[ad_1]
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના હવામાનમાં હવે ફરીથી પરિવર્તન જોવા મળી રહ્યું છે, તાજેતરમાં જ પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હવે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરાપ નીકળી રહી છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરના રાઉન્ડમાં સારો વરસાદ પડ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળ્યો નથી.
હાલની સ્થિતિ પ્રમાણે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે પરંતુ ભારે કે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 6થી 7 દિવસ સુધી છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ સમગ્ર રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે.
હાલ બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાતી નથી. જેના કારણે હજી જે વિસ્તારોમા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમણે વધારે રાહ જોવી પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે, ક્યાં જોર ઘટશે?
ઇમેજ સ્રોત, IMD
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર આગામી 7થી 8 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે.
જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે વરસાદનું જોર ઉત્તર ભારતના વિસ્તારોમાં વધશે. એટલે કે હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વરસાદ વધશે અને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા દક્ષિણનાં રાજ્યોમાં વરસાદનું જોર હાલ ઘટશે.
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાનનો વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો પર આધારિત છે. જ્યારે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને ગુજરાત તરફ આવે કે મધ્ય ભારત તરફ આવે ત્યારે રાજ્યમાં વરસાદ વધતો હોય છે.
રાજ્યમાં અડધું ચોમાસું પૂર્ણ, હવે શું થશે?
1 જૂનથી 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ 62.85 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. સૌરાષ્ટ્રમાં તેના સરેરાશના 55.09 ટકા જેટલો વરસાદ થયો છે.
હાલ રાજ્યમાં ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે અને હવે અડધું ચોમાસું બાકી રહ્યું છે. હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ઑગસ્ટ મહિનાની શરૂઆત પણ નબળી થવાની શક્યતા છે.
ઑગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. આ સમય દરમિયાન ગુજરાતની આસપાસ કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બનતી દેખાતી નથી.
સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણી બાદના એકાદ વરસાદ બાદ હવે ફરી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે હજી થોડા સમય રાહ જોવી પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 206માંથી 31 ડૅમ 100 ટકા સુધી ભરાયા છે, જ્યારે 64 ડૅમમાં 70 ટકા કરતાં વધારે પાણીનો જથ્થો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન
[ad_2]
Source link








