Home વિદેશ 200થી વધુ વર્ષોથી વિદેશી યુદ્ધમાં ન પડેલા સ્વિત્ઝર્લૅન્ડ પાસે દુનિયામાં સૌથી વધુ...

200થી વધુ વર્ષોથી વિદેશી યુદ્ધમાં ન પડેલા સ્વિત્ઝર્લૅન્ડ પાસે દુનિયામાં સૌથી વધુ પરમાણુ બંકરો કેમ છે?

14
0

[ad_1]

સ્વિત્ઝર્લૅન્ડ, નાગરિક સુરક્ષા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વિત્ઝર્લૅન્ડમાં નાગરિક સુરક્ષા પર ખાસ્સો ભાર મુકવામાં આવ્યો છે

    • લેેખક, ક્રિસ્ટીના જે ઑગાર્જ
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો

“જો તમે શાંતિ ઇચ્છો છો, તો તમારે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.”

આ વિધાન યુરોપિયન દેશ સ્વિત્ઝર્લૅન્ડ સંદર્ભમાં સટીક રીતે બંધબેસતું છે.

સ્વિસ આલ્પ્સના ખડકાળ ભૂપ્રદેશમાં ઊંડે સુધી ખોદકામ કરવામાં આવ્યું છે, જેમાં સેંકડો પરમાણુ-પ્રૂફ બંકરો અને નાગરિક તથા લશ્કરી ટનલનું નેટવર્ક છુપાયેલું છે.

આ બંકરોના પ્રવેશદ્વાર ટેકરાઓ નીચે બાંધવામાં આવ્યા છે. અહીં એવી ઇમારતો છે જે સામાન્ય ઘરો જેવી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે બે મીટર ઊંચી કૉન્ક્રિટની દિવાલો છે જેમાં રાઇફલ્સ તૈનાત કરવા માટે છિદ્રો બનાવવામાં આવ્યા છે.

88 લાખની વસ્તી ધરાવતા સ્વિત્ઝર્લૅન્ડમાં માથાદીઠ સૌથી વધુ પરમાણુ બંકરો છે. તેમની સંખ્યા લગભગ 3.7 લાખ જેટલી છે.

દેશનો 1963નો કાયદો પરમાણુ આપત્તિ અથવા પડોશી દેશ સાથેના સંઘર્ષના કિસ્સામાં નાગરિકોને ‘બંક બેડ’ ની ગેરંટી આપે છે.

આ કાયદા હેઠળ, આવી કટોકટીની પરિસ્થિતિ માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા મળવી જોઈએ.

વધુમાં, આ આશ્રયસ્થાન વ્યક્તિના ઘરથી મહત્તમ 30 મિનિટ ચાલવાના અંતરે હોવું જોઈએ, અથવા જો ભૂપ્રદેશ ડુંગરાળ હોય તો 60 મિનિટના અંતરે હોવું જોઈએ.

ઇમર્જન્સી શેલ્ટર કેવી રીતે રક્ષણ આપી શકે?

સ્વિસ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વિસની પર્વતમાળાઓ બંકરોને છુપાવવા માટે શ્રેષ્ઠ સ્થળ છે

સ્વિત્ઝર્લૅન્ડમાં, ઍપાર્ટમેન્ટ માલિકોએ તેમના બધા રહેવાસીઓ માટે ઇમર્જન્સી શેલ્ટર (કટોકટીમાં રહી શકાય એવાં આશ્રયસ્થાનો) બનાવવા જરૂરી છે.

દેશની નાગરિક સુરક્ષા કાર્યાલય કહે છે એ પ્રમાણે “મોટાભાગના લોકો એવી ઇમારતોમાં રહે છે જેમના પોતાનાં બંકર હોય છે. જો રહેણાક ઇમારતમાં ઇમર્જન્સી શેલ્ટર ન હોય, તો જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે,”

આ બંકરો સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આધુનિક શસ્ત્રોની તેમના પર કોઈ અસર થતી નથી. આ બંકરો પરમાણુ શસ્ત્રો તેમજ જૈવિક અને રાસાયણિક શસ્ત્રોથી રક્ષણ આપે છે.

નાગરિક સંરક્ષણ વિભાગ જણાવે છે કે, “શેલ્ટરનું બાહ્ય માળખું પ્રતિ ચોરસ મીટર ઓછામાં ઓછા 10 ટન દબાણનો સામનો કરવા સક્ષમ છે. આનો અર્થ એ છે કે જો તેના ઉપર કોઈ બિલ્ડિંગ પડે તો પણ તેને ખાસ અસર થતી નથી.”

ઉદાહરણ તરીકે, ભૂકંપ પછી આ શેલ્ટર કામચલાઉ નિવાસ તરીકે સેવા આપી શકે છે. તેમાં લગાવેલા ફિલ્ટર્સ જૈવિક અને રાસાયણિક શસ્ત્રો સામે પણ રક્ષણ પૂરું પાડે છે, કારણ કે તે બહારની દૂષિત હવાને સાફ કરે છે.

‘યુદ્ધ નહીં પણ આગોતરી તૈયારી સારી’

બંકરો, બીજુ વિશ્વયુદ્ધ, કૉલ્ડ વોર, સ્વિત્ઝરલૅન્ડ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ બંકરો બીજું વિશ્વયુદ્ધ અને કોલ્ડ વૉર દરમિયાન સ્વિત્ઝર્લૅન્ડના પ્રજાજનોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યાં હતાં

જર્મની અને ફ્રાંસની સીમા પર સ્થિત સ્વિસ શહેર બેસલના નિવાસી નિકોલસ સ્ટૈડલર કહે છે, “પરમાણુ હુમલા જેવી સ્થિતિ સર્જાય તો બધા માટે એક શેલ્ટર બનાવેલું છે. મને નથી લાગતું કે સ્વિત્ઝર્લૅન્ડ કે પછી કોઈ બીજા પાડોશી દેશમાં યુદ્ધની સંભાવના હોય. પણ તૈયારીમાં રહેવું વધારે હિતકારી છે.”

જોકે તેઓ માને છે કે જો કોઈ ઇમર્જન્સી સ્થિતિ સર્જાય તો એમને નથી ખબર કે કયા શેલ્ટરમાં આશ્રય લેવો.

નાગરિક સુરક્ષા કાર્યાલયના ડેપ્યુટી ડાયરેકટર ડેનિયલ જોર્ડી કહે છે કે, સંકટના સમયે એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ જગ્યાએ જવાનું છે.

એમણે કહ્યું કે, “જે બંકરમાં જવાનું હોય છે તે તમારા એડ્રેસ સાથે જોડાયેલું હોય છે. પણ પરિવાર ઘર બદલે એ સામાન્ય વાત છે. પણ અમારી સલાહ છે કે આ અંગે ત્યારે જ જાણકારી આપવામાં આવે જ્યારે જરૂર હોય.”

બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ સ્વિત્ઝર્લૅન્ડમાં આ નેટવર્ક ગોઠવાયેલું છે. વિશ્વયુદ્ધ દરમિયાન આ દેશે પોતાની નીતિ તટસ્થ રાખી હતી.

સ્વિત્ઝર્લૅન્ડ 1815થી અત્યાર સુધી કોઈ વિદેશી યુદ્ધમાં જોડાયું નથી.

કોલ્ડ વૉર બાદ શેલ્ટરોના નિર્માણ કાર્યને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું. દર દસ વર્ષે આ શેલ્ટરોનું નિરીક્ષણ અનિવાર્ય છે અને આ માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે.

જોકે હાલ કેટલાંય સ્થાન અસ્થાયી પેન્ટ્રી, સ્ટોરેજ સેન્ટર, સંગ્રહાલય, હોટલ-રેસ્ટોરાંમાં બદલાઈ ગયાં છે.

જોર્ડી કહે છે, વિચાર એવો હતો કે, આ જગ્યાનો ઉપયોગ એની સંરચનામાં કોઈ બદલાવ વગર કરવામાં આવે. અમને આશા છે કે સંકટ સમયે નાગરિકોને શેલ્ટરનો ઉપયોગ શરૂ કરવા માટે બે દિવસનો સમય મળી શકશે.

50-60 વર્ષો પહેલાં બનાવ્યાં હતાં બંકરો

બંકર, હૉસ્ટેલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાંક બંકરોને હૉસ્ટેલમાં ફેરવી નાખવામાં આવ્યાં છે

લાંબા સમયથી ઉપયોગ નહીં થવાને કારણે કેટલાંક બંકરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

ડોમિનિકન રિપબ્લિકના વકીલ યૂજેનિયો ગૈરિ્ડો કે જેઓ ઘણાં વર્ષોથી સ્વિત્ઝર્લૅન્ડના જ્યૂરિક શહેરમાં રહે છે તેઓ કહે છે, “હું ખુદને સુરક્ષિત નથી માનતો. હથિયારો એટલાં વિકસી ચૂક્યાં છે કે સ્વિત્ઝર્લૅન્ડ પર થયેલા હુમલામાં પણ ઘણા લોકોને જીવ ગુમાવવો પડે.”

તેઓ આગળ કહે છે, “મને વિશ્વાસ નથી કે 50-60 વર્ષો પહેલાં બનાવવામાં આવેલાં બંકર આવા હુમલાને રોકી શકે.”

કદાચ આ જ કારણ છે કે સરકાર આ નેટવર્કને વધુ સક્ષમ અને આધુનિક બનાવવા માગે છે. આ માટે 250 મિલિયન ડૉલરની યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ છે કે ઇમર્જન્સીમાં આ બંકરોનો ઉપયોગ થઈ શકે.

જોકે અધિકારીઓનું કહેવું છે કે બંકરોમાં સુધારો કોઈ યુદ્ધની તૈયારી નહીં પણ જાહેર સુરક્ષા માટેનું રોકાણ છે.

જ્યૂરિકમાં રહેતાં ઇસાબેલ જણાવે છે કે, “એમને એ નથી ખબર કે હુમલાની સ્થિતિમાં અમારે કયા બંકરમાં જવું પડશે. જોકે બચવા માટે કોઈ વ્યવ્સથા ઊભી કરવામાં આવી હોવાનો એમને સંતોષ પણ છે.”

તેઓ કહે છે, “મને લાગે છે કે કોઈ પરમાણુ હુમલો કે સંઘર્ષની સ્થિતિમાં લોકોની સુરક્ષા માટે એક શ્રેષ્ઠ રસ્તો છે. મને એ જાણીને રાહત અનુભવાય છે કે મારી અને મારા પરિવારની સુરક્ષા માટે એક સુરક્ષિત જગ્યા છે.”

“આજે દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એના કારણે કોઈ અમંગળ શંકાને અવગણી શકાય એમ નથી. પણ મને વિશ્વાસ છે કે સ્વિત્ઝર્લૅન્ડ પોતાની તટસ્થતા જાળવી રાખશે અને પોતાના લોકો માટે એક સુરક્ષિત જગ્યા બની રહેશે.”

સ્વિત્ઝર્લૅન્ડે હિટલરના સમયમાં જર્મનીમાંથી ભાગીને આવેલા હજારો યહૂદી શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો.

યુક્રેન યુદ્ધને કારણે પરિસ્થિતિ પલટાઈ

શેલ્ટર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાંક શેલ્ટર અંદરથી આવાં દેખાય છે

યુરોપિયન રાજકારણમાં સ્વિત્ઝર્લૅન્ડની હંમેશાં તટસ્થ ભૂમિકા રહી છે.

પરંતુ સ્વિત્ઝર્લૅન્ડે રશિયા સામે EU પ્રતિબંધોમાં જોડાવાનો નિર્ણય લઈને તેના બિન-જોડાણવાદી વલણમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંકર બનાવતી કંપનીઓનું કહેવું છે કે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી, લોકોની બંકરો પ્રત્યેની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે.

મેન્ગ્યુ એજી અને લુનાર જેવી કંપનીઓને હાલના બંકરોના નવીનીકરણ અને ક્ષમતા વિશે પૂછવામાં આવ્યું છે, જેમાંથી ઘણા 1960 અને 1980 ના દાયકાના છે અને તેમને તાત્કાલિક જાળવણીની જરૂર છે.

નાગરિક સુરક્ષા વિભાગના અધિકારી ડેનિયલ જોર્ડી પુષ્ટિ આપે છે કે, “હા, યુક્રેનમાં યુદ્ધ પછી અમને લોકો તરફથી ઘણા પ્રશ્નો મળ્યા છે. આ પ્રશ્નો ફક્ત સામાન્ય નાગરિકો તરફથી જ નહીં, પણ ઇમર્જન્સીની સ્થિતિમાં લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવા માટે જવાબદાર લોકો તરફથી પણ આવી રહ્યા છે.”

“મારું બંકર ક્યાં છે?”

ઑથૉરિટીને સૌથી સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે:

“મારું બંકર ક્યાં છે?”

“શું મારી પાસે છે?”

“શું બંકર હજુ પણ અકબંધ છે?”

“હું મારા બંકરને કેવી રીતે ઠીક કરી શકું?”

સ્વિત્ઝર્લૅન્ડ લાંબા સમયથી શાંતિપૂર્ણ રહ્યું છે, જેના કારણે ઘણા ઇમર્જન્સી શેલ્ટરોની સ્થિતિ કથળી ગઈ છે.

એસેડાગિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર જુઆન મોસ્કોસો ડેલ પ્રાડો સમજાવે છે. “યુક્રેન પરના આક્રમણથી ઝાપોરિઝિયા પરમાણુ વીજ પ્લાન્ટ જેવી મહત્ત્વપૂર્ણ પરમાણુ સુવિધાઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે. વિસ્ફોટ અથવા હુમલાની સ્થિતિમાં, રેડિયોએક્ટિવ કૉન્ટેમિનેશન મધ્ય યુરોપને અસર કરી શકે છે.”

યુરોપમાંથી તેના કેટલાક સૈનિકો પાછા ખેંચવાની અમેરિકાની જાહેરાત અને પશ્ચિમ યુરોપની સુરક્ષા પ્રત્યેની તેની ઘટતી પ્રતિબદ્ધતાની અસર સ્વિત્ઝર્લૅન્ડ પર પણ પડી છે.

વિદેશી સંઘર્ષમાં ફસાયેલું ક્ષેત્ર

મોસ્કોસો ડેલ પ્રાડો કહે છે, “લાંબા સમય સુધી સ્વિત્ઝર્લૅન્ડ પરસ્પર વિરોધી દેશો અને જૂથ વચ્ચે ફસાયેલું રહ્યું. આ સ્થિતિ સદીઓ સુધી રહી. જ્યારે ફ્રાંસ, જર્મની, ઑસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્ય અને રશિયા વચ્ચે યુદ્ધ અને સંઘર્ષો થતાં રહ્યાં.”

કોલ્ડ વૉરની સમાપ્તિ બાદ સ્વિત્ઝર્લૅન્ડ શાંતિ અને સ્થિરતાનો એક ટાપુ જેવો હતો. પણ યુક્રેનમાં યુદ્ધને કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે.

આવા સમયમાં જ્યારે યૂરોપિયન પાવર રક્ષા અને હથિયારો પર ખર્ચ કરી રહ્યા છે ત્યારે સ્વિત્ઝર્લૅન્ડે પોતાની જૂની સુરક્ષા પ્રણાલીને સક્રિય કરી છે. એ જ પ્રણાલી કે જેણે સ્વિત્ઝર્લૅન્ડને પાછલી સદીના સશસ્ત્ર સંઘર્ષમાંથી બહાર રાખ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here