે, તેમનું નામ ડ્રાફ્ટ સૂચિમાં ચોક્કસ આવશે.
ઠાકુરગંજના બીડીઓ અહમર અબ્દાલીએ ફોન પર વાત કરતાં બીબીસીને કહ્યું કે, આ નાગરિકતાની તપાસ નથી, પરંતુ મતદાર યાદીમાં નોંધણી છે.
બીજી તરફ, લોકોનાં મનમાં ઊભા થઈ રહેલા સવાલો અંગે કલેક્ટર વિશાલ રાજ સિંહે બીબીસીને કહ્યું કે, જે કાયદેસર નાગરિક છે, તેમાંથી કોઈનું નામ નહીં નીકળી જાય.
તેમણે જણાવ્યું કે, જો કોઈ ગેરકાયદેસર જોવા મળશે, તો તેમનું નામ પણ સુનાવણીની તક આપ્યા પછી હટાવવામાં આવશે.
વિશાલ રાજ સિંહે કહ્યું, “અમને બોગસ વોટર મળ્યા છે. શું તેમાં વિદેશી નાગરિક છે?, તેની ઊંડી તપાસ થશે.”
‘દસ્તાવેજ એકઠા કરવા માટે પૂરતો સમય ન મળ્યો’
ઇમેજ કૅપ્શન, એસઆઇઆર શરૂ થયા પછી રહેઠાણના પ્રમાણપત્ર માટે માત્ર જુલાઈના પ્રથમ 20 દિવસમાં જ 3.41 લાખ અરજી થઈ છે
ઘણા લોકોનું માનવું છે કે દસ્તાવેજ એકઠા કરવા માટે પૂરતો સમય આપવામાં નથી આવ્યો.
બિરનાબાડી ગામના મોહમ્મદ આમિરે હવે નિરાંતનો શ્વાસ લીધો છે. તેઓ ગામના મોટા ભાગના લોકોનાં ફૉર્મ બીએલઓ પાસે જમા કરાવી ચૂક્યા છે. જોકે, તેમનો દાવો છે કે તેમને કોઈ રિસીવિંગ નથી મળ્યું.
આમિર કહે છે, “દસ્તાવેજ એકઠા કરવા માટે એટલી બધી મુશ્કેલી પડી કે અમે ઘણા દિવસો સુધી સૂઈ પણ ન શક્યા. ચૂંટણીપંચે ખૂબ ઓછો સમય આપ્યો. ફોટો પડાવવા માટે લોકોએ કમ્પ્યૂટરની દુકાન પર આખી રાત લાઇન લગાવી દીધી.”
”રહેઠાણના પ્રમાણપત્ર માટે ફૉર્મ ભરવામાં સંઘર્ષ કરવો પડ્યો. બધાનાં ફૉર્મ તો ભરાવી દીધાં છે, પરંતુ રિસીવિંગ નથી મળ્યું. હજુ પણ મનમાં સવાલ છે કે જો નામ નહીં આવે, તો શું થશે. એવી એક સામાન્ય માન્યતા બંધાઈ ગઈ છે કે મુસલમાનોનું નામ લિસ્ટમાંથી હટાવી શકાય છે.”
ગ્રામીણ વિસ્તારો, ખાસ કરીને પશ્ચિમ બંગાળને અડીને આવેલા વિસ્તારોમાં બંગાળમાં શાદી થવી એક સામાન્ય વાત છે.
મોહમ્મદ આમિર કહે છે, “અમારે ત્યાં ઘણી મહિલાઓ બંગાળમાંથી છે અને ઝારખંડમાંથી પણ છે. તેમના પિયરમાંથી દસ્તાવેજ મગાવવામાં ખૂબ જ તકલીફ પડી છે. જો થોડોક વધારે સમય અપાયો હોત, તો બધાના દસ્તાવેજ એકઠા કરી લેવાયા હોત.”
પરંતુ, કિશનગંજના કલેક્ટર વિશાલ રાજ સિંહે બીબીસીને કહ્યું છે કે, જે મતદાર રાજ્યની બહારના છે, તેમની પાસે ત્યાંથી જ ફૉર્મ લેવામાં આવે છે.
તેમણે જણાવ્યું, “કોઈના મનમાં એવી બીક ન રહેવી જોઈએ કે તેમનું નામ યાદીમાં નહીં આવે. જો ફૉર્મ ભર્યું હશે, તો ડ્રાફ્ટ લિસ્ટમાં નામ ચોક્કસ હશે. જો ઓળખ સંબંધી દસ્તાવેજો બાબતે કશો પ્રશ્ન હશે તો પણ તેનો જવાબ આપવા માટે પણ પૂરતો સમય આપવામાં આવશે.”
રહેઠાણના પ્રમાણપત્ર માટે અરજીઓ વધી
ચૂંટણીપંચે ઓળખની પુષ્ટિ માટે 11 દસ્તાવેજ માગ્યા છે. તેમાં આધાર કે બૅંક પાસબુક સામેલ નથી.
તેમાં મેટ્રિક સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર અને જમીનના માલિકી હક સાથે સંકળાયેલા દસ્તાવેજ સામેલ છે. સાક્ષરતા દર ઓછો હોવાના કારણે ઘણા બધા લોકો પાસે મેટ્રિક સર્ટિફિકેટ પણ નથી.
જે લોકો પાસે દસ્તાવેજ નથી, તેઓ રહેઠાણનું પ્રમાણપત્ર બનાવડાવવા માટે દોડાદોડી કરે છે.
કિશનગંજમાં રહેઠાણનું પ્રમાણપત્ર લેવા માટે જાન્યુઆરીથી જૂન 2025 વચ્ચે દર મહિને 26-28 હજાર અરજીઓ થતી હતી.
પરંતુ, એસઆઇઆર શરૂ થયા પછી માત્ર જુલાઈના પ્રથમ 20 દિવસમાં જ 3.41 લાખ અરજી થઈ છે.
હવે આ પ્રમાણપત્ર આપતાં પહેલાં તપાસ પણ થઈ રહી છે. એક મુસ્લિમ બહુલ ગામના વૉર્ડ સભ્યએ બીબીસીને કહ્યું, “દરેક રહેઠાણ પ્રમાણપત્ર અરજીકર્તાની તપાસ માટે પોલીસ ગામમાં આવી રહી છે. ઓળખની પુષ્ટિ કરવામાં આવી રહી છે.”
કિશનગંજનો ઠાકુરગંજ બ્લૉક નેપાળની સીમાને અડીને આવેલો છે. અહીં અમારી મુલાકાત બેબી ખાતૂન સાથે થઈ, જેઓ મજૂરી કરવા બહાર ગયેલા પોતાના પતિનું રહેઠાણનું પ્રમાણપત્ર બનાવવા આવ્યાં છે.
તેમના માટે આ દસ્તાવેજ મતદાર યાદીમાં નામ આવવા માટે જરૂરી છે.
બેબી ખાતૂન કહે છે, “મેં ઑનલાઇન ફૉર્મ ભર્યું, પરંતુ પ્રમાણપત્ર ન બન્યું. પછી અહીં બ્લૉકના ધક્કા ખાઈ રહી છું. મને જણાવાયું છે કે ફૉર્મ ખૂબ વધારે આવી ગયાં છે તેથી સમય લાગે છે. જો મારા પતિનું વોટર લિસ્ટ ફૉર્મ નહીં ભરાય, તો તેમનું નામ કપાઈ જશે.”
બ્લૉકના કર્મચારીઓએ બેબી ખાતૂનને આશ્વાસન આપ્યું છે કે તપાસ થયા પછી તેમના પતિનું રહેઠાણનું પ્રમાણપત્ર બની જશે. પરંતુ તેમના મનમાં સવાલ છે.
ઠાકુરગંજ બ્લૉકમાં પણ રહેઠાણના પ્રમાણપત્ર માટે આવતી અરજીઓની સંખ્યા વધી છે. જે લોકો પાસે દસ્તાવેજ નથી, તેમાંના મોટા ભાગના રહેઠાણનું પ્રમાણપત્ર બનાવવા દોડાદોડી કરે છે.
સ્થાનિક પત્રકાર જબ્બર અહમદ કહે છે, “શરૂઆતમાં જ્યારે એસઆઇઆરનો આદેશ આવ્યો હતો, ત્યારે લોકોનાં મનમાં એવો ભય હતો કે કાગળ કઈ રીતે બનશે. પછી સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા જાગરૂકતા ફેલાવવામાં આવી.”
”બ્લૉકમાં અરજીકર્તાઓની ભીડ થવા લાગી. હવે મોટા ભાગનાં ફૉર્મ જમા તો થઈ ગયાં છે, પરંતુ લોકોનાં મનમાં સવાલ તો છે જ.”
હિન્દુ મતદારો શું કહે છે?
ઇમેજ કૅપ્શન, તપન શાહ કહે છે કે તેમને આ પ્રક્રિયાથી કશી બીક નથી, જે દસ્તાવેજ માગવામાં આવશે તે આપી દેવામાં આવશે
જોકે, ઘણા મતદાર એવા પણ છે, જેઓ આ પ્રક્રિયાને એક જરૂરી કાર્યવાહી તરીકે જોઈ રહ્યા છે.
ભાતગાંવ પંચાયતના પૂર્વ સરપંચ જ્ઞાનેશ્વર પ્રસાદ કહે છે, “આ મતદાર સમીક્ષા છે. જે મૃત્યુ પામ્યા છે, તેમનાં નામ નીકળી જશે. જેમનાં નામ ક્યાંક બીજે પણ છે, તે પણ હટી જશે. કેટલાક સંદિગ્ધ મતદાર છે, તે પણ નીકળી જશે. જેમના દસ્તાવેજ પાકા છે, તેમને કશી બીક ન હોવી જોઈએ.”
જ્યારે કિશનગંજ શહેરની સીમાને અડીને આવેલી ચકલા પંચાયતમાં ચાની દુકાન ચલાવનાર તપન શાહ કહે છે, “અમને સહેજે ડર નથી. જે કોઈ દસ્તાવેજ માગવામાં આવશે તે આપીશું. આ તો સારી વાત છે કે અમારી પાસે પુરાવા માગવામાં આવે છે. તેનાથી તો એ જ સાબિત થશે કે અમે અહીં કેટલાં વર્ષોથી રહીએ છીએ.”
દુકાન ચલાવવામાં તેમની મદદ કરતા તપનના પુત્ર કહે છે, “જે જે દસ્તાવેજ માગવામાં આવ્યા હતા, અમે બધા જમા કરાવી દીધા છે. અમારાં મનમાં કોઈ પ્રકારની બીક નથી. આ જરૂરી પ્રક્રિયા છે, જે ચૂંટણી પંચ કરી રહ્યું છે.”
જોકે, હજુ પણ ઘણા મતદારો એવા છે, જેમનાં ફૉર્મ જમા નથી થઈ શક્યાં. કોચાધામાન બ્લૉકના ધનપતગંજ ગામની મુસરહર ટોલીના રામોની ઋષિદેવ પોતાનાં પુત્રવધૂનું ફૉર્મ જમા નથી કરાવી શક્યા. હવે તેમને ચિંતા છે કે ક્યાંક તેમનાં પુત્રવધૂ મતાધિકારથી વંચિત ન રહી જાય.
પોતાની ઝૂંપડીમાં જૂની પેટીમાંથી ફૉર્મ કાઢીને બતાવતાં રામોની કહે છે, “પુત્રવધૂ કામે જતી રહી હતી, તેથી ફૉર્મ જમા ન થયું. પુત્ર બહાર છે. તેનું ફૉર્મ અમે અમારા હસ્તાક્ષર કરીને જમા કરાવી દીધું છે. પૈસાની અછતને લીધે તે પણ ગામ નથી આવી શક્યો.”
રામોની વારંવાર કહે છે કે ગરીબની પાસે વોટ જ એક અધિકાર છે. જો વોટ નહીં રહે તો કોઈ તેમની સુનાવણી નહીં કરે.
તેમનો ડર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ધ્રૂજતા શબ્દોમાં તેઓ કહે છે, “વોટ છે ત્યારે જ તો અમે સરકારના માણસ છીએ, જો વોટ નહીં રહે, તો કોઈ સુનાવણી નહીં થાય.”
કિશનગંજ અને સીમાંચલમાં વિદેશી ઘૂસણખોરીનો સવાલ
ઇમેજ કૅપ્શન, અખ્તરુલ ઈમાન એઆઇએમઆઇએમના ધારાસભ્ય છે
કિશનગંજમાં રહેઠાણના પ્રમાણપત્રની અરજીઓની સંખ્યા બાબતે સત્તાધારી ભાજપના નેતા અને બિહારના નાયબ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ સવાલ ઉઠાવ્યા છે.
એક નિવેદનમાં તેમણે કહ્યું છે, “અહીં રહેઠાણના પ્રમાણપત્રની માગમાં વધારાથી સંકેત મળે છે કે બીજા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. અમને શંકા છે કે કિશનગંજમાં બાંગ્લાદેશ, નેપાળ અને ભુતાનના નાગરિકો મોટી સંખ્યામાં હોઈ શકે છે.”
”કિશનગંજ પર વધુ ધ્યાન આપવું જોઈએ. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ચૂંટણીપંચે તપાસ કરવી જોઈએ કે અહીં વિદેશીઓ છુપાઈને તો નથી રહેતા ને.”
એઆઇએમઆઇએમના ધારાસભ્ય અખ્તરુલ ઈમાન કહે છે, ”અહીં ગરીબી અને નિરક્ષરતા છે. બિહારમાં સૌથી વધારે અભણ લોકો સીમાંચલમાં જ છે. આ પુર-પ્રભાવિત વિસ્તાર છે.”
”અમારા વિસ્તારમાં જન્મ-મૃત્યુની પણ યોગ્ય રીતે નોંધણી નથી થઈ શકી અને તેનું પ્રમાણપત્ર માગવામાં આવી રહ્યું છે. આ વિશેષ ગહન સમીક્ષા દરમ્યાન કિશનગંજ અને સીમાંચલના લોકોને ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે.”
અખ્તરુલ ઈમાનનું કહેવું છે, “2003માં પણ આ સમીક્ષા કરવામાં આવી હતી, પરંતુ ત્યારે એવા સવાલ ઊભા નહોતા કરાયા જેવા આ વખતે કરવામાં આવ્યા છે. 11 દસ્તાવેજ માગવામાં આવ્યા છે. લોકોને એવું લાગી રહ્યું છે કે આ સમીક્ષા નહીં, બલકે ચોર દરવાજે એનઆરસી (નૅશનલ સિટિઝનશિપ રજિસ્ટર) છે.”
એવું પહેલી વાર નથી બનતું જેમાં મોટી મુસલમાન વસ્તી ધરાવતા સીમાંચલની બાબતમાં સવાલ ઊભા થઈ રહ્યા હોય. કિશનગંજ સીમાંચલમાં જ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન પૂર્ણિયામાં કહેલું, “વોટબૅંકની રાજનીતિ કરનારાઓએ પૂર્ણિયા અને સીમાંચલને ગેરકાયદે ઘૂસણખોરીનું સ્થળ બનાવીને અહીંની સુરક્ષાને દાવમાં મૂકી છે.”
‘મૈં મીડિયા’ના સંસ્થાપક અને પત્રકાર તંઝીલ આસિફ કહે છે, “વડા પ્રધાનથી લઈને કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક નેતાઓ સીમાંચલ અને કિશનગંજની બાબતમાં નિવેદનબાજી કરતા રહ્યા છે.”
”આ વિસ્તારને ઘૂસણખોરીનો અડ્ડો ગણાવાતા રહ્યા છે. એ જ કારણે સ્થાનિક મતદારોમાં એવી બીક છે કે જો તેમનું નામ મતદાર યાદીમાં નહીં આવે, તો તેમના પર સવાલ ઊભા થઈ શકે છે.”
ઇમેજ કૅપ્શન, કંબોડિયા અને થાઇલૅન્ડની સરહદ પર સ્થિત પ્રેહ વિહેયર મંદર ભગવાન શિવને સમર્પિત છે
થાઇલૅન્ડ-કંબોડિયા સીમા પર ચાલી રહેલી સૈન્ય અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
થાઇલૅન્ડ-કંબોડિયા સીમા પર ગુરુવાર સવારથી બંને દેશોના સૈનિકો વચ્ચે ગોળીબારી થઈ રહી છે. થાઇલૅન્ડે જણાવ્યું છે કે તેણે કંબોડિયાના સૈન્ય ઠેકાણાંઓ પર હવાઈ બૉમ્બમારો કર્યો છે.
આ વિવાદની મૂળભૂત કારણો સો વર્ષથી પણ વધુ જૂનાં છે, જ્યારે ફ્રેન્ચ કબજા બાદ કંબોડિયાની સીમાઓ નક્કી કરવામાં આવી હતી.
પરિસ્થિતિ 2008માં ત્યારે તણાવપૂર્ણ બની ગઈ હતી, જ્યારે કંબોડિયાએ વિવાદિત વિસ્તારમાં આવેલા 11મી સદીના મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો.
થાઇલૅન્ડે આનો તીવ્ર વિરોધ કર્યો હતો.
આ પછી બંને દેશો વચ્ચે અનેક વખત અથડામણ થઈ, જેમાં સૈનિકો અને સામાન્ય નાગરિકોનાં મોત થયાં.
મે મહિનામાં એક અથડામણ દરમિયાન કંબોડિયાઈ સૈનિકના મોત પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો.
આ ઘટનાને પગલે, છેલ્લા દાયકામાં બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.
છેલ્લા બે મહિનામાં બંને દેશોએ એકબીજા પર સીમા સંબંધિત પ્રતિબંધો લગાવ્યા છે.
કંબોડિયાએ થાઇલૅન્ડથી ફળો અને શાકભાજી જેવી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ લેવી પણ બંધ કરી દીધી છે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં બંને દેશોએ સીમા પર સૈનિકોની તહેનાતી પણ વધારી છે.
મંદિરનો ઇતિહાસ શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, આ મંદિર કંબોડિયન નાગરિકો માટે ધર્મ અને આસ્થાનું કેન્દ્ર છે
યુનેસ્કો અનુસાર, કંબોડિયાના મેદાન પર ઊંચા પથારના કિનારે આવેલું પ્રેહ વિહેયર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરમાં અનેક ધાર્મિક નિર્માણો થયાં છે.
મંદિરનું મુખ્ય નિર્માણ કાર્ય 11મી સદીમાં થયું હતું, જોકે તેની જટિલ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ 9મી સદી સુધી જાય છે, જ્યારે અહીં એક તપસ્વી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.
આ સ્થળ સારી રીતે સંરક્ષિત છે અને દુર્ગમ સ્થાન પર આવેલું છે.
મંદિર તેની ઉત્તમ વાસ્તુકળા માટે જાણીતું છે. તેને નકશીદાર પથ્થરો વડે શોભાવાયું છે, જે ખૂબ જ સુંદર માનવામાં આવે છે.
કંબોડિયાએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ફરિયાદ કરી હતી કે થાઇલૅન્ડે મંદિરનાં ખંડેરોથી ઘેરાયેલા તેના વિસ્તારમાંથી એક ભાગ પર કબજો કરી લીધો છે.
આ સ્થળ કંબોડિયાઈ નાગરિકો માટે ધર્મ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.
કંબોડિયાએ ન્યાયાલયને વિનંતી કરી હતી કે તે મંદિર પર અધિકારનો ચુકાદો તેને આપે અને થાઇલૅન્ડને 1954થી ત્યાં તહેનાત સૈનિકોને હટાવવાનો આદેશ આપે.
થાઇલૅન્ડે શરૂઆતમાં કોર્ટના અધિકારક્ષેત્ર પર આક્ષેપ કર્યા, જેને 26 મે 1961ના રોજ ન્યાયાલયે નકારી કાઢ્યા.
15 જૂન 1962ના અંતિમ ચુકાદામાં ન્યાયાલયે જણાવ્યું કે 1904ની ફ્રેન્કો-સાયામી સંધિમાં વિવાદિત વિસ્તારને વૉટરશેડ લાઇન અનુસાર નક્કી કરવામાં આવ્યો હતો અને સંયુક્ત સીમા-નિર્ધારણ કમિશન દ્વારા બનાવવામાં આવેલા નકશામાં મંદિર કંબોડિયાની સીમામાં દર્શાવવામાં આવ્યું હતું.
થાઇલૅન્ડે દલીલ આપી હતી કે આ નકશાને માનવો જરૂરી નથી, અને તેણે આ નકશાને ક્યારેય સ્વીકાર્યો નથી, અથવા તો જો સ્વીકાર્યો હોય તો ખોટી સમજણમાં કર્યું હતું.
જોકે, ન્યાયાલયે નિષ્કર્ષ આપ્યો કે થાઇલૅન્ડે ખરેખર આ નકશાને સ્વીકાર્યો હતો અને આથી મંદિર કંબોડિયાના વિસ્તારમાં આવેલું છે.
કોર્ટએ આ પણ કહ્યું કે થાઇલૅન્ડે ત્યાં તહેનાત પોતાની સૈન્ય અથવા પોલીસ ટુકડીઓને હટાવવી પડશે અને 1954 પછી મંદિરમાંથી જે કંઈ પણ હટાવાયું છે તે કંબોડિયાને પાછું આપવું પડશે.
થાઇલૅન્ડે કેમ આપી ચેતવણી?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, થાઇલૅન્ડે ચેતવણી આપી છે કે વર્તમાન સંઘર્ષ યુદ્ધ તરફ આગળ વધી શકે છે
થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે તાજેતરના તણાવની શરૂઆત એ સમયે થઈ હતી,
જ્યારે એક દિવસ પહેલાં સીમા પર લૅન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના પછી થાઇલૅન્ડે કંબોડિયામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા.
તે પછી ગુરુવારે થાઇલૅન્ડ અને કંબોડિયાએ એકબીજા પર પહેલા ગોળીબાર શરૂ કરવાનો આરોપ મૂક્યો છે.
થાઇલૅન્ડનો દાવો છે કે આ સંઘર્ષ કંબોડિયાની સેનાએ સીમા નજીક થાઈ સૈનિકોની નજરદારી માટે ડ્રોન તહેનાત કર્યા પછી શરૂ થયો હતો.
થાઇલૅન્ડે ચેતવણી આપી છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો આ સંઘર્ષ ‘યુદ્ધ તરફ જઈ શકે છે.’
આ સંઘર્ષના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.
થાઇલૅન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયાચાઈએ જણાવ્યું કે હવે લડાઈમાં ભારે હથિયારો પણ સામેલ થઈ ગયાં છે.
આ લડાઈ બંને દેશોની સીમા પર 12 વિસ્તારો સુધી ફેલાઈ ગઈ છે.
થાઇલૅન્ડે કંબોડિયા પર નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કરવાનો પણ આરોપ મૂક્યો છે અને તેના રૉકેટોની રેન્જમાં આવતાં તમામ ગામોને ખાલી કરાવી દીધાં છે.
કંબોડિયાએ પણ થાઇલૅન્ડ પર ક્લસ્ટર હથિયારોના ઉપયોગનો આરોપ મૂક્યો છે.
સામાન્ય નાગરિકો પર તેના અસરને કારણે દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં ક્લસ્ટર હથિયારો પર પ્રતિબંધ છે.
જોકે, થાઇલૅન્ડે આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
દુનિયામાંથી શાંતિની અપીલ
અમેરિકાએ બંને દેશોને ‘શત્રુતા તાત્કાલિક સમાપ્ત કરવા, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ’ માટે અપીલ કરી છે.
વીડિયો કૅપ્શન, ગુજરાત પર આ સિસ્ટમની કેવી અસર થશે, કયા વિસ્તારમાં આજથી વધશે વરસાદ?
ગુજરાત પર આ સિસ્ટમની કેવી અસર થશે, કયા વિસ્તારમાં આજથી વધશે વરસાદ?
ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
ક્યાંક વરસાદ ઉકળાટથી રાહત અપાવનારો તો ક્યાંક મુશ્કેલીઓમાં વધારો કરનારો સાબિત થઈ રહ્યો છે.
રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે ઘણી જગ્યાએ ખેડૂતો આ તકનો લાભ લઈને ખેતી સંબંધિત પોતાનાં કામો પતાવી રહ્યા છે. જોકે, કેટલીક જગ્યાએ વરસાદે ખેડૂતો માટે આફતની સ્થિતિ પણ સર્જી છે.
હવે ભારતીય હવામાન વિભાગે આગામી અમુક દિવસ દરમિયાન રાજ્યમાં કયાં સ્થળોએ કેવો વરસાદ પડી શકે છે એ સંબંધિત આગાહી કરી છે.
આગાહીની વિસ્તારે વાત કરીએ તો વિભાગે સંક્ષિપ્ત ચિતારમાં દેશમાં રહેલી હવામાનની પરિસ્થિતિ અંગે જણાવ્યું છે. જે પ્રમાણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તાર અને નિકટના ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પરનું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળ્યું હતું.
તેમજ દરિયાની સપાટીએ જોવા મળેલ મોન્સૂન ટ્રફ જમ્મુ, ચંદિગઢ, બરેલી, ગોરખપુર, પટણા, બાંકુરા, કોલકાતાથી પાસ થઈ રહ્યું હતું.
આ સિવાય ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રથી ટ્રફ ચંદિગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનથી સમગ્ર મહારાષ્ટ્રના સમુદ્રની સપાટીથી 4.5 અને 5.8 કિમી ઉપર જોવા મળ્યો હતો.
આમ, ભારતની મુખ્ય ભૂમિ ભાગો પર પણ હાલ વરસાદને અનુકૂળ સ્થિતિઓ પ્રવર્તી રહી છે.
હવે જાણીએ ગુજરાતમાં ક્યાં કેટલા વરસાદની આગાહી કરાઈ છે?
આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતનાં ક્ષેત્રો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉપરાંત 27 જુલાઈના રોજ પણ પરિસ્થિતિમાં કોઈ ઝાઝો બદલાવ આવવાની શક્યતા નથી.
આગાહી પ્રમાણે ઉપરોક્ત તમામ સહિત, રાજકોટ, જામનગર હળવાથી મધ્યમ કક્ષાનો ગાજવીજ સાથેનો વરસાદ પડવાની સંભાવના છે.
જોકે, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુરમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ પડી શકે છે.
હવામાનની સિસ્ટમની અસરથી પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે. પણ શું આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં પણ ભારે વરસાદ આવશે? ગુજરાતના કયા વિસ્તારોમાં આવનારા દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે? ગુજરાતના ચોમાસાની આગાહી વિશેની સમજણ સરળતાથી આ વીડિયોમાં.
ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
ક્યાંક વરસાદ ઉકળાટથી રાહત અપાવનારો તો ક્યાંક મુશ્કેલીઓમાં વધારો કરનારો સાબિત થઈ રહ્યો છે.
રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે ઘણી જગ્યાએ ખેડૂતો આ તકનો લાભ લઈને ખેતી સંબંધિત પોતાનાં કામો પતાવી રહ્યા છે. જોકે, કેટલીક જગ્યાએ વરસાદે ખેડૂતો માટે આફતની સ્થિતિ પણ સર્જી છે.
હવે ભારતીય હવામાન વિભાગે આગામી અમુક દિવસ દરમિયાન રાજ્યમાં કયાં સ્થળોએ કેવો વરસાદ પડી શકે છે એ સંબંધિત આગાહી કરી છે.
આગાહીની વિસ્તારે વાત કરીએ તો વિભાગે સંક્ષિપ્ત ચિતારમાં દેશમાં રહેલી હવામાનની પરિસ્થિતિ અંગે જણાવ્યું છે. જે પ્રમાણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તાર અને નિકટના ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પરનું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધતું જોવા મળ્યું હતું.
તેમજ દરિયાની સપાટીએ જોવા મળેલ મોન્સૂન ટ્રફ જમ્મુ, ચંદિગઢ, બરેલી, ગોરખપુર, પટણા, બાંકુરા, કોલકાતાથી પાસ થઈ રહ્યું હતું.
આ સિવાય ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રથી ટ્રફ ચંદિગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનથી સમગ્ર મહારાષ્ટ્રના સમુદ્રની સપાટીથી 4.5 અને 5.8 કિમી ઉપર જોવા મળ્યો હતો.
આમ, ભારતની મુખ્ય ભૂમિ ભાગો પર પણ હાલ વરસાદને અનુકૂળ સ્થિતિઓ પ્રવર્તી રહી છે.
હવે જાણીએ ગુજરાતમાં ક્યાં કેટલા વરસાદની આગાહી કરાઈ છે?
વીડિયો કૅપ્શન, ગુજરાત પર આ સિસ્ટમની કેવી અસર થશે, કયા વિસ્તારમાં આજથી વધશે વરસાદ?
ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?
ઇમેજ સ્રોત, Getty Images
આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતનાં ક્ષેત્રો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ખાતે મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉપરાંત 27 જુલાઈના રોજ પણ પરિસ્થિતિમાં કોઈ ઝાઝો બદલાવ આવવાની શક્યતા નથી.
આગાહી પ્રમાણે ઉપરોક્ત તમામ સહિત, રાજકોટ, જામનગર હળવાથી મધ્યમ કક્ષાનો ગાજવીજ સાથેનો વરસાદ પડવાની સંભાવના છે.
જોકે, દાહોદ, નર્મદા અને છોટા ઉદેપુરમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતનાં જળાશયો કેટલાં છલકાયાં?
ઇમેજ સ્રોત, https://mausam.imd.gov.in
વરસાદ ચાલુ રહેવાના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. 23 જુલાઈના આંકડા પ્રમાણે ગુજરાતના 207માંથી 28 ડૅમ છલકાઈ ગયા છે. તેમાં ઉત્તર ગુજરાતના એક પણ ડૅમનો સમાવેશ નથી થતો, પરંતુ મધ્ય ગુજરાતના બે, સાઉથ ગુજરાતના પાંચ, કચ્છના પાંચ અને સૌરાષ્ટ્રના સૌથી વધુ 16 ડૅમ છલકાઈ ગયા છે.
ગુજરાતનાં જળાશયોમાં હાલમાં સરેરાશ 59 ટકા પાણી ભરાયું છે.
રાજ્યનો સૌથી મોટા ડૅમ સરદાર સરોવરના જળાશયમાં અત્યાર સુધીમાં 58 ટકાથી વધુ પાણી ભરાયું છે.
ઇમેજ કૅપ્શન, 1999માં દ્રાસ સેક્ટર તરફ આગળ વધતા ભારતીય સૈનિકલેખની માહિતી
26 વર્ષ પહેલાં કારગિલના પહાડો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પાકિસ્તાની સૈનિકોએ જ્યારે કારગિલના ઊંચા પહાડો પર ઘૂસણખોરી કરીને પોતાનાં ઠેકાણાં બનાવી લીધાં બાદ આ યુદ્ધની શરૂઆત થઈ હતી.
8 મે, 1999. પાકિસ્તાનની 6 નૉરધર્ન લાઇટ ઇન્ફેન્ટ્રીના કપ્તાન ઇફ્તેખાર અને લાન્સ હવલદાર અબ્દુલ હકીમ 12 સૈનિકો સાથે કારગિલની આઝમ ચોકીએ બેઠા હતા. તેમણે જોયું કે કેટલાક ભારતીયો થોડા અંતરે પોતાનાં પશુઓને ચરાવી રહ્યાં છે.
પાકિસ્તાની સૈનિકોએ આ ભારતીયોને બંદી બનાવી લેવા કે કેમ એ વિષય પર એકમેક સાથે મસલત કરી? એક જણે કહ્યું કે જો તેમને બંદી બનાવી લેવાય તો તેઓ તેમનું રૅશન ખાઈ જશે, જે પહેલાંથી જ અપૂરતું છે. તેમને પાછા મોકલી દેવાયા. લગભગ દોઢ કલાક બાદ આ લોકો ભારતીય સૈન્યના છ-સાત જવાનો સાથે પરત ફર્યા.
ભારતીય સૈનિકોએ પોતાનાં દૂરબીનો વડે વિસ્તાર પર નજર ફેરવી અને પરત ફર્યા. બે વાગ્યાની આસપાસ ત્યાં એક લામા હેલિકૉપ્ટર ઊડીને પહોંચ્યું.
આ હેલિકૉપ્ટર એટલી ઓછી ઊંચાઈએ ઊડી રહ્યું હતું કે કૅપ્ટન ઇફ્તેખારને પાઇલટનો બૅજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ એ ક્ષણ હતી જ્યારે પહેલી વાર ભારતીય સૈન્યની ખબર પડી કે સંખ્યાબંધ પાકિસ્તાની સૈનિકોએ કારગિલના પહાડ પર કબજો કરી લીધો છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, જૂન 1999માં કારગિલમાં પાકિસ્તાન સમર્થિત લડવૈયાની ચોકીઓ પર હુમલા કરતું ભારતીય હેલિકૉપ્ટર
પાકિસ્તાની સેનાના નિવૃત્ત કર્નલ અશફાક હુસૈને ‘વિટનેસ ટૂ બ્લન્ડર – કારગિલ સ્ટોરી અનફૉલ્ડ્સ’ નામે પુસ્તક લખ્યું છે. બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ કહે છે, “મેં પોતે કૅપ્ટન ઇફ્તેખાર સાથે વાત કરી હતી. તેમણે મને જણાવ્યું કે બીજા દિવસે ફરીથી ભારતીય સેનાનું લામા હેલિકૉપ્ટર ત્યાં આવ્યું હતું અને આઝમ, તારીક અને તશફીન ચોકીઓ પર જોરદાર ગોળીબાર કર્યો હતો.
“કૅપ્ટન ઇફ્તેખારે બટાલિયન હેડક્વાર્ટર પાસે ભારતીય હેલિકૉપ્ટર પર વળતો ગોળીબાર કરવા માટે મંજૂરી માગી હતી, પણ તેમને મંજૂરી મળી નહોતી. તેના કારણે ભારતીયો માટે સરપ્રાઇઝ ઍલિમૅન્ટ ખતમ જશે એમ માનીને નકાર કરી દેવાયા હતો.”
ભારતના રાજકીય નેતૃત્વને ખબરેય નહોતી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકો
આ બાજુ ભારતીય સેનાના અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાની સેનાએ ભારતના મોટા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. જોકે, તેમને લાગ્યું કે પોતાની રીતે મામલાને પાર પાડી દેવાશે. તેથી સેનાએ રાજકીય નેતાગીરીને આ બાબતની જાણ કરી નહોતી.
એક જમાનામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં સંરક્ષણ બાબતોના સંવાદદાતા તરીકે કામ કરનારા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ યાદ કરતાં કહે છે, “મારો એક મિત્ર ત્યારે સેનાના વડામથકે કામ કરતો હતો. તેણે ફોન કરીને મને કહ્યું કે મળવા માગે છે.”
“હું તેના ઘરે મળવા ગયો હતો. તેણે કહ્યું કે સરહદે કંઈક ગરબડ થઈ લાગે છે, કેમ કે ઘૂસણખોરી રોકવા માટે આખી પલટનને હેલિકૉપ્ટરથી કોઈ મુશ્કેલીગ્રસ્ત જગ્યાએ મોકલવામાં આવી છે. બીજા દિવસે મેં આ વાત પિતાને જણાવી.”
“તેમણે સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝને ફોન કર્યો. બીજા દિવસે તેઓ રશિયા જવાના હતા. તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો, કેમ કે સરકારને હવે ઘૂસણખોરીની જાણકારી મળી ગઈ હતી.”
સિયાચીનથી ભારતને અલગ પાડવાનો હેતુ હતો
ઇમેજ સ્રોત, Getty Images
મજાની વાત એ છે કે તે વખતે ભારતીય સેનાના વડા જનરલ વેદપ્રકાશ મલિક પણ પોલૅન્ડ અને ચેક રિપબ્લિકના પ્રવાસે ગયા હતા. તેમને આ ઘટનાની પ્રથમ માહિતી સેનાના અધિકારીઓ દ્વારા નહીં, પણ ત્યાંના ભારતીય રાજદૂતના માધ્યમથી મળી હતી.
સવાલ એ છે કે લાહોર શિખર સંમેલન પછી પાકિસ્તાની સેનાએ આ રીતે ગુપચુપ કારગિલની પહાડીઓ પર કબજો જમાવ્યો તેની પાછળનો ઇરાદો શો હતો?
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના ઍસોસિએટ ઍડિટર સુશાંતસિંહ કહે છે, “ઇરાદો એવો જ હતો કે ભારતના ઉત્તરમાં સૌથી દૂરના છેડાના, સિયાચીન ગ્લેશિયરની લાઇફ-લાઇન ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વન-ડીને વચ્ચેથી કાપીને તેના પર કબજો કરી લેવો. લદ્દાખ સુધી આવનજાવન માટે જે માર્ગ જતો હતો તેના ઉપરની ટેકરીઓ પર કબજો કરી લેવો, જેથી સિયાચીન છોડી દેવાની ભારતને ફરજ પડે.”
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન એક્સપ્રેસના પૂર્વ ઍસોસિયેટ ઍડિટર સુશાંતસિંહ
સુશાંત સિંહનું માનવું છે કે 1984માં ભારતે સિયાચીન પર કબજો કરી લીધો હતો તે વાતથી મુશર્રફ ભારે નારાજ હતા. તે વખતે તેઓ પાકિસ્તાની સેનાના કમાન્ડો ફોર્સમાં મેજર તરીકે હતા.”
“તેમણે ઘણી વખત તે જગ્યાનો ફરી કબજો કરવાની કોશિશ કરી હતી, પણ ક્યારેય સફળ થઈ શક્યા નહોતા.”
દિલીપકુમારે નવાઝ શરીફને તતડાવી નાખ્યા
ઇમેજ સ્રોત, PTI
ભારતના નેતાઓને મામલાની ગંભીરતાથી જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો.
પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહમૂદ કસૂરીએ પોતાની આત્મકથા ‘નેઇધર અ હૉક, નૉર એ ડવ’માં લખ્યું છે, “વાજપેયીએ શરીફને ફરિયાદ કરી કે તમે મારી સાથે બહુ ખોટું કર્યું.”
“એક તરફ તમે લાહોરમાં મને ગળે મળી રહ્યા હતા, બીજી બાજુ તમે લોકો કારગિલના પહાડો પર કબજો કરી રહ્યા હતા. નવાઝ શરીફે કહ્યું કે તેમને આ બાબતની બિલકુલ જાણ નથી.”
“પરવેઝ મુશર્રફ સાથે વાત કરીને પછી તમને ફોન કરું છું. ત્યારે વાજપેયીએ કહ્યું કે મારી સાથે એક સાહેબ બેઠા છે, તેમની સાથે વાત કરી લો.”
દિલીપ કુમારે તેમને કહ્યું, “મિયાં સાહેબ, અમને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી, કેમ કે આપે હંમેશાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની વાત કરી છે.”
“હું તમને જણાવી દઉં કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે ત્યારે ભારતના મુસ્લિમોમાં અસલામતીની ભાવના પેસી જાય છે. તેમના માટે પોતાનાં ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.”
રૉ બિલકુલ અજાણ હતી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, યુદ્ધ દરમિયાન મુશ્કેલ પહાડી વિસ્તારમાં હથિયાર ઊંચકવામાં પણ સૈનિકોને પરેશાની થઈ રહી હતી
સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ હતી કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને આટલા મોટા ઑપરેશન વિશે કંઈ જ ખબર નહોતી.
ભારતના પૂર્વ ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, પાકિસ્તાનમાં ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત અને બાદમાં રચાયેલી કારગિલ તપાસ સમિતિના સભ્ય સતીશ ચંદ્રા જણાવે છે કે, “રૉ આ વિશે બિલકુલ માહિતી ન મેળવી શકી. પરંતુ અહીં સવાલ એ પણ થાય છે કે શું તેઓ આની માહિતી મેળવી શક્યા હોત? પાકિસ્તાનીઓએ કોઈ વધારાનું સૈન્ય બળ ન મગાવ્યું. રૉને આ વાતની ખબર ત્યારે પડી હોત જ્યારે પાકિસ્તાની પોતાની ‘ફૉરમેશન્સ’ને આગળ તહેનાતી માટે વધારી હોત.”
વ્યૂહરચનાત્મક રીતે પાકિસ્તાનની જબરદસ્ત યોજના
ઇમેજ કૅપ્શન, પૂર્વ લેફ્ટનન્ટ જનરલ હરચરણજિતસિંહ પનાગ સાથે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ
આ સ્થિતિનો જે પ્રકારે ભારતીય સૈન્યે સામનો કર્યો, તેની ઘણી જગ્યાએ ટીકા થઈ.
પૂર્વ લેફ્ટનન્ટ જનરલ હરચરણજિતસિંહ પનાગ, જેઓ બાદમાં કારગિલમાં પણ તહેનાત હતા, જણાવે છે કે, “હું કહીશ કે આ પાકિસ્તાનીઓનો જબરદસ્ત પ્લાન હતો કે તેમણે આગળ વધીને ખાલી પડેલા ખૂબ મોટા વિસ્તાર પર કબજો કરી લીધો. તેઓ લેહ કારગિલ સડક પર સંપૂર્ણપણે હાવી થઈ ગયા. આ તેમની ખૂબ મોટી સફળતા હતી.”
લેફ્ટનન્ટ પનાગ કહે છે કે, “3 મેથી માંડીને જૂનના પ્રથમ અઠવાડિયા સુધી આપણા સૈન્યનું પ્રદર્શન ‘બિલો પાર’ એટલે કે સામાન્ય કરતાં ઓછું હતું. હું તો એવું પણ કહીશ કે પ્રથમ એક માસ સુધી આપણું પ્રદર્શન શરમજનક હતું. એ બાદ 8મા ડિવિઝને ચાર્જ સંભાળ્યો અને અમને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે આ વિસ્તારમાં કેવી રીતે કામ કરવાનું છે, ત્યારે પરિસ્થિતિમાં સુધારો થવાની શરૂઆત થઈ. નિશ્ચિતપણે આ ખૂબ મુશ્કેલ ઑપરેશન હતું, કારણ કે એક તો પહાડમાં તમને નીચે હતા અને તેઓ ઊંચાઈ પર હતા.”
પનાગ સ્થિતિને કંઈક આ રીતે સમજાવે છે, “આ એ જ પ્રકારની વાત થઈ કે વ્યક્તિ સીડી પર ચઢેલી છે અને તમે નીચેથી ચઢીને તેને ઉતારવાના પ્રયાસ કરી રહ્યા છો. બીજી તકલીફ એ હતી કે એ ઊંચાઈએ ઓક્સિજન ઓછો હતો. ત્રીજી વાત એ હતી કે આક્રમક પર્વતીય લડાઈમાં આપણી તાલીમ કમજોર હતી.”
જનરલ મુશર્રફે શું કહ્યું હતું?
ઇમેજ સ્રોત, Getty Images
જનરલ પરવેઝ મુશર્રફે પણ વારંવાર કહ્યું કે તેમની નજરમાં આ એક ખૂબ સારો પ્લાન હતો, જેણે ભારતીય સૈન્યને ખૂબ મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધું હતું.
મુશર્રફે પોતાની આત્મકથા ‘ઇન ધ લાઇન ઑફ ફાયર’માં લખ્યું, “ભારતે આ ચોકીઓ પર આખેઆખી બ્રિગેડ સાથે હુમલો કર્યો, જ્યાં અમારા માત્ર આઠ કે નવ સૈનિકો તહેનાત હતા. જૂનના મધ્ય સુધી તેમને કોઈ સફળતા ન મળી. ભારતીયોએ જાતે માન્યું કે તેમના 600 કરતાં વધુ સૈનિકોનાં મૃત્યુ થયાં અને 1500 કરતાં વધુ ઈજાગ્રસ્ત. અમારી જાણકારી પ્રમાણે ખરી સંખ્યા આ આંકડાથી બમણી હતી. ખરેખર ભારતમાં મૃતકોની ભારે સંખ્યાને કારણે તાબૂત ખૂટી પડ્યા હતા અને બાદમાં તાબૂતોનો એક ગોટાળો સામે આવ્યો હતો.”
તોલોલિંગ પરના કબજાએ બાજી પલટી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કારગિલમાં ભારતીય જવાન
જૂનનું બીજું અઠવાડિયું ખતમ થતાં થતાં પરિસ્થિતિ ભારતીય સૈન્યના નિયંત્રણમાં આવવા લાગી હતી. હું એ સમયે ભારતીય સૈન્યના પ્રમુખ વેદપ્રકાશ મલિક પૂછ્યું હતું કે આ લડાઈમાં નિર્ણાયક વળાંક શું હતો? મલિકનો જવાબ હતો, “તોલોલિંગ પર જીત. એ પહેલો એવો હુમલો હતો જેને અમે કો-ઑર્ડિનેટ કર્યો હતો. એ અમારી ખૂબ મોટી સફળતા હતી. ચાર-પાંચ દિવસ સુધી આ લડાઈ ચાલી. આ લડાઈ એટલી નિકટથી લડાઈ કે બંને તરફના સૈનિક એક બીજાને ગાળ દઈ રહ્યા હતા અને એ બંને પક્ષોના સૈનિકોને સંભળાઈ પણ રહી હતી.”
જનરલ મલિક કહે છે કે, “અમારે તેની મોટી કિંમત ચૂકવવી પડી. અમે ઘણા સાથીઓને ગુમાવ્યા. છ દિવસ સુધી અમને પણ ગભરાટ હતો કે શું થવા જઈ રહ્યું છે, પરંતુ જ્યારે અમને ત્યાં જીત મળી તો અમને પોતાના સૈનિકો અને ઑફિસરો પર વિશ્વાસ થઈ ગયો કે અમે તેમને કાબૂમા કરી લઈશું.”
કારગિલમાંથી એક પાકિસ્તાની જવાનને હઠાવવા માટે 27 ભારતીય જવાન જોઈતા હતા
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારતના સંરક્ષણમંત્રી જૉર્જ ફર્નાન્ડિસ 22 જુલાઈ 1999ના રોજ પાકિસ્તાન સમર્થિત લડવૈયાની ચોકીઓથી મળેલા ગ્રેનેડ લૉન્ચર સાથે
આ લડાઈ લગભગ 100 કિમીના વિસ્તારમાં વ્યાપમાં લડાઈ હતી, જ્યાં લગભગ 1700 પાકિસ્તાની સૈનિક ભારતીય બૉર્ડરની અંદર લગભગ આઠ કે નવ કિમી સુધી ઘૂસી ગયા હતા. આ સમગ્ર ઑપરેશનમાં ભારતના 527 સૈનિકોનાં મૃત્યુ થયાં અને 1363 જવાન ઈજાગ્રસ્ત થયા.
વરિષ્ઠ પત્રકાર સુશાંતસિંહ જણાવે છે, “સૈન્યમાં એક કહેવત હોય છે કે ‘માઉન્ટેન ઇટ્સ ટ્રૂપ્સ,’ એટલે કે પહાડ સૈન્યને ખાઈ જાય છે. જમીનની લડાઈમાં આક્રમક સૈન્ય રક્ષક સૈન્ય કરતાં ત્રણ ગણું હોવું જોઈએ. પરંતુ પહાડોમાં પહાડોમાં આ સંખ્યાબળ ઓછામાં ઓછું નવ ગણું અને કારગિલમાં તો 27 ગણું હોવું જોઈએ. એટલે કે, જો ત્યાં દુશ્મનનો એક જવાન હઠાવવા માટે તમારે 27 જવાન મોકલવાના રહેશે. ભારતે પહેલાં તેને હઠાવવા માટે આખું ડિવિઝન લગાવ્યું અને પછી વધારાની બટાલિયન્સને શોર્ટ નોટિસ પર આ અભિયાનમાં જોડી દીધી.”
પાકિસ્તાનીઓએ તોડી પાડ્યાં ભારતનાં બે જેટ અને એક હેલિકૉપ્ટર
મુશર્રફ અંત સુધી કહેતા રહ્યા કે પાકિસ્તાનના રાજકીય નેતૃત્વે તેમનો સાથ આપ્યો હોત તો કહાણી કંઈક ઓર હોત.
તેમણે પોતાની આત્મકથામાં લખ્યું, “ભારતે પોતાના વાયુ સૈન્યને સામેલ કરીને એક પ્રકારે ‘ઓવર-રિએક્ટ’ કર્યું. તેની કાર્યવાહી મુજાહિદીનોનાં ઠેકાણાં સુદી જ સીમિત ન રહી, તેમણે બૉર્ડર પાર કરીને પાકિસ્તાની સૈન્યનાં ઠેકાણાં પર પણ બૉમ્બમારો શરૂ કરી દીધો. પરિણામ એ આવ્યું કે અમે પાકિસ્તાની જમીન પર તેમનાં એક હેલિકૉપ્ટર અને બે જેટ વિમાન તોડી પાડ્યાં.”
ભારતીય વાયુ સૈન્ય અને બોફોર્સ તોપોએ બાજી પલટી
ઇમેજ સ્રોત, Getty Images
એ વાત સાચી છે કે શરૂઆતમાં ભારતે પોતાનાં બે મિગ વિમાન અને હેલિકૉપ્ટર ગુમાવવાં પડ્યાં, પરંતુ ભારતીય વાયુ સૈન્ય અને બોફોર્સ તોપોએ વારંવાર અને પૂરી તાકતથી પાકિસ્તાની ઠેકાણાંને ‘હિટ’ કર્યાં.
નસીમ ઝેહરા પોતાના પુસ્તક ‘ફ્રૉમ કારગિલ ટુ ધ કૂ’માં લખે છે કે, “આ હુમલા એટલા ભયાનક અને સટીક હતા કે તેણે પાકિસ્તાની ચોકીઓને ધૂળમાં મેળવી દીધી. પાકિસ્તાની સૈનિક કોઈ પણ પ્રકારની સપ્લાય વગર લડી રહ્યા હતા અને બંદૂકોની યોગ્ય રીતે જાળવણી ન થવાને કારણે એ માત્ર એક લાકડી બનીને રહી ગઈ હતી.”
ભારતીયોએ ખુદ સ્વીકાર્યું કે એક નાના વિસ્તાર પર સેંકડો તોપોની ગોળાબારી એ એવી વાત હતી કે કોઈ અખરોટને કોઈ મોટા હથોડાથી તોડવામાં આવી રહ્યું હોય. કારગિલ લડાઈમાં કમાન્ડર રહેલા લેફ્ટનન્ટ જનરલ મોહિંદર પુરીનું માનવું છે કે કારગિલમાં વાયુ સેનાની સૌથી મોટી ભૂમિકા મનોવૈજ્ઞાનિક હતી. ભારતીય જેટોનો અવાજ સંભળાતા જ પાકિસ્તાની સૈનિકો ફફડી ઊઠતા અને આમતેમ ભાગવા લાગતા.
ક્લિન્ટનની નવાઝ શરીફ સાથે સીધી વાત
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, 4 જુલાઈના રોજ બ્લેયર હાઉસમાં પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન
જૂનના બીજા અઠવાડિયાથી ભારતીય સૈનિકોને જે ‘મોમેન્ટમ’ મળ્યું, એ જુલાઈના અંત સુધી ચાલુ રહ્યું. અંતે નવાઝ શરીફને યુદ્ધવિરામ માટે અમેરિકાની શરણે જવું પડ્યું. અમેરિકાના સ્વતંત્રતા દિવસ એટલે કે 4 જુલાઈ, 1999ના રોજ શરીફની વિનંતિ પર ક્લિન્ટન અને તેમની ખૂબ અપ્રિય પરિસ્થિતિમાં મુલાકાત થઈ.
એ મુલાકાતમાં મોજૂદ ક્લિન્ટનના દક્ષિણ એશિયન મામલાના સહયોગી બ્રૂસ રાઇડિલે પોતાના એક પેપર ‘અમેરિકાઝ ડિપ્લોમસી ઍન્ડ 1999 કારગિલ સમિટ’માં લખ્યું, “એક અવસર એવો આવ્યો જ્યારે નવાઝે ક્લિન્ટનને કહ્યું કે તેઓ તેમને એકલામાં મળવા માગે છે. ક્લિન્ટને રુક્ષતાથી કહ્યું કે એ સંભવ નથી. બ્રૂસ અહીં નોટ્સ લઈ રહ્યા છે. હું ઇચ્છું છું કે આ બેઠકમાં આપણી વચ્ચે જે કંઈ વાતચીત થઈ રહી છે, તેનો દસ્તાવેજ તરીકે રેકૉર્ડ રાખવામાં આવે.”
રાઇડિલે પોતાના પેપરમાં લખ્યું, “ક્લિન્ટને કહ્યું કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જો તમે વગર શરતે પોતાના સૈનિક નથી હઠાવવા માગતા, તો અહીં ન આવો. જો તમે આવું ન કરો તો મારી પાસે એક નિવેદનનો ડ્રાફ્ટ પહેલાંથી જ તૈયાર છે, જેમાં કારગિલ સંકટ માટે માત્ર અને માત્ર પાકિસ્તાનને જ દોષિત ઠેરવાશે. આ સાંભળતાં જ નવાઝ શરીફ ડઘાઈ ગયા.”
એ પાકિસ્તાની પ્રતિનિધિમંડળના એક સભ્ય તારિક ફાતિમીએ ‘ફ્રૉમ કારગિલ ટુ કૂ’ પુસ્તકનાં લેખિકા નસીમ ઝેહરાને જણાવ્યું કે, “જ્યારે શરીફ ક્લિન્ટનને મળીને બહાર નીકળ્યા તો તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેમની વાતોથી અમને લાગ્યું કે તેમનામાં વિરોધ કરવાની કોઈ તાકત નહોતી બચી.”
એક તરફ શરીફ ક્લિન્ટન સાથે વાત કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ ટીવી પર ટાઇગર હિલ પર ભારતના કબજાના સમાચાર ફ્લેશ થઈ રહ્યા હતા.
બ્રેક દરમિયાન નવાઝ શરીફે મુશર્રફને ફોન કરીને પૂછ્યું કે શું આ સમાચાર સાચા છે? મુશર્રફે તેનું ખંડન ન કર્યું.
(નોંધ : આ કહાણી 18 જુલાઈ, 2019ના રોજ બીબીસી ગુજરાતી પર પ્રકાશિત થઈ હતી.)
જ્યારે પોલીસે વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ જોયાં તો તેમાં એક વ્યક્તિ એક પાંઉભાજીની દુકાને ઊભી દેખાઈ, જ્યાંથી તેમનો નંબર મળ્યો. આ પાંચમી વ્યક્તિ જ આ ઘટનાની માસ્ટરમાઇન્ડ હતી.