[ad_1]

દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત બૅન્ક ગણાતી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની દાહોદ ખાતેની બે શાખાઓમાં પાંચ કરોડથી વધુ રકમનું લોન કૌભાંડ બહાર આવ્યું છે.
દેશની ટોચની સરકારી બૅન્ક એવી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની દાહોદની બે બ્રાન્ચે લોન માટે લાયકાત ન ધરાવતા લોકોને રૂપિયા 5.50 કરોડની લોન ફાળવી હોવાનો ખુલાસો થયો છે.
દાહોદ પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ પ્રમાણે આ કૌભાંડ આચરવામાં બૅન્કના પૂર્વ મૅનેજરો પણ સામેલ હતા.
બૅન્કના ઑડિટ રિપોર્ટમાં આ કૌભાંડનો ભાંડો ફૂટતા વર્તમાન શાખા મૅનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત દાહોદ પોલીસે 31 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
દાહોદ પોલીસે IPC કલમ 420, 409, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 18 આરોપીઓની અટકાયત પણ કરી છે.
ગુજરાતની દાહોદ SBI મુખ્ય શાખા અને સ્ટેશન રોડ શાખામાં પાંચ કરોડથી વધુનું લોન કૌભાંડ પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા

પોલીસ એફઆઈઆર પ્રમાણે દાહોદ શહેરના SBIની મુખ્ય શાખા-યાદગાર ચોક શાખામાં અને એસટી બસ સ્ટેશન શાખામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
યાદગાર ચોક-એસબીઆઈ શાખા કેસની વિગત જોઈએ તો આ શાખામાં ફરજ બજાવતા ચીફ મૅનેજર દીપક ગુલાબરાવ પવારે આ કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ પ્રમાણે 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મૅનેજર ગુરમિતસિંહ બેદીની મદદથી 19 લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી લીધી હતી.
આરોપીઓએ રિટેલ લોન મૅનેજમેન્ટ સિસ્ટમ (RLMS)માં નેટ સૅલરી બદલે ગ્રૉસ સૅલરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી હતી.
લોનધારકોનાં ખાતાં નૉન-પરફોર્મિંગ ઍસેટ (NPA) અથવા ઓવરડ્યૂ હોવા છતાં, પૂર્વ મંજૂરી નિરીક્ષણ વિના આ લોન મંજૂર કરવામાં આવી હોવાનું આ ફરિયાદમાં નોંધાયું હતું.
કોની કોની સામે નોંધાઈ ફરિયાદ?
ઇમેજ સ્રોત, SBI
આ સમગ્ર ઘટનામાં ગુરમિતસિંહ પ્રેમસીંગ બેદી સહિત કુલ વીસ લોકો સામે ફરિયાદ થઈ છે.
જેમાં રાળુ મેડા, વિજયકુમાર ડામોર, સુરમલ બબેરીયા, રાજેન્દ્રસિંહ રાજાવત, મુકેશ ભાંભોર, ભવરસિંહ રાજાવત, રાકેશભાઈ ડોડીયાર વિજય મોસીનભાઈ ડામોર, અરવિંદ ચારેલ, નરેશ ભુરીયા, ફતેસિંહ ગોહિલ, ખાતુ બામણીયા, રેમલા ભાંભોર, અમરસિં ડામોર, દિલીપકુમાર પાલ, સુરેશકુમાર રાઠોડ, તાજુ પરમાર, વિક્રમ પટેલિયા, સંજય હઠીલા, આશીષ બારીયાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓમાં દાહોદનાં તણસીયા, રાબડાળ, ગુંદીખેડા, ગરબાડા તેમજ મધ્યપ્રદેશના ધાધણીયા અને રાજસ્થાનનાં રંગપુર ગામના રહેવાસીઓ પણ સામેલ છે.
નકલી કર્મચારીઓ બનીને લોન લીધી
ઇમેજ સ્રોત, Getty Images
ફરિયાદમાં એમ પણ નોંધવામાં આવ્યું હતું કે મહીસાગર જિલ્લાના જમનાના મુવાડા ગામના વિક્રમ પટેલિયાએ પટાવાળા તરીકે નોકરી કરતા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
ધાનપુરના નવાનગર ગામના સંજય રૂપા હઠીલાએ કેસ ક્રૅડિટ લોન અને ડિજિટલ લોન માટે ખોટાં બિલો રજૂ કરી, જરૂરી સામગ્રીની ખરીદી ન કરતાં લોનની રકમનો દુરુપયોગ કર્યો હતો.
આશિષ બારીયા (જેસાવાડા)એ હોમ લોન અને અન્ય લોનનો દુરુપયોગ કર્યો હતો.
ભૂતપૂર્વ બૅન્ક મૅનેજર ગુરમિતસિંહ બેદીએ આવકના દસ્તાવેજો અને બાંધકામનું નિરીક્ષણ કર્યા વિના લોન મંજૂર કરી હતી.
એફઆઈઆર પ્રમાણે SBI બ્રાન્ચ મૅનેજર ગુરમિતસિંહે અન્ય અઢાર લોકો સાથે મળીને ‘ગુનાહિત કાવતરું’ ઘડ્યું હતું જેમાં બનાવટી દસ્તાવેજો બનાવીને તેનો અસલી તરીકે ઉપયોગ કર્યાનું બહાર આવ્યું હતું.
નકલી શિક્ષકો બનીને લોન લીધી

દાહોદમાં એસબીઆઈની માણેકચોક ખાતેની મુખ્ય શાખા ઉપરાંત સ્ટેશન રોડ શાખાના કૌભાંડની વિગત જોઈએ તો એફઆઈઆર પ્રમાણે સ્ટેશન રોડ શાખાના મૅનેજર અને વડોદરાના નિઝામપુરાના મનીષ વામનરાવ ગવલેએ એજન્ટ સંજય ડામોર અને ફઇમ શેખ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું.
આરોપીઓએ લોન મંજૂર કરાવવા માટે અવનવી તરકીબો અજમાવી હતી. જેમાં 9 જેટલા લોકોને નકલી સરકારી કર્મચારી તરીકે રજૂ કરાયા હતા.
તેમાંથી ત્રણ વ્યક્તિઓને કરજણ એસ.ટી. ડેપોના ડ્રાઇવર તરીકે, જ્યારે સાત વ્યક્તિઓને દાહોદ, પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાની જુદી-જુદી શાળાઓમાં શિક્ષક તરીકે દર્શાવી તેમની બનાવટી પગાર સ્લીપ તૈયાર કરવામાં આવી હતી.
એટલું જ નહીં એક અરજદાર ભાનવડની શાળામાં નોકરી કરતો હોવા છતાં લુણાવાડાની શાળાની ખોટી પગાર સ્લીપ રજૂ કરી લોન મેળવવામાં સફળ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં રેલવે કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે.
દાહોદ અને મધ્ય પ્રદેશમાં રેલવેમાં નોકરી કરતા 16 કર્મચારીઓએ પોતાના મૂળ પગાર કરતાં અઢી ગણા વધુ પગારની ખોટી સ્લીપ બનાવી બૅન્કમાં રજૂ કરી હતી અને તેના આધારે લોન મેળવી હતી.
આ મામલે મનીષ ગવલે સહિત અંકીત ધોળકિયા, પ્રવિણ ગરાસિયા, રમેશ ગોધા, જેસિંગ ડામોર, રાજેશ મછાર, ભરત પારગી ઝીનલ મકવાણા, રાજેન્દ્રકુમાર ગાંધી, સુભાષકુમાર તાવિયાડ અને ભીખાલાલ પ્રજાપતિ સામે ફરિયાદ દાખલ થઈ છે.
પોલીસ એફઆઈઆર પ્રમાણે, બ્રાન્ચ મૅનેજર નિતિન ગોપીરામ પુંડીરે આ ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદીનો આરોપ છે કે લોનધારકોએ લોન મેળવવા માટે ખોટી સૅલરી સ્લીપ રજૂ કરી હતી અને ખોટો વ્યવસાય જણાવ્યો હતો.
કૌભાંડના તાર કેટલા ઊંડા?

એસબીઆઈના રિકવરી અધિકારી જ્યૉર્જના કહેવા પ્રમાણે 2022થી 2024 સુધી પર્સનલ લોન, મુદ્રા લોન, ઍનિમલ હસબન્ડરી, હોમ લોન, એમ તમામ પ્રકારની લોનમાં કૌભાંડ થયું છે.
તેમના જણાવ્યા પ્રમાણે એજન્ટો અને મૅનેજરો અને અન્ય ઉપરી અધિકારીઓએ ભેગા મળીને આ કૌભાંડ કર્યું છે અને આ બધા લોકોએ આ કૌભાંડને દબાવી દેવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો.
આ કૌભાંડની તપાસ દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વ તળે થઈ રહી છે.
જગદીશ ભંડારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “દાહોદ-એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એસબીઆઈની બે બ્રાન્ચો- માણેકચોક બ્રાન્ચ અને એસટી બસ સ્ટેન્ડ બ્રાન્ચમાં વર્તમાન મૅનેજરે ફરિયાદ નોંધાવી છે કે ભૂતપૂર્વ મૅનેજરોએ લોનધારકોની ખોટી યોગ્યતા રજૂ કરતાં, ખોટા દસ્તાવેજો બનાવીને આર્થિક લાભ મેળવવા માટે એજન્ટ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.”
ભંડારીએ કહ્યું હતું કે “સાડા પાંચ કરોડની લોન આપવામાં આવી હતી. આ લોનમાંથી કેટલીક લોન હજુ વસુલવાની બાકી છે. બૅન્ક મૅનેજરો, એજન્ટ, લોનધારકની અટકાયત કરવામાં આવી છે. બાકીના લોકોની તપાસ હાલ ચાલુ છે.”
દાહોદ પોલીસનું માનવું છે કે આ કૌભાંડના તાર ઊંડા છે.
આ કેસમાં પોલીસે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરી તત્કાલીન બ્રાન્ચ મૅનેજર સહિત 30 લોકોના નામજોગ ગુના દાખલ કર્યા હતા.
બુધવારે બંને બ્રાન્ચના મૅનેજર તેમજ ધિરાણકર્તાઓ મળી 5 લોકોની ધરપકડ કરી હતી.
ગુરુવારે પોલીસે લોનધારકો અને એજન્ટ મળી વધુ 13 લોકોની ધરપકડ કરી હતી. આમ આ બંને ફરિયાદોમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
કોર્ટએ માણેક ચોક સ્થિત એસબીઆઇના મૅનેજર ગુરમિતસિંહ બેદી અને ત્રણેય યુવકો રાજેશ, ભરત અને સુભાષનેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
સ્ટેશન રોડ સ્થિત એસબીઆઇની બ્રાન્ચના મૅનેજર મનીષ ગવલેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
આવનારા દિવસોમાં આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







