ગુજરાત : ‘રવિવારે મમ્મીને રજા’, સુરતની શાળાએ શરૂ કર્યો નોખો પ્રોજેક્ટ
સુરતમાં મમ્મીને એમનાં બાળકોને લીધે ઘરકામમાંથી રજા મળે છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા વિદ્યાકુંજ શિક્ષણ સંકુલના સંચાલકોએ એક અનોખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
વાત એમ છે કે, સુરતમાં 1992માં સ્થપાયેલી વિદ્યાકુંજ શિક્ષણ સંકુલમાં નર્સરીથી લઈને કૉલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.
શાળા સંચાલકોના જણાવ્યા પ્રમાણે બાળકોને બુનિયાદી શિક્ષણ આપવાનો વિચાર આ શાળાએ શરૂઆતથી જ અપનાવ્યો છે.
આ વિચારના એક ભાગરૂપે જ સ્કૂલ દ્વારા ‘રવિવારે મમ્મીને રજા’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો રવિવારે એમની મમ્મીને ઘરકામમાં મદદ કરે છે.
રવિવારે મમ્મીને ઘરકામમાં મદદ કરતા બાળકો અને આ બાળકોમાં આવેલા બદલાવથી મમ્મીઓ શું કહે છે એ જુઓ આ વીડિયોમાં.
ઇમેજ કૅપ્શન, લાહોરમાં રહેતા ફય્યાઝ છેલ્લાં દસ વર્ષોથી વાઘને પાળી રહ્યા છે અને તેની લે-વેચ કરી રહ્યા છે.લેખની માહિતી
લેેખક, અઝદેહ મોશિરી
પદ, બીબીસી સંવાદદાતા, લાહોરથી
પાકિસ્તાનનાં સૌથી મોટાં શહેરોમાંથી એક લાહોરના બહારના વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસની આસપાસની ગંધ કંઈક અજીબ વાતની સાક્ષી આપે છે.
અંદર પ્રવેશતા જ કારણ સ્પષ્ટ થઈ જાય છે. અહીં 26 સિંહ, વાઘ અને તેનાં બચ્ચાં રહે છે અને તેમના માલિક છે ફય્યાઝ.
ફય્યાઝ જણાવે છે કે વરસાદના કારણે જમીન કાદવમાં ફેરવાઈ ગઈ છે.
તેમ છતાં તેઓ કહે છે, “જાનવર અહીં ખુશ છે. જ્યારે તેઓ અમને જુએ છે, ત્યારે નજીક આવે છે અને ખોરાક ખાય છે. તેઓ આક્રમક નથી.”
પણ જેવી તેમણે આ વાત કહી, તત્કાળ જ પાંજરામાં બંધ એક સિંહ ગર્જના કરવા લાગ્યો.
ફય્યાઝ કહે છે, “આ થોડો આક્રમક છે, એનો સ્વભાવ જ એવો છે.”
ફય્યાઝને સિંહો અને વાઘો સાથે ખૂબ જ લગાવ છે.
જેમ લોકો કૂતરાં અને બિલાડી જેવાં પાલતું પ્રાણીઓ પાળે છે, તેમ પાકિસ્તાનના પંજાબમાં ‘બિગ કૅટ્સ’ એટલે કે સિંહ, વાઘ અને ચિત્તા પાળવાનો ટ્રેન્ડ જોવા મળે છે.
પરંતુ જ્યારે લાહોરમાં બે અઠવાડિયાં પહેલાં એક પાલતું સિંહે એક મહિલા અને બે બાળકો પર હુમલો કર્યો, ત્યારે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને સરકારે ગેરકાયદેસર રીતે ‘બિગ કૅટ્સ’ પાળનારા સામે એક વિશેષ અભિયાન શરૂ કર્યું.
પાકિસ્તાનમાં સિંહ અને વાઘ જેવાં જંગલી પ્રાણીઓ પાળવાનું ચલણ
પાકિસ્તાનમાં ખાનગી રીતે સિંહ અને વાઘ પાળનાર કેન્દ્રોમાં ફય્યાઝનું કેન્દ્ર સૌથી મોટું માનવામાં આવે છે.
38 વર્ષીય ફય્યાઝ છેલ્લાં 10 વર્ષથી સિંહનાં બચ્ચાં અને પ્રજનન માટેની જોડી વેચી રહ્યા છે. તેમને પાકિસ્તાનના સૌથી મોટા સિંહ વેચાણકારોમાંથી એક માનવામાં આવે છે.
છેલ્લા ઘણા દાયકાથી સિંહ, વાઘ, પ્યુમા, ચિત્તા અને દીપડા જેવાં પ્રાણીઓ શક્તિ, પ્રતિષ્ઠા અને રાજકીય વફાદારીના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એટલે સુધી કે વાઘ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનું ચૂંટણીચિહ્ન પણ છે.
તાજેતરનાં વર્ષોમાં ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ જેવા શૉર્ટ વીડિયો પ્લૅટફૉર્મ્સના વધતા ઉપયોગ સાથે આવાં જંગલી પ્રાણીઓ પાળવાનો ક્રેઝ પણ ઝડપથી વધ્યો છે. હવે તો ઘણી વાર લગ્ન સમારંભોમાં પણ સિંહને લાવવામાં આવે છે.
પરંતુ લાહોરમાં એક પાલતું સિંહ દીવાલ ફૂદીને ભાગી ગયો અને રસ્તા પર ચાલતી એક મહિલા અને તેનાં બે બાળકો પર હુમલો કર્યા બાદ સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
આની અસર ફય્યાઝ જેવા લોકો પર પણ દેખાવા લાગી છે.
પાકિસ્તાનમાં જંગલી પ્રાણીઓ પાળવાના નિયમો શું છે?
નવા નિયમ પ્રમાણે દરેક જંગલી પ્રાણી માટે માલિકોને રૂ. 50,000 રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. આ લાઇસન્સ તેમને સિંહ, વાઘ, ચિત્તા, પ્યુમા અને જગુઆર જેવા ‘બિગ કેટ્સ’ પાળવાની કાનૂની મંજૂરી આપે છે.
તેમજ દરેક ફાર્મહાઉસમાં વધુમાં વધુ બે પ્રજાતિનાં માત્ર 10 પ્રાણી રાખવાની મંજૂરી હશે.
આ પ્રાણીઓને શહેરની અંદર રાખવાની મંજૂરી નહીં હોય. જે લોકો પાસે પહેલાંથી જ આવાં પ્રાણી છે, તેને શહેરની બહાર ખસેડવા માટે સમયમર્યાદા આપવામાં આવશે.
ટિકટૉક, ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ પર આ પાળેલાં જંગલી પ્રાણીઓના વીડિયો કે ફોટા શૅર કરવાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે.
નિયમોનું ઉલ્લંઘન કરનારને રૂ. 2 લાખ સુધીનો દંડ અને ગંભીર કેસમાં સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
“પંજાબ વન પારગમન નિયમ 2024” મુજબ, સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે જંગલી પ્રાણીઓનું પરિવહન ગેરકાનૂની ગણાશે. ચેકપૉઇન્ટ પણ બનાવવામાં આવશે.
જંગલની સીમાથી પાંચ માઈલની અંદર આરામિલ અથવા કોલસા ભઠ્ઠી લગાવવાની મનાઈ છે. આ નિયમોનો ઉદ્દેશ વન સંસાધનોની રક્ષા અને પારદર્શિતા વધારવાનો છે.
પાકિસ્તાનમાં મોટા જંગલી પ્રાણીઓ પાળવાથી થતી સમસ્યાઓ:
પાકિસ્તાનમાં દાયકાઓથી સિંહ અને વાઘ જેવાં પ્રાણીઓની ખરીદી-વેચાણ થતી રહી છે. અધિકારીઓ માને છે કે હાલના દરોડા માત્ર આ ગેરકાયદેસર વેપાર પર નામની તવાઈ છે.
ફક્ત પંજાબ પ્રાંતમાં જ હજારો નહીં તો સેંકડો એવી જગ્યાઓ છે જ્યાં લોકો રજિસ્ટ્રેશન વિના આવાં પ્રાણીઓ પાળે છે.
વાઇલ્ડલાઇફ ઍન્ડ પાર્ક્સના મહાનિદેશક મુબીન ઇલાહી જણાવે છે કે તમામ સ્થળોની તપાસ કરવા ઓછામાં ઓછા છ મહિના લાગશે.
તેઓ માને છે કે પંજાબમાં રહેલા 30-40% સિંહોની માહિતી લોકો સ્વેચ્છાએ નહીં આપે.
એક વધુ ગંભીર સમસ્યા છે, ઇનબ્રીડિંગ (પ્રાણીઓ વચ્ચે પ્રજનન), જે હવે સામાન્ય બની ગઈ છે. કેટલાંક મોટાં પ્રાણીઓને કદાચ મારી નાખવા પણ પડી શકે છે.
મુબીન કહે છે, “તેમને અનેક પ્રકારની તંદુરસ્તી સંબંધિત સમસ્યા છે. અમે હાલમાં આ અંગે નીતિ ઘડી રહ્યા છીએ.”
તેમણે 2024ના ડિસેમ્બર મહિનાની એક ઘટના પણ યાદ કરી, જેમાં લાહોરમાં એક સિંહ ભાગી ગયો હતો અને પછી તેને ગોળી મારી દેવાઈ હતી.
પાકિસ્તાનમાં પશુ અધિકાર જૂથોની મુખ્ય માગ
ઇમેજ સ્રોત, Getty Images
ફય્યાઝ હવે પોતાના ફાર્મહાઉસ માટે આગળના પગલા વિશે વિચાર કરી રહ્યા છે.
એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે પાંજરાનું કદ સંતોષકારક નથી અને આ ફાર્મને હવે પ્રાણીસંગ્રહાલયમાં ફેરવવું જોઈએ.
ફય્યાઝને આ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
પશુ અધિકાર જૂથો માને છે કે આ પ્રાણીઓ માટે વધુ પગલાં લેવાની જરૂર છે.
અલતમશ સઈદ કહે છે, “અમે લાંબા સમયથી પ્રાણીસંગ્રહાલય નહીં પણ અભયારણ્ય બનાવવાની માગ કરી રહ્યા છીએ.”
તેઓ ઇચ્છે છે કે પ્રાણીસંગ્રહાલયની અંદરની સ્થિતિમાં પારદર્શિતા હોવી જોઈએ. સરકાર ખાનગી સ્તરે પ્રાણીઓનાં પાલન, સંભાળ અને માલિકી માટે સ્પષ્ટ નીતિ ઘડે.
તેમણે કહ્યું કે તાત્કાલિક નહીં પણ વ્યવસ્થિત અને લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવે.
(વધારાનું રિપોર્ટિંગ: ઉસ્માન ઝાહિદ અને મલિક મુદસ્સિર)
ઇમેજ કૅપ્શન, માનવીય સહાયતા એજન્સીઓનું કહેવું છે કે ગાઝામાં દરેક પાંચમી વ્યક્તિ ભૂખના સંકટમાંથી પસાર થઈ રહી છે.
ગાઝામાં હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કુપોષણને કારણે મરનારા લોકોની સંખ્યા મામલે એક નિવેદન જાહેર કર્યું છે.
હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અકાલ અને કુપોષણથી વધુ 9 મોત થઈ છે.
આ સાથે ભોજનની અછતને કારણે મરનારાં બાળકોની સંખ્યા 88 થઈ છે.
આ સપ્તાહના આરંભમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે ‘ગાઝાની 21 લાખની વસ્તીમાં જરૂરી ચીજવસ્તુઓની આપૂર્તિની ગંભીરર કમી છે. કુપોષણ વધી રહ્યું છે અને ગાઝામાં ભૂખમરી દરેક દરવાજે મોં ફાડીને ઊભી છે.’
ડીઆરડીઓએ કર્યું ડ્રૉનથી છોડવામાં આવતી મિસાઇલનું પરિક્ષણ
ઇમેજ સ્રોત, DRDO
ભારતીય સંરક્ષણ અનુસંધાન તથા વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ ડ્રૉનથી છોડવામાં આવતી અત્યાધુનિક મિસાઇલ યૂએલપીજીએમ-વી3નું સફળ પરિક્ષણ કર્યું છે.
આંધ્ર પ્રદેશના કુરનૂલસ્થિત રાષ્ટ્રીય પરિક્ષણ રેન્જમાં યુએલપીજીએમ-વી3ને છોડવામાં આવી હતી.
આ મિસાઇલ વિભિન્ન પ્રકારનાં લક્ષ્યાંકો પર હુમલા કરવામાં સક્ષમ છે. તેને સમતલ અને વધારે ઉંચાઈ ધરાવતાં સ્થાનો પરથી પણ છોડી શકાય છે.
આ મિસાઇલની ખાસ વાત એ છે કે તેને ઘણા પ્રકારના વૉરહેડ લગાવીને લક્ષ્યાંકને તબાહ કરી શકાય છે.
ડીઆરડીઓએ જણાવ્યું છે કે આ દિવસ અને રાત્રે, કોઈ પણ ઋતુમાં સટીક નિશાન લગાવી શકે છે.
તેમાં ત્રણ વૉરહેડ લગાવી શકાય છે.
ઍન્ટિ-આર્મર વૉરહેડ: જે આધુનિક ટૅન્કો અને બખ્તરબંધ ગાડીઓને તબાહ કરી શકે છે.
પેનિટ્રેશન-કમ-બ્લાસ્ટ વૉરહેડ: જે બંકર અને છુપાયેલાં ઠેકાણાંને પણ સમાપ્ત કરી શકે છે.
પ્રી-ફ્રૅગ્મેન્ટેશન વૉરહેડ: જે વધારે મોટા વિસ્તારમાં ભારે નુકસાન કરી શકે છે.
આ મિસાઇલને એક ડ્રૉનમાંથી છોડવામાં આવી. તેને બૅંગ્લુરુની ભારતીય સ્ટાર્ટ-અપ કંપની ન્યૂસ્પેસ રિસર્ચ ટૅક્નૉલૉજીઝે તૈયાર કરી છે.
ડીઆરડીઓ સેનાની ક્ષમતા વધારવા માટે આ મિસાઇલની લાંબી રેન્જ અને વધારે સમય સુધી ઉડનારા ડ્રૉનમાં પણ લગાવવાની તૈયારી કરે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ સહિત તમામ કંપનીઓને આ મોટી સફળતાને લઈને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ સફળતાથી સાબિત થાય છે કે હવે ભારત ખુદ આ પ્રકારની અત્યાધુનિક સંરક્ષણ તકનીક બનાવી શકે છે.
ડીઆરડીઓ ચૅરમૅન ડૉ. સમીર વી. કામથે કહ્યું કે આ મિસાઇલ આજના સમયની જરૂરત છે. તેનાથી ભારતીય સેનાને વધુ તાકત મળશે.
ગાઝામાં સહાયતા સામગ્રી ન પહોંચાડવા દેવાના આરોપ વચ્ચે ઇઝરાયલે દાવો કર્યો છે કે તે તો અહીં સહાયતા પહોંચાડનારી સંયુક્ત રાષ્ટ્રની ટીમોને સુરક્ષા પ્રદાન કરે છે.
એક પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે ઇઝરાયલના પ્રવક્તા ડૅવિડ મેન્સરને પૂછવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આ કોની જવાબદારી છે કે ગાઝામાં લોકોને ભોજન ઉપલબ્ધ કરાવાય?
તો તેમણે કહ્યું, “અમે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રતિ ઉત્તરદાયી હોવાની આવશ્યક્તા નથી, એક દેશના રૂપે, એક યહુદી રાજ્ય હોવાને લઈને અમારું કર્તવ્ય છે કે અમે આ સુનિશ્ચિત કરીએ કે ગાઝામાં ભૂખમરો ન ફેલાય.”
તેમણે કહ્યું કે “તેથી તેઓ સ્પષ્ટ કરે છે કે સહાયતાની માત્રા પર કોઈ પ્રતિબંધ નથી.” તેમણે એ વાત પર પણ જોર આપ્યું કે ઇઝરાયલી સેનાએ સહાયતા પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રને તમામ આવશ્યક સુરક્ષાની પેશકશ કરી છે.
તેમણે કહ્યું, “કોઈ પણ ગાઝાવાસીઓને પીડિત નહીં જોવા માગતા.” તેમણે ફરી કહ્યું કે ઇઝરાયલ સહાયતા ઉપલબ્ધ કરાવે છે અને હમાસ દોષિત છે.
આ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે 27મી મેથી અત્યારસુધી ભોજનની તલાશમાં નીકળેલા ઓછામાં ઓછા 1,054 પેલેસ્ટાઇનવાસીઓને ઇઝરાયલની સેનાએ મારી નાખ્યા છે.
થાઇલૅન્ડની ચેતવણી, ‘કંબોડિયા સાથેનો સંઘર્ષ યુદ્ધમાં ફેરવાઈ શકે છે’
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, દુનિયાભરના નેતાઓ થાઇલૅન્ડ અને કંબોડિયાને સંઘર્ષ વિરામ કરવાનો આગ્રહ કરી રહ્યા છે.
થાઇલૅન્ડના કાર્યવાહક વડા પ્રધાન ફુમથમ વેચાયાચાઈએ કહ્યું છે કે ‘થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંગ્રામ યુદ્ધ તરફ આગળ વધી શકે છે.’
આ સંઘર્ષમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે.
ફુમથમ વેચાયાચાઈની ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે વિવાદિત સરહદ પર લડાઈ બીજા દિવસે પણ ચાલી રહી છે.
આ તણાવ એક સદીથી વધારે સમયથી ચાલ્યો આવતો સરહદ વિવાદનો ભાગ છે. હવે આ ટકરાવ ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે.
થાઇલૅન્ડમાં, ઉબોન રત્વધાની અને સુરિન પ્રાંતોમાં થયેલી લડાઈમાં ડઝનો લોકો ઘાયલ થયા અને એક લાખ કરતાં વધારે નાગરિકો વિસ્થાપિત થયા છે.
ત્યાં, કંબોડિયાના ઓદ્દાર મીંચે પ્રાંતમાં લગભગ 1,500 પરિવારોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.
વિખ્યાત કુસ્તીબાજ હલ્ક હોગનનું 71 વર્ષની વયે નિધન
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, હલ્ક હોગનનું તેમના ઘરે હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે. તેઓ ટ્રમ્પના પ્રખર સમર્થક હતા
અમેરિકાના સૌથી જાણીતા કુસ્તીબાજ અને સેલિબ્રિટી ગણાતા હલ્ક હોગનનું 71 વર્ષની વયે અવસાન થયું છે.
બીબીસીના સ્ટીવન મેકઇન્ટોસના અહેવાલ પ્રમાણે હલ્ક હોગનનું અસલી નામ ટેરી જિન બોલિયા હતું. તેઓ પોતાના લાંબા વાળ અને આઇકૉનિક હેન્ડલબાર જેવી મૂછોના કારણે જાણીતા હતા. ગુરુવારે તેમના ફ્લોરિડા આવેલા ઘરમાં તેમનું નિધન થયું હતું.
હલ્ક હોગને 1977માં પ્રોફેશનલ રેસલર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ વર્લ્ડ રેસલિંગ ફેડરેશન (ડબલ્યુડબલ્યુએફ) સાથે જોડાયા પછી તેમની લોકપ્રિયતામાં ભારે વધારો થયો હતો. ત્યાર પછી ડબલ્યુડબલ્યુએફનું નામ બદલીને ડબલ્યુડબલ્યુઈ કરવામાં આવ્યું હતું.
ઇમેજ સ્રોત, Getty Images
રેસલિંગની લોકપ્રિયતા વધી તેમાં હલ્ક હોગનને ભારે પ્રસિદ્ધિ મળી હતી. તેમના મામે ‘હોગન નોઝ બેસ્ટ’ નામે એક રિયાલિટી શો પણ શરૂ થયો હતો જેનું 2005થી 2007 દરમિયાન પ્રસારણ થયું હતું.
હોગનના મૅનેજર ક્રિસ વોલોએ જણાવ્યું કે ફ્લોરિડામાં ક્લિયરવોટર ખાતે હલ્ક હોગનનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે. તે વખતે તેમનો પરિવાર તેમની સાથે હતો.
તાજેતરમાં હલ્ક હોગન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા સમર્થક તરીકે ઊભરી આવ્યા હતા.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે તેમણે “આજે એક મહાન મિત્ર ‘હલ્કસ્ટર’ને ગુમાવ્યા છે.”
તેમણે લખ્યું કે, “હલ્ક હોગન મજબૂત, ટફ, સ્માર્ટ હતા અને ઉદાર દિલના હતા. તેમણે રિપબ્લિકન નૅશનલ કન્વેન્શનમાં જબરજસ્ત સ્પીચ આપી હતી.”
રાજસ્થાનઃ ઝાલાવાડમાં સરકારી શાળાનું ધાબું પડવાથી ત્રણ બાળકોનાં મોત
ઇમેજ સ્રોત, Anis Alam
ઇમેજ કૅપ્શન, ગંભીર રીતે ઇજાગ્રસ્ત 12 બાળકોને ઍમ્બ્યુલન્સથી જિલ્લા હૉસ્પિટલે મોકલવામાં આવ્યા છે
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં મનોહર થાણા વિસ્તારમાં શુક્રવારે સવારે એક સરકારી સ્કૂલનું ધાબું પડવાના કારણે ત્રણ બાળકોનાં મોત થયાં છે.
આ ઘટનામાં ઓછામાં ઓછા 30 અન્ય લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે ત્રણ બાળકોનાં મોતની પુષ્ટિ કરી છે. જોકે, મીડિયા રિપોર્ટમાં મૃતક બાળકોની સંખ્યા ઓછામાં ઓછી પાંચ જણાવાય છે.
દુર્ઘટના પછી ગામવાસીઓએ કાટમાળમાંથી ઈજાગ્રસ્તો અને મૃતક બાળકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોમાં શિક્ષકો પણ સામેલ છે. હાલમાં સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મદન દિલાવરે નિવેદનમાં જણાવ્યું કે “શાળાનું ધાબું પડવાની દુખદ ઘટના બની છે. ત્રણ બાળકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં છે. કલેક્ટર સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.”
તેમણે કહ્યું કે “ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ દુર્ઘટના કેવી રીતે બની તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે.”
આ દુર્ઘટના પર રાજસ્થાનના મુખ્ય મંત્રી ભજનલાલ શર્માએ અફસોસ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે “ઝાલાવાડના પીપળોદમાં વિદ્યાલયનું ધાબું પડવાથી બનેલી ઘટના અત્યંત દુખદાયક છે.”
ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોમાંથી 140 કરતા વધુ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપી છે
એક તરફ ફ્રાન્સે પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર દેશ તરીકે દરજ્જો આપવાની વાત કરી છે ત્યારે બ્રિટનમાં પણ પેલેસ્ટાઇનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની માગણી તેજ બનતી જાય છે. બ્રિટનમાં વિદેશ મામલાની સંસદીય સમિતિના મોટા ભાગના સાંસદોએ કહ્યું કે બ્રિટને ઝડપથી પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી જોઈએ.
બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મરે લેબર પાર્ટીની અંદરથી જ પેલેસ્ટાઇનને માન્યતા આપવા માટે નવી અપીલોનો સામનો કરવો પડ્યો છે.
ગાઝામાં મોટા પાયે ભૂખમરાની ચેતવણી અપાય છે અને ફ્રાન્સ આગામી મહિનાઓમાં પેલેસ્ટાઇનને માન્યતા આપવાની વાત કરે છે, ત્યાર પછી બ્રિટન પર પણ દબાણ વધી ગયું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ ગુરુવારે કહ્યું કે તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને સત્તાવાર માન્યતા આપશે.
કોઈ રેનસમવેર ગૅંગ કેટલી ખતરનાક હોઈ શકે છે તેનું એક તાજું ઉદાહરણ સામે આવ્યું છે.
આ ગૅંગે બ્રિટનની દોઢસો વર્ષ કરતાં વધુ જૂની કંપનીને ખતમ કરી નાખી અને જોતજોતામાં તેના 700 કર્મચારી બેરોજગાર થઈ ગયા.
આ કહાણી માત્ર એક પાસવર્ડથી શરૂ થઈ હતી. રેનસમ ગૅંગના હાથમાં એક ‘કમજોર પાસવર્ડ’ આવી ગયો હતો અને આ જ વાત આ કંપનીના ખાતમાનું કારણ બની.
નૉર્થમ્પટનશાયરની ટ્રાન્સપૉર્ટ કંપની કેએનપી એવી હજારો બ્રિટિશ કંપનીઓ પૈકી એક છે જે આ પ્રકારના હુમલાનો શિકાર થઈ છે. હાલના મહિનાઓમાં એમ ઍન્ડ એસ, કો-ઑપ અને હેરૉડ્સ જેવાં મોટાં નામ સાઇબર હુમલાના નિશાન પર આવી ગઈ હતી.
કો-ઑપના સીઇઓએ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે તેમના તમામ 65 લાખ સભ્યોનો ડેટા ચોરી થઈ ગયો છે.
કેએનપીના મામલામાં એવું મનાઈ રહ્યું છે કે હેકર્સે પહેલાં એક કર્મચારીના પાસવર્ડનો અંદાજ લગાવ્યો અને બાદમાં કંપનીની કમ્પ્યુટર સિસ્ટમમાં પ્રવેશી ગયા.
એ બાદ તેમણે કંપનીના ડેટાને એન્ક્રિપ્ટ કરી દીધો અને તેની ઇન્ટરનલ સિસ્ટમને લૉક કરી દીધી. કેએનપીના ડાયરેક્ટર પૉલ એબૉટ પ્રમાણે તેમણે કર્મચારીને એ નહોતું જણાવ્યું કે કમજોર પાસવર્ડને કારણે કંપનીનો ખાતમો થઈ શકે છે.
નૅશનલ સાઇબર સિક્યૉરિટી સેન્ટર (એનસીએસસી)ના સીઇઓ રિચર્ડ હૉર્ન કહે છે કે, “કંપનીઓ અને સંગઠન પોતાની સિસ્ટમની સુરક્ષા માટે પગલાં લે એ વાતની જરૂર છે.”
નૅશનલ સાઇબર સિક્યૉરિટી સેન્ટર એ જગ્યા છે, જ્યાં આંતરરાષ્ટ્રીય રેનસમવૅર ગૅંગો સામે ઝઝૂમી રહેલી ટીમને મળવા માટે પેનોરમાને પરવાનગી મળી હતી.
એક નાની ભૂલે કંપનીને કેવી રીતે ડુબાડી દીધી?
ઇમેજ કૅપ્શન, પૉલ એબૉટની કંપની કેએનપી રેનસમવેરના હુમલાનો શિકાર થઈ હતી
કેએનપી 2023માં 500 ટ્રકોનું સંચાલન કરી રહી હતી. મોટા ભાગની ટ્રકોનું સંચાલન ‘નાઇટ્સ ઑફ ઓલ્ડ’ બ્રાન્ડ હેઠળ થઈ રહ્યું હતું.
કંપની પ્રમાણે તેનો આઇટી વિભાગ ઇન્ડસ્ટ્રના માપદંડોને અનુસરે છે. તેમણે સાઇબર હુમલા વિરુદ્ધ વીમા પૉલિસી પણ લીધી હતી.
પરંતુ અકીરા નામક હેકરોનું એક સમૂહ સિસ્ટમમાં પ્રવેશવામાં સફળ રહ્યું. જેનાથી કર્મચારી બિઝનેસ ઑપરેટ કરવા માટે જરૂર કોઈ પણ ડેટા સુધી પહોંચવામાં અસક્ષમ બની ગયા.
હેકરોએ કહ્યું છે કે ડેટા પરત મેળવવા માટે તેમણે ખંડણી ચૂકવવી પડશે.
ખંડણીની માગ કરનારાઓએ લખ્યું હતું, “જો તમે આ વાંચી રહ્યા હો તો તેનો અર્થ છે કે તમારી કંપનીનું ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે કે આંશિકપણે ઠપ થઈ ગયું છે. આંસુ અને નારાજગીને એક તરફ રાખો અને હકારાત્મક વાતચીતની કોશિશ કરો.”
“હેકરોએ ખંડણીની રકમ વિશે તો ન જણાવ્યું, પરંતુ આ પ્રકારના મામલાને હૅન્ડલ કરતા વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ રકમ લાખો પાઉન્ડમાં હોઈ શકે છે.”
એનસીએસસીનું કહેવું છે કે તેમણે દરરોજ એક મોટા હુમલાનો સામનો કરવો પડે છે.
એનસીએસસી જીસીએચક્યૂનો ભાગ છે, જે એમઆઇ5 અને એમઆઇ6 સાથે બ્રિટનની ત્રણ સિક્યૉરિટી સર્વિસિસ પૈકી એક છે.
સેમ (બદલેલું નામ) દરેરોજ થતા સાઇબર હુમલાનો સામનો કરનારી એનસીએસસી ટીમનું નેતૃત્વ કરે છે. તેઓ કહે છે કે, “હેકરો કંઈ નવું નથી કરી રહ્યા.”
તેમણે પેનોરમાને જણાવ્યું કે તેઓ માત્ર એક કમજોર કડીની શોધમાં રહે છે.
“તેઓ સતત એવાં સંગઠનોની શોધમાં રહે છે, જેને નિશાન બનાવી શકાય છે. કયા દિવસે તેમને નિશાન બનાવીને તેમનો લાભ ઉઠાવી શકાય.”
સાઇબર હુમલાનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે?
ઇમેજ કૅપ્શન, બ્રિટનની નૅશનલ સાઇબર સિક્યૉરિટી સેન્ટરના સીઇઓ રિચર્ડ હૉર્નનું માનવું છે કે કંપનીઓએ પોતાની સાઇબર સુરક્ષામાં વધારો કરવો પડશે
તાજેતરની ઘટના દરમિયાન જેક (અસલી નામ નથી) નાઇટ ડ્યૂટી પર હતા. તે સમયે, તેમણે હેકર્સના હુમલાને ખાળ્યો હતો.
તેઓ કહે છે, “તમે હુમલાનું સ્તર જાણો છો. તેથી તમે શક્ય તેટલું ઓછું નુકસાન થાય એવો પ્રયત્ન કરો છો. જ્યારે આમાં સફળતા મળે ત્યારે રોમાંચ થઈ શકે છે. ”
પરંતુ એનસીએસસી ફક્ત એક જ સ્તરની સુરક્ષા પૂરી પાડી શકે છે અને જેમ બધા જાણે છે, રેન્સમવેર એ ઝડપથી વધી રહેલો અપરાધ છે જેમાં ખૂબ ફાયદો છે.
સેમ કહે છે, “આવી સમસ્યાઓનું એક કારણ એ છે કે હુમલાખોરો ઘણા છે અને અમારા જેવા લોકો ખૂબ ઓછા છે.”
કેટલી કંપનીઓએ ખંડણી ચૂકવી છે તેનો ડેટા મેળવવો મુશ્કેલ છે, કારણ કે કંપનીઓને હુમલાઓ અથવા ખંડણી ચૂકવણીની જાણ કરવાની જરૂર નથી.
જોકે, સરકારના સાઇબર સુરક્ષા સર્વે મુજબ, ગયા વર્ષે બ્રિટનમાં વ્યવસાય કરતી કંપનીઓ પર 19 હજાર રેન્સમવેર હુમલા થયા હતા.
રિસર્ચ સૂચવે છે કે યુકેમાં સામાન્ય રીતે ખંડણીની માગ લગભગ ચાલીસ લાખ પાઉન્ડ હોય છે અને માત્ર એક તૃતીયાંશ કંપનીઓ જ તે ચૂકવી શકે છે.
એનસીએસસીના સીઇઓ રિચાર્ડ હૉર્ન કહે છે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે સાઇબર હુમલાઓનો સમય જોયો છે.”
તેમણે ગુનેગારો સામે કંપની વામણી પુરવાર થઈ રહી હોવાનો ઇનકાર કર્યો, પરંતુ કહ્યું કે કંપનીઓએ તેમની સાઇબર સુરક્ષા સુધારવાની જરૂર છે.
આ સિવાય નૅશનલ ક્રાઇમ એજન્સીના અધિકારીઓની બીજી ટીમ પણ સાઇબર અપરાધીઓને સંકજામાં લેવાનો પ્રયાસ કરે છે.
એનસીએ ટીમનાં વડાં સુઝાન ગ્રીમર કહે છે કે હેકિંગ વધી રહ્યું હોવાનું કારણ એ છે કે તેમાં મબલખ કમાણી છે.
તેમના યુનિટે એમ ઍન્ડ એસ હેકની પ્રારંભિક સમીક્ષા હાથ ધરી છે.
ગ્રીમર કહે છે કે બે વર્ષ પહેલાં તેમણે યુનિટનો હવાલો સંભાળ્યો ત્યારથી દર અઠવાડિયે લગભગ 35થી 40 ઘટના બની રહી છે.
તેઓ કહે છે, “જો આ પ્રવૃતિ ચાલુ રહેશે તો હું આગાહી કરું છું કે આ વર્ષ યુકેમાં રેન્સમવેર હુમલાઓ માટે અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ હશે.”
‘હેકિંગ સરળ બની રહ્યું છે’
ઇમેજ કૅપ્શન, બ્રિટનમાં નૅશનલ ક્રાઇમ એજન્સી ટીમનાં પ્રમુખ સુઝૈન ગ્રિમરનું કહેવું છે કે હેકિંગથી અપરાધીઓ મબલખ કમાણી કરતા હોવાથી તેનું પ્રમાણ વધી રહ્યું છે
હેકિંગ સરળ થઈ રહ્યું છે અને કેટલીક સ્ટ્રેટેજી પ્રમાણે તો કમ્પ્યુટરોનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે સાઇબર ગુનેગારોએ હવે આઇટી હેલ્પ ડેસ્ક સુધી પહોંચીને સાઇબર હુમલા માટે માત્ર એક રિંગ જ કરવાની રહેશે.
ગ્રિમર કહે છે એ પ્રમાણે આના કારણે “સંભવિત હુમલાઓ માટેની અડચણો ઓછી થઈ ગઈ છે. આ ગુનેગારો કોઈ ચોક્કસ તકનીકી કુશળતાની જરૂર વગર ટૂલ્સ અને સેવાઓને ઍક્સેસ કરવામાં પાવરધા થઈ ગયા છે.”
હેકરોએ ‘એમ ઍન્ડ એસ’ કંપનીની સિસ્ટમમાં ઘૂસણખોરી કરી અને સિસ્ટમમાં પોતાનું સ્થાન જમાવ્યું.
આનાથી ખરીદદારો માટે સમસ્યાઓ ઊભી થઈ, કારણ કે ડિલિવરીમાં વિલંબ થયો અને ગ્રાહકોનો ડેટા ચોરાઈ ગયો.
એનસીએના ડિરેક્ટર (થ્રેટસ) જેમ્સ બેબેજે જણાવ્યું હતું કે આ યુવા પેઢીના હેકર્સની ખાસિયત છે કે તેઓ હવે ગેમિંગના માધ્યમથી સાઇબર ક્રાઇમ આચરી રહ્યા છે.”
શું આવા મામલે કંપનીએ ખંડણી આપવી જોઈએ?
ઇમેજ કૅપ્શન, નૅશનલ ક્રાઇમ એજન્સીના ડાયરેક્ટર જેમ્સ બેબેજનું કહેવું છે કે હેકર હવે ગેમિંગથી સાઇબર હુમલા કરી રહ્યા છે
બેબેજ કહે છે, ”તેઓ એ સમજી રહ્યા છે કે એમની સોફ્ટ સ્કિલનો ઉપયોગ હેલ્પ ડેસ્કની આંખમાં ધૂળ નાખવા માટે કરી શકે છે. અને આમ તેઓ કંપનીની સિસ્ટમમાં ઘૂસી શકે છે.”
એક વાર સિસ્ટમમાં આવ્યા પછી હેકર્સ ડાર્ક વેબ પરથી ખરીદેલા રેન્સમવેરનો ઉપયોગ ડેટા ચોરી કરવા અને કમ્પ્યુટર સિસ્ટમને લૉક કરવા માટે કરી શકે છે.
જેમ્સ બેબેજ કહે છે કે, ”રેન્સમવેર એ સાઇબર ક્રાઇમનો સૌથી મોટો ખતરો છે. બ્રિટન સહિત સમગ્ર વિશ્વ માટે ખતરો છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે.”
અન્ય લોકો પણ આ જ નિષ્કર્ષ પર આવ્યા છે. ડિસેમ્બર 2023માં યુકે રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરની સંયુક્ત સંસદીય સમિતિએ ચેતવણી આપી હતી કે “કોઈ પણ સમયે વિનાશક રેન્સમવેર હુમલાનું જોખમ” છે.
આ વર્ષની શરૂઆતમાં નૅશનલ ઑડિટ ઑફિસે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટનના માથે ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે અને તે ઝડપથી વધી રહ્યો છે.
એનસીએસસીના રિચાર્ડ હોર્ન કહે છે કે કંપનીઓએ “તેમના બધા નિર્ણયોમાં સાઇબર સુરક્ષાને ધ્યાનમાં લેવી જોઈએ.”
રેન્સમવેર પીડિતોને ખંડણી ચૂકવવાની જેમ્સ બેબેજ મનાઈ કરે છે.
તેઓ કહે છે, “આવા હુમલાઓનો ભોગ બનેલી દરેક કંપનીએ એક વિકલ્પ પસંદ કરવો પડે છે, પરંતુ ખંડણી ચૂકવવાથી તો ઊલટાનું સાઇબર ગુનેગારોને પ્રોત્સાહન મળે અને આ પ્રકારના ગુનામાં વધારો થાય છે.”
સરકાર કહે છે કે એક એવો નિયમ બનાવવો જોઈએ જે તેની એજન્સીઓ દ્વારા ખંડણી ચૂકવવા પર પ્રતિબંધ મૂકે.
ખાનગી કંપનીઓએ હવે રેન્સમવેર હુમલાની જાણ કરવી પડશે અને ખંડણી ચૂકવતા પહેલાં પરવાનગી લેવી પડશે.
નૉર્થમ્પ્ટનશાયરના કેએનપીના પૉલ એબોટ હવે અન્ય કંપનીઓને સાઇબર ખતરા વિશે ચેતવણી આપી રહ્યા છે.
તેમનું માનવું છે કે કંપનીઓએ હવે સાબિત કરવું પડશે કે તેમની પાસે અત્યાધુનિક આઇટી સુરક્ષા છે, જે એક પ્રકારની ‘સાઇબર એમઓટી’ છે.
તેઓ કહે છે, “એવા કાયદા હોવા જોઈએ જે તમને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે.”
જોકે, કેએનપી ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા નિયુક્ત કરાયેલા સાઇબર નિષ્ણાત પૉલ કેશમોર કહે છે કે ઘણી કંપનીઓ આવા ગુનાઓની જાણ કરવાનું ટાળી રહી છે, ગુનેગારોને પૈસા પણ ચૂકવી રહી છે.
જ્યારે કંપનીઓ સામે બધું જ ગુમાવી દેવાનું જોખમ હોય ત્યારે તેઓ ગુનેગાનો સામે ઝૂકી જાય છે.
તેઓ કહે છે, “આ સંગઠિત ગુનો છે. મને લાગે છે કે ગુનેગારોને પકડવા માટે બહુ ઓછાં પગલાં લેવાયાં છે.”
ગત 18 જુલાઈના રોજ બનાસકાંઠાના દાંતા ખાતેના મોટા પીપોદરા ગામથી હિજરત કરી ગયેલા 29 કુટુંબના આશરે 300 લોકોનું અંદાજે 11 વર્ષ બાદ સરકાર અને પોલીસતંત્રના પ્રયાસો થકી તેમના ગામમાં પુનર્વસન કરાતાં સમગ્ર મામલો સમાચારોમાં ચમક્યો હતો.
આ પરિવારોનો આદિવાસીઓની એક ‘ચડોતરું’ નામની પરંપરાને કારણે પોતાનાં ઘર-જમીન અને ગામ છોડીને ભટકવાનો વારો આવ્યો હતો.
દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક સામાજિક ઝગડાને કારણે વર્ષ 2014માં એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. હત્યા બાદ મૃતકના પરિવારજનોએ ‘ચડોતરું’ના નામે હુમલો કરતા આરોપીના પરિવારજનો ગામ છોડીને ભાગી ગયા હતા.
11 વર્ષથી ઘરબાર છોડી પહેરેલા કપડે ઠેરઠેર ભટકતા મોટા પીપોદરા ગામના આ લોકો ‘ચડોતરું’ને કારણે ફરી ક્યારેય પોતાના ગામ પરત નહીં ફરી શકાય એવું માનતા હતા. પરંતુ પોલીસની સમજાવટથી હવે આ લોકો હવે પોતાના ગામ પાછા ફર્યા હતા.
પોલીસની દરમિયાનગીરીથી છેક હવે 300 લોકોની વાપસી શક્ય બની છે. પરંતુ આના કારણે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના અમુક આદિવાસી સમુદાયમાં જોવા મળતી ‘ચડોતરું’ પ્રથા ફરી ચર્ચામાં આવી છે.
ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોમાં સદીઓથી કથિત રીતે ‘ન્યાય’ મેળવવા માટે ‘ચડોતરું’ની પ્રથા ચાલતી આવે છે.
‘ચડોતરું’ પ્રથા શું છે?
ઇમેજ સ્રોત, Aadivashi Sanskruti Varso
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
આ વિસ્તારમાં આદિવાસીઓ માટે કામ કરતા લોકોના જણાવ્યા પ્રમાણે ‘ચડોતરું’ એ સદીઓથી ચાલતી આદિવાસી સમાજની પરંપરા છે.
જાણકારોના મત પ્રમાણે તેની શરૂઆત ‘શુભ આશયથી કથિત પ્રકારે ન્યાય સાથે જોડી’ને કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં તે ‘રૂલ ઑફ લૉ’ના વિરુદ્ધમાં માત્ર બદલો લેવાની ક્રૂર ભાવના’ બનીને રહી ગઈ.
‘ચડોતરું’ એ ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાનના કેટલાક જિલ્લામાં જોવા મળે છે. આદિવાસીઓ આ પ્રથાને ‘ન્યાય’ સાથે જોડે છે. જેમાં આ વિસ્તારમાં કોઈ આદિવાસી પરિવારોમાં હત્યા થાય તો આરોપીના પરિવારે પીડિતના પરિવારને મોટી રકમ ચૂકવવાની થતી હતી અથવા તો આરોપીના પરિવારે ગામ છોડીને ચાલ્યા જવું પડતું હતું.
જાણકારોના મત પ્રમાણે જો આરોપીના પરિવાર સાથે સમાધાન ન થાય તો મૃતકના સમુદાયના લોકો આરોપીના ઘરે કે તેમના ગામ પર રીતસર ‘ચઢાઈ’ કરે છે અને ‘ચડોતરું’ શબ્દ આ ચઢાઈ પરથી આવ્યો છે.
આદિવાસી સમુદાય સાથે કામ કરનારા કર્મશીલોના મત પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરી ભીલ આદિવાસીઓમાં ‘ચડોતરું અને વેર વાળવાનો રિવાજ’ જોવા મળે છે.
બીબીસીએ આ વિશે સામાજિક કાર્યકર્તા અને આદિવાસી સમુદાય પર અનેક પુસ્તકો લખનાર ભગવાનદાસ પટેલ સાથે વાત કરી હતી.
ભગવાનદાસ પટેલ એક સમયે ખેડબ્રહ્મામાં શિક્ષક હતા અને આદિવાસી રિવાજોના પરિચયમાં આવ્યા હતા.
બીબીસી સાથે વાત કરતાં ભગવાનદાસ પટેલે જણાવ્યું કે “ગુજરાતમાં માત્ર ડુંગરી ભીલોમાં ‘ચડોતરું’ની પ્રથા જોવા મળે છે. ખેડબ્રહ્મા અને દાતા તાલુકાના આદિવાસીઓમાં ‘ચડોતરું’નો રિવાજ ખાસ જોવા મળે છે. રાજસ્થાનમાં જ્યાં જ્યાં ડુંગરી ભીલો વસે છે, ત્યાં તેનો પ્રભાવ છે, જેમાં ઉદયપુર જિલ્લો સામેલ છે.”
તેમણે જણાવ્યું કે “ગુજરાતના ડુંગરી ભીલોનાં કોઈ મહિલા બીમાર હોય અને પિયર પક્ષની ગેરહાજરીમાં મહિલાનું મોત થાય તો તેના માટે શ્વસુર પરિવારને જવાબદાર ગણીને ‘ચડોતરું’ કરવામાં આવતું હતું.”
ભગવાનદાસ પટેલ કહે છે કે “કોઈ એક ગોત્રની વ્યક્તિને મારવામાં આવે તો સામેના સમગ્ર ગોત્ર સામે વેર બંધાતું. આ પ્રથા અંતર્ગત માત્ર કથિત ગુના માટે જવાબદારની જ હત્યા કરવામાં આવે એવું જરૂરી નથી, પરંતુ આ પ્રથા પ્રમાણે સામેના સમુદાયની કોઈ પણ વ્યક્તિને મારી નાખવામાં આવતી હતી.”
સાબરકાંઠા પોલીસના વેબસાઇટ પર પણ ‘ચડોતરું‘ વિશે જાણકારી આપવામાં આવી છે.
તેમાં આ પ્રથા વિશે જણાવાયું છે કે “સાબરકાંઠાના ખાસ કરીને પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં હત્યા, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અથવા અકસ્માતે મોત જેવો બનાવ બને, જેમાં ભોગ બનનાર તરીકે મહિલા હોય ત્યારે તેમના પક્ષના લોકો આરોપી અથવા આરોપીના પક્ષના લોકો પર એકજૂથ કરીને હુમલો કરતા હોય છે.”
“આ હુમલો હિંસક હોય છે, જે દરમિયાન તીરકામઠાં, પથ્થરો, કુહાડી વગેરે હથિયારો વપરાય છે, ટોળા દ્વારા ગામમાં પ્રવેશ કરીને ઘર, છાપરાં અને બીજી મિલ્કતને નુકસાન પહોંચાડાય છે, ઢોરઢાંખર બાંધેલાં હોય તો છૂટા કરીને ભગાડી દેવાય છે, લૂંટફાટ પણ કરાય છે.”
‘મૃતદેહની અંતિમવિધિ પણ અટકી પડે છે’
ઇમેજ સ્રોત, Aadivashi Sanskruti Varso
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અરુણ વાઘેલાએ બીબીસીને જણાવ્યું કે, “બહારના સમાજને આ રિવાજો વિશે કદાચ મોડી જાણકારી મળી છે, પરંતુ આ સદીઓ જૂની પ્રથા છે. વિજયનગર, ભીલોડા વગેરે તાલુકામાં આદિવાસીઓમાં ‘ચડોતરું’ પ્રથા જોવા મળે છે. “
તેમના કહેવા પ્રમાણે ‘ચડોતરું’ કેમ થાય છે તેના કારણોની તપાસ કરવી જરૂરી છે.
અરુણ વાઘેલા કહે છે કે ‘ખૂન કા બદલા ખૂન’ એ આની પાછળું મુખ્ય કારણ છે.
તેઓ આ વિશે વધુ જાણકારી આપતાં કહે છે, “એક ગામના આદિવાસીની હત્યા બીજા ગામના આદિવાસી દ્વારા કરવામાં આવે અને તેનું ‘ચડોતરું’ ન થાય ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવતી નથી.”
“આવા કિસ્સામાં ગામના પંચ દ્વારા બધા જ નિર્ણયો લેવાય છે, તેના દ્વારા નિયમો અને સજા નક્કી કરવામાં આવે છે, જે સામેના પક્ષને બંધનકર્તા હોય છે. તેઓ આમાં પોલીસ કે બહારના કોઈ તંત્રની દખલગીરી સહન કરતા નથી,” એમ તેઓ કહે છે.
સાબરકાંઠા પોલીસના વેબ પેજ પ્રમાણે અમુક સમુદાયમાં “કોઈની હત્યા પછી ‘ચડોતરું’ થાય તો ભોગ બનનાર પક્ષ અને આરોપીના પક્ષના લોકો પંચ બેસાડે છે અને આર્થિક લેવડદેવડ કરે છે, જેને ‘વેર નક્કી કર્યું’ એમ કહેવાય છે. ‘વેર’ નક્કી થયા પછી જ મૃતદેહ પોલીસને સોંપવામાં આવે છે અથવા પોલીસને તેની જાણ કરાય છે. ત્યાં સુધીમાં મૃતદેહ લાંબો સમય સુધી જે તે સ્થિતિમાં રાખવામાં આવે છે. હાલના સમયમાં લોકદરબાર યોજીને તથા સરપંચો અને સમાજના આગેવાનો સાથે વાત કરીને સમુદાયોને સમજાવવામાં આવે છે.”
ઇમેજ સ્રોત, Om Communication
ઇમેજ કૅપ્શન, આદિવાસી સંસ્કૃતિના જાણકાર ભગવાનદાસ પટેલે જણાવ્યું કે એક ગોત્રની વ્યક્તિને મારવામાં આવે તો સામેના સમગ્ર ગોત્ર સામે ‘વેર’ બંધાતું હોય છે.
જાણકારો કહે છે કે આ પ્રથા ક્યાંથી આવી તે વિશે કહેવું મુશ્કેલ છે.
ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર આનંદ વસાવાએ જણાવ્યું કે “વેર વાળવું એ આદિવાસીઓનો મૂળભૂત સ્વભાવ નથી. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં આવી પ્રથા જોવા મળતી નથી, પરંતુ ઉત્તર ગુજરાતમાં તેમણે બીજે ક્યાંકથી આ પ્રથા અપનાવી હોય તેવી શક્યતા છે.”
જાણકારો એમ પણ કહે છે કે હવે ‘ચડોતરું’ કરવાની પ્રથા પહેલાં જેટલી નથી જોવા મળતી.
તેઓ કહે છે, “હાલમાં આ પ્રથાનું ચલણ ઓછું થઈ ગયું છે. પરંતુ એક સમય એવો હતો કે ‘વેર બંધાય પછી તે વેર વાળવું’ એ પરિવારની ‘નૈતિક ફરજ’ ગણવામાં આવતી. તેમાં લોકોની હત્યાઓ થતી, ખોરડાં બાળી નાખવામાં આવતાં અને પરિવારો સામૂહિક રીતે ગામ છોડીને હિજરત કરતા.”
પ્રોફેસર વસાવાએ કહ્યું કે “ભીલ આદિવાસીઓમાં પેઢી દર પેઢી ‘વેર વાળવા’ની એક પરંપરા રહી છે. તેમનામાં કોઈની હત્યા થાય તો તેની યાદમાં એક પથ્થર પર બીજો પથ્થર મૂકીને નિર્ણય લેવામાં આવતો કે ‘બદલો’ લેવામાં આવશે. તેમાં સામેના પક્ષની કસૂરવાર વ્યક્તિને જ મારવામાં આવે તે જરૂરી નથી, તે સામેની પક્ષની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, પરંતુ મોટા ભાગે યુવાનને અથવા તો સમાજમાં કંઇક મહત્ત્વ હોય તેવી વ્યક્તિને નિશાન બનાવવા માટે તકની રાહ જોવામાં આવતી. તેના માટે વર્ષો સુધી રાહ પણ જોવાતી. મોટા ભાગે મેળામાં કે હાટબજારમાં ‘બદલો’ લેવાની તક મળી જતી.”
મહિલાઓના મામલે ‘વેર’ બંધાય
ઇમેજ કૅપ્શન, ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર આનંદ વસાવા
બીબીસી ગુજરાતીએ આ વિશે વીરચંદભાઈ પંચાલ સાથે વાત કરી હતી જેઓ બનાસકાંઠાના દાંતા તાલુકામાં સનાલી સર્વોદય આશ્રમમાં આચાર્ય રહી ચૂક્યા છે.
તેઓ કહે છે, “આદિવાસીઓમાં લગ્ન પછી થોડા જ દિવસોમાં યુવતીનું અકુદરતી મોત થાય કે પછી તેણે ઝેર પીને અથવા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય, તો તેના પિયર પક્ષના લોકો યુવતીના સાસરિયાને મોત માટે જવાબદાર ગણીને ‘ચડોતરું’ કરતા હોય છે.”
આદિવાસી રિવાજો વિશે વાત કરતાં વીરચંદભાઈ પંચાલે જણાવ્યું કે “આદિવાસીઓમાં ‘ગોઠિયા-ગોઠણ’ની પ્રથા હોય છે. 13-14 વર્ષની ઉંમરે જ છોકરા-છોકરીમાં પ્રણય થતો હોય છે. તેમાં શારીરિક સંબંધો પણ બંધાતા હોય છે. કુંવારી છોકરી સાથે કોઈ સંબંધ રાખે તો ‘દાપું’ તરીકે ઓળખાતી રકમ માંગવામાં આવે છે.”
તેઓ અહીં એક કહેવત ને ટાંકે છે, “હાંલ્લીમાની ખીચડી, જે ખાય તેની અને થાળીમાં આવ્યા પછી એ ધણીની.”
આ વિશે સમજાવતા તેઓ કહે છે, “એટલે કે પરણેલી મહિલા સાથે કોઈ પરપુરુષ સંબંધ રાખે તો તેમાં ‘દાપું’ તરીકે મોટી રકમ વસુલવામાં આવે છે, તેમાં ‘વેર બંધાય’ છે અને હત્યાઓ પણ થતી હોય છે.”
આદિવાસીઓમાં જોવા મળતી ‘ડાકણ પ્રથા’ શું છે?
ઇમેજ સ્રોત, Aadivashi Sanskruti Varso
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
ભગવાનદાસ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક સમયે 1990ના દાયકામાં ‘ડાકણ પ્રથા’ પણ હતી જેમાં કોઈ મહિલાને ‘ડાકણ’ જાહેર કરીને તેના પર અત્યાચાર કરવામાં આવતો હતો.”
ભગવાનદાસ પટેલે કહ્યું કે ” વર્ષ1994થી સાત વર્ષ સુધી અમે આદિવાસી વિસ્તારનાં 133 ગામમાં નાટકો ભજવ્યાં હતાં. તેમાં આદિવાસીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થયા તેના કારણે ‘ડાકણ પ્રથા’ મોટા ભાગે બંધ થઈ ગઈ. આ ઉપરાંત ‘ચડોતરું’ પ્રથા નાબૂદી માટે પણ નાટકો કરવામાં આવ્યાં છે.”
ભગવાનદાસ પટેલે જણાવ્યું કે “કોઈ મહિલાને સમુદાયનો ‘ભૂવો ડાકણ જાહેર કરે’ તો તેને પકડી લેવામાં આવતી અને તેને ‘ડાકણ વડલે’ લઈ જવામાં આવતી હતી. તેની સાથે આખું ગામ ભેગું થયું હોય. મહિલા પર શારીરિક અત્યાચાર કરવામાં આવતો, આંખોમાં મરચાં પણ નાખવામાં આવતાં અને પોતે ‘ડાકણ’ છે તે સ્વીકારવા માટે એક પ્રકારે દબાણ કરવામાં આવતું.”
તેમના કહેવા પ્રમાણે, “મહિલાને ગરમ તીરથી કપાળે ડામ પણ આપવામાં આવતા. આવી ઘટના પછી આવી મહિલાને તેના પિયર કે સાસરિયા પક્ષના લોકો પણ સાથે રાખવા તૈયાર ન થતા અને સામાજિક બહિષ્કાર વચ્ચે મહિલાઓનું જીવન દુષ્કર બની જતું હતું.”
તાજેતરનાં વર્ષોમાં પણ ગુજરાતમાં મહિલાઓને ડાકણ ગણાવીને મારવામાં આવી હોય તેવા કિસ્સા બનેલા છે.
જાણકારો એમ પણ કહે છે કે ઘણી વખત આ બધી પરંપરા ‘ક્રૂરતાની ચરમસીમા’ વટાવી જતી હતી.
‘હવે સમય બદલાયો છે’
ઇમેજ કૅપ્શન, મોટા પીપોદરા ગામના સરપંચ ગુલાબભાઈએ કહ્યું કે હવે સમય બદલાયો છે અને ‘ચડોતરું’ની ઘટનાઓ બહુ ઓછી બને છે.
મોટા પીપોદરા ગામના સરપંચ ગુલાબભાઈ ડાભીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે 12-15 વર્ષ અગાઉ ‘ચડોતરું’ પ્રથા વધારે વ્યાપક હતી, પરંતુ ત્યાર પછી તેમાં મોટો ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે ‘ચડોચરું’ના કિસ્સા લગભગ 70 ટકા સુધી ઘટી ગયા છે.
કારણ ગણાવતા ગુલાબભાઈ ડાભી કહે છે, “કારણ કે, હવે કાયદાનો અમલ થાય છે અને લોકો પોલીસની માથાકૂટમાં પડવા માંગતા નથી. મોટા પીપોદરાની ઘટના બાર વર્ષ જૂની છે. અગાઉનો સમય અલગ હતો. તે વખતે કોઈ પૂછવા જ ન રહેતું અને ‘ચડોતરું’ કરી નાખતા.”
તેમના મત પ્રમાણે, “મોટા પીપોદરામાં લગભગ બે હજાર લોકોની વસ્તી છે. શિક્ષણનો પ્રસાર વધવાથી ‘ચડોતરું’ની ઘટનાઓ હવે ભાગ્યે જ બને છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે “ગામમાં એકથી આઠ ધોરણ સુધીની સ્કૂલ છે. બીજી બે સ્કૂલો છે જેમાં પાંચ ધોરણ સુધી ભણાવવામાં આવે છે. ગામના યુવાનો હવે કમાવા માટે અમદાવાદ, મુંબઈ જેવાં શહેરોમાં જવા લાગ્યા છે જેથી સમાજ પણ બદલાયો છે.”
બનાસકાંઠા પોલીસે પણ ચડોતરું પ્રથાને બંધ કરવા માટે ચડોતરું પ્રથા નાબુદી કમિટીની રચના કરી છે. પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 42 અને ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 કમિટી એમ કુલ મળીને 92 કમિટી કાર્યરત છે.
પોલીસ જ્યારે આ પ્રકારનો ગુનો બને કે કમિટીના સભ્યો ચડોતરું થવાની સંભાવના પહેલા જ જે તે ગામોમાં પોલીસ બંદોબસ્ત ફાળવીને ચડોતરું રોકવાના પ્રયાસ કરે છે.
આ મામલે પછી પોલીસ ગુનો દાખલ કરીને તપાસ કરે છે.
રાજસ્થાનમાં પણ જોવા મળે છે આવી પ્રથા
ઇમેજ કૅપ્શન, પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર મીણાએ કહ્યું કે રાજસ્થાનમાં આ પ્રકારની ઘટનાઓમાં વળતર માગવાની ‘મૌતાણાની પ્રથા’ છે.
ગુજરાતમાં જેને ‘ચડોતરું’ કહેવામાં આવે છે તેવી જ પ્રથા પડોશી રાજ્ય રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં છે અને તેને ‘મૌતાણા’ તરીકે ઓળખવામાં આવે છે.
રાજસ્થાનમાં પણ આ પ્રથાના કારણે હિંસા, લૂંટફાટ, મકાનોની તોડફોડ કરવાના કિસ્સા બન્યા છે.
દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર મીણાએ આના વિશે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “આદિવાસી સમુદાયમાં અલગ અલગ પ્રકારના રિવાજ રહ્યા છે જેમાંથી એક પ્રથાને ‘મૌતાણા’ કહેવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદના વિસ્તારમાં ‘મૌતાણા’ પ્રથા વ્યાપક છે.”
તેમણે જણાવ્યું કે “માનવીના કેસમાં જ નહીં, પણ પાળતું જાનવર માટે પણ ‘મૌતાણા’ વસૂલવામાં આવે છે. એટલે કે કોઈના હાથે કોઈની મરઘી, બકરી કે અન્ય પાળતું પ્રાણીનું મોત થાય તો તેનું વળતર માંગવામાં આવે છે અને તે પ્રાણીની કિંમત કરતાં અનેકગણું વધારે હોય છે.”
પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર મીણાએ જણાવ્યું કે “આદિવાસી સમુદાયમાં દરેક વ્યક્તિની સાથે સાથે તેનાં પાળતું પ્રાણીને પણ સમાજનો ભાગ ગણવામાં આવે છે. આ ઉપરાંત તેમની ઇકૉનૉમીમાં તેની એક ભૂમિકા હોય છે. કોઈનાં મરઘા-મરઘી કે બકરીનું આકસ્મિક મોત થાય તો તેની સીધી અસર પરિવાર પર પડે છે. તેમાં એવી ગણતરી કરવામાં આવે છે કે મરઘી જીવીત રહી હોત તો કેટલાં ઈંડા આપ્યાં હોત, અથવા બકરી જીવીત હોત તો કેટલા લાભ થયા હોત. તેથી ‘મૌતાણા’ની રકમ પશુની બજારકિંમત કરતાં ઘણી વધી જાય છે.”
રાજસ્થાનમાં ‘મૌતાણા’ની પ્રથા કેટલાં વર્ષોથી છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ડૉ. મીણા કહે છે કે, “તે રિવાજ આધારિત કાયદાનો ભાગ છે. તેના લેખિત કાયદા ભલે ન હોય, પરંતુ તેના મૂળ અંગ્રેજકાળ કરતાં પણ જૂનાં છે.”
બનાસકાંઠાનો કેસ શું હતો?
ઇમેજ સ્રોત, SP Banaskantha/X
ઇમેજ કૅપ્શન, પોલીસે આદિવાસી ગામના પંચો સાથે વાતચીત કરીને મામલામાં સમાધાન કરવા પ્રયાસ કર્યા જે સફળ રહ્યા હતા.
6 એપ્રિલ, 2014ના રોજ મોટા પીપોદરા ગામના રાજુ કોદરવીને નજીકના ગામ ચોકીબારના નારણ ડાભી સાથે જમીન મામલે ઝઘડો થયો હતો. એમાં નારણ ડાભીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના બીજા દિવસે ચોકીબારના લોકો ‘ચડોતરું’ લઈને નારણ ડાભીના મૃતદેહ સાથે મોટા પીપોદરા ખાતે આવ્યા, પણ કોદરવી સમાજે આ હત્યામાં કોઈ હાથ ન હોવાનું કહેતા મામલો બગડ્યો હતો.
આ બાદ ચોકીબારાના લોકોએ મોટા પીપોદરા ગામ પર હુમલો કર્યો અને મકાનો તોડી નાખ્યાં અને આખુંય ગામ ખેતીની જમીન અને ઘરબાર મૂકી પહેરેલ કપડે નાસી ગયું હતું.
એક તરફ મોટા પીપોદરા ગામના લોકો ખેતી, ઘરબાર છોડીને નાસી ગયા અને બીજી તરફ મર્ડરની ઘટનાની સ્થાનિક હદાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
7 એપ્રિલ, 2014ના રોજ નોંધાયેલી ફરિયાદમાં નારણ ડાભીના ભાઈ ઉદાભાઈ ડાભીએ આરોપ મૂક્યો હતો કે જમીનના ઝઘડામાં એમના નાના ભાઈ નારણની મોટા પીપોદરામાં રહેતા રાજુ કોદરવીએ હત્યા કરી. તત્કાલીન પીએસઆઈ એસકે પરમારે રાજુ કોદરવીની આ મામલામાં ધરપકડ કરી હતી.
આ ધરપકડ બાદ પાલનપુર સેશન્સ કોર્ટમાં ત્રણ વર્ષ કેસ ચાલ્યો અને તમામ પુરાવાના અને સાક્ષીઓને ચકાસ્યા બાદ ઍડિશનલ સેસન્સ જજ જેડી સુથારે રાજુ કોદરવીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
આદિવાસીઓના રિવાજ મુજબ કોર્ટના ચુકાદાથી વધુ એ લોકો પંચના ચુકાદાને વધુ મહત્ત્વ આપે છે. કોર્ટનો ચુકાદો તો આવી ગયો હતો, પણ ચોકીબાર અને મોટા પીપોદરા ગામના પાંચ એકઠા થયા નહીં. જેના કારણે કોદરવી સમાજના લોકો પોતાના ગામમાં પરત ફરી શક્યા નહીં.
મોટા પીપોદરાના લોકો પંચોની હાજરીમાં સમાધાન ન થવાને કારણે ગામમાં પરત આવતા ડરતા હતા.
જમીન હોવા છતાં તેઓ અલગ અલગ શહેરોમાં રહી મજૂરી કરતા હતા.
ગત 18 જુલાઈના રોજ બનાસકાંઠાના દાંતા ખાતેના મોટા પીપોદરા ગામથી હિજરત કરી ગયેલા 29 કુટુંબના આશરે 300 લોકોનું અંદાજે 11 વર્ષ બાદ સરકાર અને પોલીસતંત્રના પ્રયાસો થકી તેમના ગામમાં પુનર્વસન કરવામાં આવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, દાહોદ ખાતે એસબીઆઈની બે શાખાઓમાં પાંચ કરોડનું લોન કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ થઈ છે.
દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત બૅન્ક ગણાતી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની દાહોદ ખાતેની બે શાખાઓમાં પાંચ કરોડથી વધુ રકમનું લોન કૌભાંડ બહાર આવ્યું છે.
દેશની ટોચની સરકારી બૅન્ક એવી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની દાહોદની બે બ્રાન્ચે લોન માટે લાયકાત ન ધરાવતા લોકોને રૂપિયા 5.50 કરોડની લોન ફાળવી હોવાનો ખુલાસો થયો છે.
દાહોદ પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ પ્રમાણે આ કૌભાંડ આચરવામાં બૅન્કના પૂર્વ મૅનેજરો પણ સામેલ હતા.
બૅન્કના ઑડિટ રિપોર્ટમાં આ કૌભાંડનો ભાંડો ફૂટતા વર્તમાન શાખા મૅનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત દાહોદ પોલીસે 31 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
દાહોદ પોલીસે IPC કલમ 420, 409, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 18 આરોપીઓની અટકાયત પણ કરી છે.
ગુજરાતની દાહોદ SBI મુખ્ય શાખા અને સ્ટેશન રોડ શાખામાં પાંચ કરોડથી વધુનું લોન કૌભાંડ પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા
ઇમેજ કૅપ્શન, દાહોદ પોલીસે અટકાયત કરાયેલા આરોપીઓ
પોલીસ એફઆઈઆર પ્રમાણે દાહોદ શહેરના SBIની મુખ્ય શાખા-યાદગાર ચોક શાખામાં અને એસટી બસ સ્ટેશન શાખામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
યાદગાર ચોક-એસબીઆઈ શાખા કેસની વિગત જોઈએ તો આ શાખામાં ફરજ બજાવતા ચીફ મૅનેજર દીપક ગુલાબરાવ પવારે આ કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ પ્રમાણે 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મૅનેજર ગુરમિતસિંહ બેદીની મદદથી 19 લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી લીધી હતી.
આરોપીઓએ રિટેલ લોન મૅનેજમેન્ટ સિસ્ટમ (RLMS)માં નેટ સૅલરી બદલે ગ્રૉસ સૅલરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી હતી.
લોનધારકોનાં ખાતાં નૉન-પરફોર્મિંગ ઍસેટ (NPA) અથવા ઓવરડ્યૂ હોવા છતાં, પૂર્વ મંજૂરી નિરીક્ષણ વિના આ લોન મંજૂર કરવામાં આવી હોવાનું આ ફરિયાદમાં નોંધાયું હતું.
કોની કોની સામે નોંધાઈ ફરિયાદ?
ઇમેજ સ્રોત, SBI
આ સમગ્ર ઘટનામાં ગુરમિતસિંહ પ્રેમસીંગ બેદી સહિત કુલ વીસ લોકો સામે ફરિયાદ થઈ છે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓમાં દાહોદનાં તણસીયા, રાબડાળ, ગુંદીખેડા, ગરબાડા તેમજ મધ્યપ્રદેશના ધાધણીયા અને રાજસ્થાનનાં રંગપુર ગામના રહેવાસીઓ પણ સામેલ છે.
નકલી કર્મચારીઓ બનીને લોન લીધી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
ફરિયાદમાં એમ પણ નોંધવામાં આવ્યું હતું કે મહીસાગર જિલ્લાના જમનાના મુવાડા ગામના વિક્રમ પટેલિયાએ પટાવાળા તરીકે નોકરી કરતા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
ધાનપુરના નવાનગર ગામના સંજય રૂપા હઠીલાએ કેસ ક્રૅડિટ લોન અને ડિજિટલ લોન માટે ખોટાં બિલો રજૂ કરી, જરૂરી સામગ્રીની ખરીદી ન કરતાં લોનની રકમનો દુરુપયોગ કર્યો હતો.
આશિષ બારીયા (જેસાવાડા)એ હોમ લોન અને અન્ય લોનનો દુરુપયોગ કર્યો હતો.
ભૂતપૂર્વ બૅન્ક મૅનેજર ગુરમિતસિંહ બેદીએ આવકના દસ્તાવેજો અને બાંધકામનું નિરીક્ષણ કર્યા વિના લોન મંજૂર કરી હતી.
એફઆઈઆર પ્રમાણે SBI બ્રાન્ચ મૅનેજર ગુરમિતસિંહે અન્ય અઢાર લોકો સાથે મળીને ‘ગુનાહિત કાવતરું’ ઘડ્યું હતું જેમાં બનાવટી દસ્તાવેજો બનાવીને તેનો અસલી તરીકે ઉપયોગ કર્યાનું બહાર આવ્યું હતું.
નકલી શિક્ષકો બનીને લોન લીધી
ઇમેજ કૅપ્શન, SBIની બે શાખાના લોન કૌભાંડ મામલે દાહોદ ટાઉન ડીવીઝન-એ અને બીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
દાહોદમાં એસબીઆઈની માણેકચોક ખાતેની મુખ્ય શાખા ઉપરાંત સ્ટેશન રોડ શાખાના કૌભાંડની વિગત જોઈએ તો એફઆઈઆર પ્રમાણે સ્ટેશન રોડ શાખાના મૅનેજર અને વડોદરાના નિઝામપુરાના મનીષ વામનરાવ ગવલેએ એજન્ટ સંજય ડામોર અને ફઇમ શેખ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું.
આરોપીઓએ લોન મંજૂર કરાવવા માટે અવનવી તરકીબો અજમાવી હતી. જેમાં 9 જેટલા લોકોને નકલી સરકારી કર્મચારી તરીકે રજૂ કરાયા હતા.
તેમાંથી ત્રણ વ્યક્તિઓને કરજણ એસ.ટી. ડેપોના ડ્રાઇવર તરીકે, જ્યારે સાત વ્યક્તિઓને દાહોદ, પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાની જુદી-જુદી શાળાઓમાં શિક્ષક તરીકે દર્શાવી તેમની બનાવટી પગાર સ્લીપ તૈયાર કરવામાં આવી હતી.
એટલું જ નહીં એક અરજદાર ભાનવડની શાળામાં નોકરી કરતો હોવા છતાં લુણાવાડાની શાળાની ખોટી પગાર સ્લીપ રજૂ કરી લોન મેળવવામાં સફળ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં રેલવે કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે.
દાહોદ અને મધ્ય પ્રદેશમાં રેલવેમાં નોકરી કરતા 16 કર્મચારીઓએ પોતાના મૂળ પગાર કરતાં અઢી ગણા વધુ પગારની ખોટી સ્લીપ બનાવી બૅન્કમાં રજૂ કરી હતી અને તેના આધારે લોન મેળવી હતી.
આ મામલે મનીષ ગવલે સહિત અંકીત ધોળકિયા, પ્રવિણ ગરાસિયા, રમેશ ગોધા, જેસિંગ ડામોર, રાજેશ મછાર, ભરત પારગી ઝીનલ મકવાણા, રાજેન્દ્રકુમાર ગાંધી, સુભાષકુમાર તાવિયાડ અને ભીખાલાલ પ્રજાપતિ સામે ફરિયાદ દાખલ થઈ છે.
પોલીસ એફઆઈઆર પ્રમાણે, બ્રાન્ચ મૅનેજર નિતિન ગોપીરામ પુંડીરે આ ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદીનો આરોપ છે કે લોનધારકોએ લોન મેળવવા માટે ખોટી સૅલરી સ્લીપ રજૂ કરી હતી અને ખોટો વ્યવસાય જણાવ્યો હતો.
કૌભાંડના તાર કેટલા ઊંડા?
ઇમેજ કૅપ્શન, કૌભાંડની તપાસ દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં થઈ રહી છે.
એસબીઆઈના રિકવરી અધિકારી જ્યૉર્જના કહેવા પ્રમાણે 2022થી 2024 સુધી પર્સનલ લોન, મુદ્રા લોન, ઍનિમલ હસબન્ડરી, હોમ લોન, એમ તમામ પ્રકારની લોનમાં કૌભાંડ થયું છે.
તેમના જણાવ્યા પ્રમાણે એજન્ટો અને મૅનેજરો અને અન્ય ઉપરી અધિકારીઓએ ભેગા મળીને આ કૌભાંડ કર્યું છે અને આ બધા લોકોએ આ કૌભાંડને દબાવી દેવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો.
આ કૌભાંડની તપાસ દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વ તળે થઈ રહી છે.
જગદીશ ભંડારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “દાહોદ-એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એસબીઆઈની બે બ્રાન્ચો- માણેકચોક બ્રાન્ચ અને એસટી બસ સ્ટેન્ડ બ્રાન્ચમાં વર્તમાન મૅનેજરે ફરિયાદ નોંધાવી છે કે ભૂતપૂર્વ મૅનેજરોએ લોનધારકોની ખોટી યોગ્યતા રજૂ કરતાં, ખોટા દસ્તાવેજો બનાવીને આર્થિક લાભ મેળવવા માટે એજન્ટ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.”
ભંડારીએ કહ્યું હતું કે “સાડા પાંચ કરોડની લોન આપવામાં આવી હતી. આ લોનમાંથી કેટલીક લોન હજુ વસુલવાની બાકી છે. બૅન્ક મૅનેજરો, એજન્ટ, લોનધારકની અટકાયત કરવામાં આવી છે. બાકીના લોકોની તપાસ હાલ ચાલુ છે.”
દાહોદ પોલીસનું માનવું છે કે આ કૌભાંડના તાર ઊંડા છે.
આ કેસમાં પોલીસે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરી તત્કાલીન બ્રાન્ચ મૅનેજર સહિત 30 લોકોના નામજોગ ગુના દાખલ કર્યા હતા.
બુધવારે બંને બ્રાન્ચના મૅનેજર તેમજ ધિરાણકર્તાઓ મળી 5 લોકોની ધરપકડ કરી હતી.
ગુરુવારે પોલીસે લોનધારકો અને એજન્ટ મળી વધુ 13 લોકોની ધરપકડ કરી હતી. આમ આ બંને ફરિયાદોમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
કોર્ટએ માણેક ચોક સ્થિત એસબીઆઇના મૅનેજર ગુરમિતસિંહ બેદી અને ત્રણેય યુવકો રાજેશ, ભરત અને સુભાષનેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
સ્ટેશન રોડ સ્થિત એસબીઆઇની બ્રાન્ચના મૅનેજર મનીષ ગવલેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
આવનારા દિવસોમાં આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.