[ad_1]
ગુજરાત નજીક બનેલી સિસ્ટમથી આ રાજ્યોમાં સતત વરસાદ, ગુજરાતનું હવામાન કેવું રહેશે?
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદનું જોર હવે ઘટશે.
સોમવારે ગુજરાત-ઉત્તર કેરળ દરિયાકાંઠે દરિયાઈ સપાટી પરનો ઑફ-શૉર ટ્રોફ ઓછો ચહ્નિત થયો છે.
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી ગયો છે.
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠા અગ્રેસર છે.
આ ઉપરાંત આણંદ અને ખેડામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ડાંગ, પંચમહાલ, સુરત, પાટણ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સ્થિત હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનને સ્પર્શ કરતા વિસ્તાર પર લો-પ્રેશર સર્જાયું છે. આ પ્રેશર એરિયા સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે.
ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર પર એક ટ્રોફ રચાયો છે જે ગુજરાત, પૂર્વ રાજસ્થાન પરથી પસાર થઈને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચે છે. હાલમાં શ્રી ગંગાનગર, ઝુંઝુણુ, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પટણા, ડેલ્ટનગંજ, પુરુલિયાથી થઈને બંગાળની ખાડી સુધી એક મોન્સુન ટ્રોફની રચના થઈ છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ચોમાસાના જોરમાં ઘટાડો થયો હોય તેવું જણાય છે. જોકે, 29 જુલાઈ, મંગળવારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન રાજ્યમાં પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
30 અને 31 જુલાઈએ પણ આ તમામ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે જે દરમિયાન પવનની મહત્તમ ઝડપ 40 કિમી પ્રતિ કલાક રહેશે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 14.7 મીમી, અમદાવાદમાં 57.3 મીમી, આણંદમાં 73.4 મીમી, અરવલ્લીમાં 15.8 મીમી, બનાસકાંઠામાં 20.5 મીમી અને ભરુચમાં સરેરાશ 23 મીમી વરસાદ નોંધાયો છે.
છોટા ઉદેપુર જિલ્લામાં સરેરાશ 46.2 મીમી, ડાંગમાં 45.4 મીમી, ખેડામાં 130 મીમી, નર્મદામાં 32.7, નવસારીમાં 36.8, પંચમહાલમાં 38.3, પાટણમાં 25.1 મીમી વરસાદ નોંધાયો છે.
વડોદરા જિલ્લામાં 31 મીમીથી વધારે વરસાદ પડ્યો છે એવું હવામાન વિભાગના ડેટા દર્શાવે છે.
સોમવારે સવારથી જ ગુજરાતમાં ખેડા, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ પડવા લાગ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ જનજીવનને અસર થઈ હતી.
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીસા તાલુકાનાં હજારો ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયાં છે. એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
ખેડામાં ઉમરેઠને ડાકોરથી જોડતો એક જૂનો પુલ બંધ કરવો પડ્યો હતો. શેઢી નદીનાં પાણીની સપાટી વધી જવાથી ટ્રાફિકને ડાઇવર્ટ કરવો પડ્યો હતો.
ખેડામાં મહુધા કોર્ટ કૅમ્પસ, તાલુકા પંચાયત મામલતદાર કચેરી અને મહુધા પોલીસ મથકમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં.
મહુધા પોલીસ મથકમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયાં હતાં.
તેવી જ રીતે મહેમદાવાદ તાલુકામાં નવ ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ઘણી જગ્યાએ લોકોએ અવરજવર માટે ટ્રૅક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ધોળકા તાલુકામાં સરોડા ગામમાં ઢીંચણ સુધી પાણી ભરાયાં હતાં.
ગુજરાતમાં શ્રીકાર વરસાદના કારણે રાજ્યોના ડૅમમાં નવા પાણી આવી રહ્યાં છે. એક સરકારી આંકડા પ્રમાણે ગુજરાતના કુલ 207 નાના-મોટા ડૅમમાંથી 30 ડેમ છલકાઈ ગયાં છે.
તેમાં મધ્ય ગુજરાતના ત્રણ, સાઉથ ગુજરાતના પાંચ, અને કચ્છના પાંચ ડૅમ છલકાયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 141 ડૅમ છે જેમાંથી 17 છલકાઈ ગયા છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ અત્યાર સુધીમાં 65 ટકા ભરાયો છે.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







