[ad_1]
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી છે, જેના હેઠળ હવે કૅનેડા પરનો ટેરિફ 25 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે.
સાથે સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી ટ્રેડ ડીલ માટે નક્કી થયેલી સમયમર્યાદાથી થોડા કલાક અગાઉ જ વ્હાઇટ હાઉસે કેટલાય દેશો માટે ટેરિફના નવા દર જારી કર્યા છે, જે સાત દિવસમાં લાગુ થશે.
અગાઉ ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મૅક્સિકો પર ટેરિફ લગાવવાની સમયમર્યાદાને 90 દિવસ માટે આગળ ધપાવી હતી.
બુધવારે તેમણે જાહેરાત કરી હતી કે પહેલી ઑગસ્ટથી ભારતથી થતી તમામ આયાત પર 25 ટકા ટેરિફ લાગશે.
આ ઉપરાંત તેમણે રશિયા પાસેથી હથિયારો અને ઑઇલ ખરીદવા બદલ ભારત પર વધારાની ઇમ્પોર્ટ ડ્યૂટી નાખવાની વાત પણ કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ બીજી એપ્રિલે ભારત સહિત દુનિયાના 100 દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે કોઈ દેશ અમેરિકન સામાન પર વધારે ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવે તો અમેરિકા પણ તે દેશમાંથી આવતી ચીજો પર વધારે ટેરિફ લગાવશે. ટ્રમ્પે તેને “રેસિપ્રોકલ ટેરિફ” કહ્યું છે.
‘મોદીજી ટ્રમ્પ કહેશે એવું જ કરશે’, 25 ટકા ટેરિફ મામલે રાહુલ ગાંધીની ટિપ્પણી
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે આ ડીલ થશે.
તેમણે કહ્યું કે “સરકારે ભારતની વિદેશનીતિ, આર્થિકનીતિ અને સંરક્ષણનીતિને બરબાદ કરી દીધી છે. પીએમ મોદી માત્ર એક વ્યક્તિ માટે કામ કરે છે, અદાણી. બાકીના તમામ નાના બિઝનેસને ઉડાવી દીધા છે.”
વિપક્ષના નેતાએ કહ્યું કે “તમે જોશો કે જ્યારે આ ડીલ થશે ત્યારે તે ટ્રમ્પ જ નક્કી કરશે અને ટ્રમ્પના કહેવા પ્રમાણે જ મોદી કરશે.”
અગાઉ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે ઑગસ્ટમાં ભારતથી અમેરિકા જતા તમામ સામાન પર 25 ટકા ટેરિફ લાગશે.
‘આતંકવાદ કદી ભગવો ન હતો, ન ક્યારેય રહેશે’, માલેગાંવ વિસ્ફોટ કેસમાં ફડનવીસનો પ્રતિભાવ
ઇમેજ સ્રોત, Getty Images
માલેગાંવ બૉમ્બવિસ્ફોટ મામલામાં કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂક્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે આતંકવાદ ક્યારેય ભગવો ન હતો, ન ક્યારેય રહેશે!”
ગુરુવારે માલેગાંવ બૉમ્બવિસ્ફોટ મામલામાં સ્પેશિયલ એનઆઈએ અદાલતે તમામ સાત આરોપીઓને છોડી દીધા છે.
લગભગ 17 વર્ષ જૂના આ મામલામાં માલેગાંવમાં બૉમ્બવિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 100થી વધુને ઈજા થઈ હતી.
ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા અને લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત આ મામલે સૌથી વધારે ચર્ચાસ્પદ આરોપી હતાં. સાધ્વી પ્રજ્ઞા ભોપાલનાં સાંસદ પણ રહી ચૂક્યાં છે.
પાકિસ્તાને ચીનની મદદથી સેટેલાઇટ લૉન્ચ કર્યું
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને ચીનની મદદ લઈને એક સેટેલાઇટને અંતરીક્ષમાં લૉન્ચ કર્યું છે. ચીનના શિચાંગ સેટેલાઇટ લૉન્ચ સેન્ટર પરથી પાકિસ્તાને પોતાનું રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લૉન્ચ કર્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
નિવેદનમાં જણાવાયું છે કે “આ સેટેલાઇટ ઉચ્ચ ગુણવત્તાની તસવીરો મોકલશે જેનાથી પાકિસ્તાનને પોતાના શહેરોની યોજના બનાવવામાં, રસ્તા અને ઇમારતોના વિકાસમાં, કુદરતી આફતો સામે લડવા, ખેતી પર નજર રાખવા અને ક્લાઇમેટ ચેન્જને સમજવામાં મદદ મળશે.”
આ નિવેદન પ્રમાણે આ સેટેલાઇટને પાકિસ્તાની અંતરીક્ષ એજન્સી સુપાર્કોએ ચીનની કંપનીઓ સીઈટીસી અને માઇક્રોસેટ સાથે મળીને તૈયાર કર્યું છે.
તેમાં આગળ જણાવાયું છે કે આને હેતુ દેશના વિકાસને આગળ વધારવાનો અને લોકોના જીવનને બહેતર બનાવવાનો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







