Home Gujarati મોહમ્મદ બિન તુગલક : દિલ્હીના સુલતાન એક સમયે ‘રાક્ષસ અને સંત’ કેમ...

મોહમ્મદ બિન તુગલક : દિલ્હીના સુલતાન એક સમયે ‘રાક્ષસ અને સંત’ કેમ કહેવાયા?

13
0

[ad_1]

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, PENGUIN INDIA

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલક 1325માં તુગલક સુલતાન બન્યા હતા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

ઈ.સ. 1325માં દિલ્હીના સુલતાન ગ્યાસુદ્દીન તુગલક બંગાળમાં મોટી જીત પછી દિલ્હી પાછા આવતા હતા ત્યારે તેમની સાથે એક મોટી દુર્ઘટના ઘટી.

દિલ્હીથી થોડાંક કિલોમીટર દૂર તેમના સ્વાગત માટે બનાવવામાં આવેલો લાકડાંનો મંડપ ધરાશાયી થઈને તેમના ઉપર જ પડ્યો અને સુલતાનનું મૃત્યુ થયું ગયું.

આ વાતનો ઉલ્લેખ મધ્યકાલીન ઇતિહાસકાર જિયાઉદ્દીન બરનીના પુસ્તક ‘તારીખ-એ-ફિરોઝશાહી’માં મળે છે; જેમાં આ પણ લખ્યું છે, “વરસાદમાં વીજળી પડ્યા પછી આ મંડપ ધરાશાયી થઈ ગયો હતો.”

ગ્યાસુદ્દીને પહેલાંથી જ તુગલકાબાદમાં પોતાના માટે એક મકબરો બનાવી રાખ્યો હતો. તે જ રાત્રે તેમને ત્યાં દફનાવવામાં આવ્યા. જોકે, બીજા કેટલાક ઇતિહાસકારોએ મંડપ પડવાની એ ઘટનાને એક ષડ્‌યંત્ર પણ ગણાવ્યું છે.

જોકે, ત્રણ દિવસ પછી ગ્યાસુદ્દીનના પુત્ર જૌનાએ દિલ્હીની ગાદી સંભાળી અને પોતાને એક નવું નામ આપ્યું – મોહમ્મદ બિન તુગલક.

આ રીતે દિલ્હી સલ્તનતના ત્રણ સદીના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને ઉતારચઢાવવાળા સમયની શરૂઆત થઈ.

મોહમ્મદ બિન તુગલકના સમયમાં જ મોરક્કોના એક યાત્રી ઇબ્ન બતૂતા ભારત આવ્યા અને તેમણે મોહમ્મદ બિન તુગલકના દરબારમાં 10 વર્ષ વિતાવ્યાં.

મોહમ્મદ બિન તુગલકના પિતાના સમયના ઇતિહાસકાર જિયાઉદ્દીન બરનીએ પણ મોહમ્મદ બિન તુગલકના દરબારમાં લાંબા સમય સુધી કામ કર્યું.

પ્રસિદ્ધ ઇતિહાસકાર અબ્રાહમ ઇરાલી પોતાના પુસ્તક ‘ધ એજ ઑફ રૉથ’માં લખે છે, “બરનીએ મોહમ્મદ બિન તુગલકના દરબારી હોવા છતાં તેમની ખામીઓ અને તેમનાં કુકર્મોનું વર્ણન કર્યું છે. જોકે, તેમનાં કેટલાંક સારાં કામોની પ્રશંસા પણ કરી છે. પરંતુ ઇબ્ન બતૂતાએ મોહમ્મદ બિન તુગલક વિશે જે કંઈ લખ્યું, તે સ્પષ્ટ લખ્યું, કેમ કે, તેમણે ભારતમાંથી પાછા ગયા પછી તે લખ્યું હતું અને તેમને મોહમ્મદ બિન તુગલકની વિરોધી ટીકાઓનો કશો ડર નહોતો.”

મોહમ્મદ બિન તુગલકનું બેવડું વ્યક્તિત્વ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં ગ્યાસુદ્દીન તુગલકનો મકબરો

મધ્યકાલીન ઇતિહાસકારોએ મોહમ્મદ બિન તુગલકને બેવડું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ ઠરાવ્યા છે, જેમાં ઘણી બધી સારપની સાથે ઘણી બૂરાઈઓ પણ હતી.

એક બાજુ તેઓ અત્યંત અહંકારી હતા, તો બીજી બાજુ અતિ વિનમ્ર પણ. તેમના ચરિત્રમાં એક તરફ ઘાતક ક્રૂરતા જોવા મળે છે, તો સાથે જ, દિલને સ્પર્શી જતી કરુણા પણ સ્પષ્ટ જોવા મળે છે.

ઇબ્ન બતૂતા પોતાના પુસ્તક ‘રિહલા’માં તેમનું બિલકુલ સાચું ચિત્રણ કરતાં લખે છે, “આ બાદશાહ એક તરફ ભેટ આપવાના શોખીન હતા, તો બીજી તરફ લોહી વહેવડાવવાના પણ. તેમના દરવાજાએ એક બાજુ ગરીબોને અમીર બનાવવામાં આવતા હતા, તો બીજી બાજુ કેટલાક લોકોને મારી પણ નાખવામાં આવતા હતા.”

અન્ય એક ઇતિહાસકાર રૉબર્ટ સેવેલ પોતાના પુસ્તક ‘એ ફૉરગૉટન એમ્પાયર’માં લખે છે, “એક તરફ મોહમ્મદ એક સંત હતા, જેમનું હૃદય શેતાનનું હતું; તો બીજી તરફ એક એવા શેતાન હતા, જેમનો આત્મા સંતનો હતો.”

વિકરાળ વ્યક્તિત્વ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, PENGUIN RANDOM HOUSE

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકે પોતાની નિષ્ફળતા ક્યારેય ન સ્વીકારી

મોહમ્મદ બિન તુગલક હંમેશાં નવી રીતે વિચારતા હતા, પરંતુ તેઓ વ્યવહારવાદી ક્યારેય નહોતા. તેમનામાં ધીરજની ઊણપ અને પોતાની વાત પર મક્કમ રહેવાનો ભાવ હતો.

તે સમયના લગભગ બધા ઇતિહાસકાર એ વાત માને છે કે આખરે, મોહમ્મદ બિન તુગલકની મોટા ભાગની યોજનાઓ તેમના અને તેમની પ્રજા માટે ભયંકર દુઃસ્વપ્ન બની રહી.

જોકે, તેમણે ક્યારેય પોતાની નિષ્ફળતાને પોતાની નિષ્ફળતા ન માની અને તેના માટે હંમેશાં પોતાના લોકોને જવાબદાર ગણાવ્યા.

ઇબ્ન બતૂતા લખે છે, “સુલતાન હંમેશાં લોહી વહાવવા માટે તૈયાર રહેતા હતા. તેઓ લોકોની પ્રતિષ્ઠાનો વિચાર કર્યા વગર નાના નાના ગુના માટે મોટી મોટી સજા આપતા હતા. દરરોજ સાંકળો, બેડીઓ અને દોરડાંઓથી બંધાયેલા સેંકડો લોકોને એક મોટા હૉલમાં લાવવામાં આવતા હતા. જે લોકોને મૃત્યુદંડ મળતો હતો, તેમને ત્યાં જ મારી નાખવામાં આવતા હતા. જે લોકોને યાતનાઓની સજા મળતી હતી, તેમને યાતનાઓ આપવામાં આવતી હતી અને જેમને મારપીટની સજા મળતી હતી તેમની મારપીટ કરવામાં આવતી હતી.”

“એક પણ દિવસ એવો નહોતો વીતતો, જ્યારે ત્યાં લોહી ન વહાવાયું હોય. તેમના મહેલના મુખ્ય દ્વાર હંમેશાં રક્તરંજિત જ જોવા મળતાં હતાં. મરનાર લોકોના મૃતદેહને ચેતવણીના ભાગરૂપે મહેલના મુખ્ય દ્વાર પર ફેંકી દેવામાં આવતા હતા, જેથી કોઈ સુલતાનની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત ન કરી શકે. શુક્રવારને બાદ કરતાં દરરોજ મૃત્યુદંડ આપવામાં આવતો હતો.”

પોતાના લોકો માટે કઠોર

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, ORIENTAL INSTITUTE BARODA

ઇમેજ કૅપ્શન, ઇબ્ન બતૂતાએ ‘રહલા’ નામનું એક પુસ્તક લખ્યું હતું

મધ્યકાલીન શાસકોની સરખામણીએ જ્ઞાની હોવા છતાં પણ મોહમ્મદ બિન તુગલક માનવીય હોવાના બદલે એક કઠોર વ્યક્તિ બની ગયા હતા.

જિયાઉદ્દીન બરનીએ પોતાના પુસ્તક ‘તારીખે-એ-ફિરોઝશાહી’માં લખ્યું છે, “ઇસ્લામ ધર્મનાં પુસ્તકો અને પયગંબર મોહમ્મદના શિક્ષણમાં પરોપકાર અને વિનમ્રતા પર ભાર આપવામાં આવ્યો હતો, પરંતુ મોહમ્મદ બિન તુગલકે તેમને ધ્યાન આપવા લાયક ન સમજ્યા.”

ઇબ્ન બતૂતા લખે છે, “જ્યારે મોહમ્મદના મામાના પુત્ર બહાઉદ્દીન ગુરચસ્પે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ત્યારે મોહમ્મદે તેમની ચામડી ઊતરાવી દીધી.”

બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં ઇબ્ને બતૂતાએ લખ્યું, “એક વખત જ્યારે એક ધાર્મિક મુસ્લિમ વ્યક્તિએ મોહમ્મદને આપખુદ કહ્યા, ત્યારે તેમને સાંકળોથી બાંધી રાખ્યા અને 15 દિવસ સુધી ભૂખ્યા રાખ્યા પછી પણ તેમણે પોતાના શબ્દો પાછા ન ખેંચ્યા તો સુલતાને તેમને બળજબરીપૂર્વક માણસનું મળ ખવડાવવાનો આદેશ આપ્યો. સિપાહીઓએ તેમને જમીન ઉપર સુવડાવીને ચીપિયાથી તેમનું મોં ખોલ્યું અને સુલતાનના આદેશનું પાલન કર્યું.”

આતંક અને ક્રૂરતા

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇબ્ન બતૂતા મોહમ્મદ બિન તુગલકના શાસનકાળમાં મોરક્કોથી ભારત આવ્યા હતા

દિલ્હીની ગાદી પર બેસનાર 32 સુલતાનોમાં ફક્ત બે સુલતાન એવા છે, જેમના પર ક્રૂરતાના આરોપ નથી લગાડી શકાતા.

મોહમ્મદ કાસિમ ફિરસ્તાએ પોતાના પુસ્તક ‘તારીખ-એ-ફિરસ્તા’માં લખ્યું છે, “જો તે સમયના સુલતાનોની દૃષ્ટિએ વિચારવામાં આવે તો નિર્દયતા અને આતંક તે સમયના સુલતાનોની જરૂરિયાત હતી. જેના વગર તેઓ શાસક તરીકે જળવાઈ નહોતા શકતા, પરંતુ મોહમ્મદે આ નિર્દયતાને એવા સ્તરે પહોંચાડી દીધી કે તેની ઊંધી અસર થઈ.”

“તેનાથી તેમની શક્તિ વધવાના બદલે ઓછી થઈ ગઈ. એમાં શંકાની કશી શક્યતા નથી કે મોહમ્મદ એક ભણેલાગણેલા, સુસંસ્કૃત અને પ્રતિભાશાળી માણસ હતા, પરંતુ તેમના મનમાં પોતાના લોકો માટે દયા અને શરમના કોઈ ભાવ નહોતા.”

વિદેશી લોકો સાથે સારો વ્યવહાર

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકે ઇબ્ન બતૂતાને જાગીરમાં ગામ પણ આપ્યાં હતાં

પોતાના શાસનકાળ દરમિયાન મોહમ્મદ બિન તુગલકના વિદેશી મુસાફરો પ્રત્યેના સારા વ્યવહાર વિશે અનેક ઇતિહાસકાર લખી ચૂક્યા છે.

ઇબ્ન બતૂતાએ તેનું વર્ણન કરતાં લખ્યું છે, “જેવો હું સુલતાનની સમક્ષ ગયો, તેમણે મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘તમારું આગમન શુભ છે. કશી ચિંતા ન કરતા’.”

બતૂતા અનુસાર, સુલતાન મોહમ્મદે તેમને 6,000 ટંકા રોકડા આપ્યા.

તેમને પહેલાં ત્રણ અને પછી બે, એમ પાંચ ગામોની જાગીર આપવામાં આવી, જેનાથી તેમને 12,000 ટંકાની વાર્ષિક આવક થવા લાગી.

ઇબ્ન બતૂતા પોતાના પુસ્તકમાં લખે છે, “સેવા માટે સુલતાને મને દસ હિન્દુ ગુલામ પણ આપ્યા. એટલું જ નહીં, મને સ્થાનિક ભાષા બિલકુલ નહોતી આવડતી, તેમ છતાં મને દિલ્હીનો કાજી નિયુક્ત કરી દેવામાં આવ્યો. વિદેશી રાજાઓ માટે પણ સુલતાનનો વ્યવહાર સૌહાર્દપૂર્ણ હતો.”

લેખક અબ્રાહમ ઇરાલી અનુસાર, “મોહમ્મદ બિન તુગલકે ચીનના રાજાને ઉપહારમાં 100 ઘોડા, 100 ગુલામ, 100 નર્તકીઓ, કાપડના 1,200 તાકા, ઝરીના પોશાકો, ટોપીઓ, તીર રાખવાનાં ભાથાં, તલવારો, મોતીઓથી મઢેલાં મોજાં અને 15 કિન્નર મોકલ્યાં હતાં.”

મોહમ્મદની ન્યાયપ્રિયતા

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇબ્ન બતૂતા (જમણે) લખે છે કે મોહમ્મદ બિન તુગલક કાજીના નિર્ણયોને માનતા હતા

દિલ્હી સલ્તનતના ઇતિહાસ પર ધ્યાન આપવાથી શાસકો અને તેમનાં માતા-પિતા સાથેના સંબંધનાં અનેક પાસાં જોવા મળે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના પૂર્વ પ્રમુખ અને ઇતિહાસકાર સતીશ ચંદ્રાએ પોતાના પુસ્તક ‘મેડિવલ ઇન્ડિયા: ફ્રૉમ સલ્તનત ટૂ મુગલ્સ’માં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મોહમ્મદ બિન તુગલક પોતાની માને ખૂબ માનતા હતા અને દરેક બાબતે તેમની સલાહ લેતા હતા. જોકે, સૈનિક શિબિરોમાં મહિલાઓની ઉપસ્થિતિ પર તેમણે પ્રતિબંધ લગાવ્યો હતો.

ઘણા ઇતિહાસકારોએ લખ્યું છે કે સુલતાનને દારૂ પીવાનું પણ પસંદ નહોતું.

મધ્યકાલીન ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર પ્રોફેસર ઇરફાન હબીબીએ પોતાના પુસ્તક ‘ઇકોનૉમિક હિસ્ટરી ઑફ મેડિવલ ઇન્ડિયા’માં લખ્યું છે, મોહમ્મદ બિન તુગલકની ખાસ વાત એ હતી કે તેઓ બહારથી આવેલા મુસલમાનો અને મૉંગોલ લોકો ઉપરાંત, હિન્દુઓને પણ મહત્ત્વના હોદ્દા પર બેસાડતા હતા. સાથે જ, તેઓ લોકોના ધર્મ કરતાં વધારે તેમની યોગ્યતા પરથી એમને પરખતા હતા.”

ઉદાહરણ તરીકે, તેઓ અરબી અને ફારસી ભાષાના વિદ્વાન અને ખગોળશાસ્ત્ર, દર્શન, ગણિત અને તર્કશાસ્ત્રમાં પારંગત હતા.

ઇબ્ન બતૂતાએ મોહમ્મદ બિન તુગલકની ન્યાયપ્રિયતાનાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે. “એક વાર સુલતાનના એક હિન્દુ દરબારીએ કાજીને ફરિયાદ કરી કે સુલતાને તેમના ભાઈને કશા કારણ વગર મૃત્યુની સજા આપી દીધી. સુલતાને કાજીની અદાલતમાં ઉઘાડા પગે જઈને તેમની સામે માથું ઝુકાવ્યું અને તેમની સામે ઊભા રહ્યા. કાજીએ સુલતાન વિરુદ્ધ નિર્ણય કર્યો અને તેમને આદેશ આપ્યો કે તેઓ દરબારીને તેમના ભાઈની હત્યા બદલ દંડની રકમ આપે. સુલતાને કાજીનો એ આદેશ માન્યો.”

ઇબ્ન બતૂતા આગળ લખે છે, “એક વખત એક વ્યક્તિએ દાવો કર્યો કે સુલતાન પાસેથી તેમના થોડાક પૈસા લેણા નીકળે છે. આ વખતે પણ કાજીએ સુલતાન વિરુદ્ધ નિર્ણય કર્યો અને સુલતાને તે રકમ ફરિયાદ કરનારને ચૂકવી.”

ગરીબોની મદદ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, IRFAN HABIB

જ્યારે ભારતના અનેક ભાગોમાં ભયંકર દુકાળ પડ્યો અને રાજધાનીમાં એક મણ ઘઉંના ભાવ 6,000 દીનાર થઈ ગયા, ત્યારે સુલતાન મોહમ્મદ બિન તુગલકે આદેશ આપ્યો કે દિલ્હીના દરેક ગરીબ માણસને પ્રતિ વ્યક્તિ 750 ગ્રામના હિસાબે છ મહિના સુધી રોજ ભોજનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે.

ઇબ્ન બતૂતાએ પોતાના પુસ્તકમાં આ વાતની નોંધ કરતાં લખ્યું છે, “સામાન્ય સમયમાં પણ સુલતાને દિલ્હીના લોકો માટે સાર્વજનિક રસોઈઘર ખોલાવ્યાં, જેમાં દરરોજ હજારો લોકોને ભોજન કરાવવામાં આવતું હતું. સુલતાને બીમારો માટે હૉસ્પિટલ અને વિધવાઓ અને અનાથો માટે સંરક્ષણ ગૃહ પણ ખોલાવ્યાં.”

ધર્મની બાબતમાં મોહમ્મદ બિન તુગલકના વિચારોમાં ઘણા વિરોધાભાસ હતા. કેટલાક ઇતિહાસકાર માને છે કે તેમના શાસનમાં નમાજ ન પઢનાર સાથે ખૂબ સખતાઈથી વ્યવહાર કરતો હતો.

પરંતુ સમકાલીન ઇતિહાસકાર જિયાઉદ્દીન બરની અને અબ્દુલ મલિક ઇસામીનું માનવું છે કે સુલતાન મોહમ્મદ એક બિનધાર્મિક વ્યક્તિ હતા.

બરની અનુસાર, “તેમણે સુલતાનના દરબારી હોવા છતાં પણ તેમના મોં પર કહી દીધું હતું કે જે રીતે તેઓ પોતાના વિરોધીઓ સાથે વ્યવહાર કરે છે, ઇસ્લામી પરંપરાઓમાં તેને કશી માન્યતા આપવામાં નથી આવી.”

ઇતિહાસકાર ઇસામીએ તેનાથી એક ડગલું આગળ વધીને મોહમ્મદને ‘કાફિર’ની સંજ્ઞા આપતાં કહ્યું કે, તમે હંમેશાં નાસ્તિકોની સાથે જોવા મળ્યા છો.

હકીકતમાં, મોહમ્મદ બિન તુગલકની જે ટેવે તત્કાલીન મુસ્લિમ ધર્મગુરુઓને ગુસ્સે કર્યા હતા, તે હતી, “તેમનું યોગીઓ અને સાધુઓનું સંરક્ષણ આપવું”.

અબ્રાહમ ઇરાલીએ પણ લખ્યું છે, “અતિ હિંસક પ્રવૃત્તિના હોવા છતાં મોહમ્મદ એક જૈન સાધુ જીનાપ્રભાસૂરિના શિષ્ય હતા. એ વાતનાં અનેક ઉદાહરણ મળે છે કે મોહમ્મદને બીજા ધર્મો વિશે જાણવાની ઉત્સુકતા હતી. તેનું કારણ એ હતું કે તેમનાં વિચાર અને સંસ્કૃતિ-રુચિ વ્યાપક હતાં.”

રાજધાની બદલવાનો વિવાદાસ્પદ નિર્ણય

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS

ઇમેજ કૅપ્શન, પ્રખ્યાત ઇતિહાસકાર અબ્રાહમ ઇરાલીનું પુસ્તક ‘ધ એજ ઑફ રૉથ’

લગભગ બધા ઇતિહાસકાર એ વાત સાથે સંમત થાય છે કે પોતાની રાજધાની દિલ્હીથી સમેટી લઈને દૌલતાબાદ (મહારાષ્ટ્રના દેવગિરિ)માં લઈ જવી, તે મોહમ્મદ બિન તુગલકનો સૌથી વધુ વિવાદાસ્પદ નિર્ણય હતો.

સુલતાનના વિચાર પ્રમાણે તે એક સમજદારીભર્યો નિર્ણય હતો, જે સફળ થવો જોઈતો હતો, પરંતુ એ પગલું સફળ ન થઈ શક્યું.

બરની લખે છે, “એકાએક અને કોઈનાં સલાહ-સૂચન વગર લેવાયેલા આ નિર્ણયના ફાયદો-નુકસાન વિચારાયા નહોતા; કેમ કે, તે સુલતાનનો વ્યક્તિગત નિર્ણય હતો. આ નિર્ણય એટલા માટે પણ નિષ્ફળ રહ્યો, કેમ કે, મોહમ્મદ માત્ર રાજધાનીને જ દૌલતાબાદ (દેવગિરિ) ન લઈ ગયા, પરંતુ તેમણે દિલ્હી આખાની વસ્તી પણ તેમની સાથે ત્યાં જાય, તેના પર ભાર મૂક્યો.”

ઘણા દિલ્હીવાળાઓએ દૌલતાબાદ કે દેવગિરિ જવાનો ઇનકાર કરી દીધો અને તેઓ પોતપોતાના ઘરમાં સંતાઈ ગયા.

ઇબ્ન બતૂતા અનુસાર, “સુલતાને આખા શહેરમાં શોધ કરાવી. જેમાં તેમના સેનાપતિઓને દિલ્હીની સડકો પર એક અપંગ અને એક અંધ વ્યક્તિ મળી. તે બંનેને સુલતાનની સમક્ષ રજૂ કરવામાં આવ્યા.”

તેમણે આગળ લખ્યું, “સુલતાને આદેશ આપ્યો કે અપંગ વ્યક્તિને તોપના મોઢા પર બાંધીને ઉડાવી દેવામાં આવે અને અંધ વ્યક્તિને દિલ્હીથી દેવગિરિ સુધીના 40 દિવસના રસ્તા પર ઘસડતા લઈ જવામાં આવે. સડક પર તે વ્યક્તિના ટુકડા થતા ગયા અને તેમના માત્ર પગ જ દેવગિરિ પહોંચી શક્યા.”

આ સમાચારની જાણ થતાં જ સંતાયેલા ગણ્યાગાંઠ્યા લોકોએ પણ દિલ્હી છોડી દીધું અને દિલ્હી સંપૂર્ણ ઉજ્જડ થઈ ગયું. ઇતિહાસકાર લખે છે કે, ડરી ગયેલા લોકોએ પોતાનાં ફર્નિચર અને સામાનને પણ લઈ જવાની તસ્દી ન લીધી.

પાછા જવાનો નિર્ણય

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ, રાજધાનીને દેવગિરિ લઈ જવાના નિર્ણયથી દિલ્હીની બરબાદીની શરૂઆત થઈ ચૂકી હતી.

બરાનીએ લખ્યું, “એક જમાનામાં દિલ્હી એટલું સમૃદ્ધ હતું કે તેની તુલના બગદાદ અને કાહિરા સાથે થતી હતી, પરંતુ આ શહેર એવી રીતે તારાજ થઈ ગયું કે ત્યાંનાં ભવનોમાં રહેવા માટે બિલાડી અને શ્વાન પણ બચ્યાં નહીં. ઘણી પેઢીઓથી દિલ્હીમાં રહેતા લોકોનાં દિલ તૂટી ગયાં. ઘણા લોકો તો દેવગિરિ જતાં રસ્તામાં જ મરી ગયા અને જે દેવગિરિ પહોંચ્યા તેઓ પણ પોતાના શહેરમાંથી બહાર રહેવાનું દુઃખ સહન ન કરી શક્યા.”

આખરે, મોહમ્મદ બિન તુગલકે દેવગિરિ આવેલા લોકોને દિલ્હી પાછા ફરવાની મંજૂરી આપી દીધી.

તેમને અહેસાસ થઈ ગયો હતો કે જે રીતે તેમને દિલ્હીથી દક્ષિણ પર નિયંત્રણ કરવામાં મુશ્કેલી પડતી હતી, એ જ રીતે તેઓ દેવગિરિથી ઉત્તર પર નિયંત્રણ રાખી શકતા નહોતા.

ઘણા લોકો રાજીખુશીથી દિલ્હી પાછા ફર્યા, જ્યારે કેટલાક લોકોએ પોતાના પરિવારની સાથે દેવગિરિમાં જ રહેવાનો નિર્ણય કર્યો. ઘણા જાણકારોનો મત છે કે રાજધાનીના ઘણા લોકો દિલ્હી પાછા ફર્યા હોવા છતાં દિલ્હી પોતાની જૂની રોનક પાછી મેળવી શક્યું નહીં.

મુદ્રાનો નિર્ણય પણ નિષ્ફળ

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકના શાસનકાળ દરમિયાન ચાલતા સિક્કા

મોહમ્મદ બિન તુગલકના સાંકેતિક મુદ્રા ચલાવવાના નિર્ણય પર પણ ઘણો મોટો વિવાદ થયો હતો.

જોકે, 14મી સદીમાં દુનિયામાં ચાંદીની અછત ઊભી થઈ હતી, ત્યારે સુલતાને ચાંદીના ટંકા સિક્કાની જગ્યાએ ત્રાંબાના સિક્કા ચાલવા દીધા.

હકીકતમાં, મોહમ્મદને સાંકેતિક મુદ્રા ચલાવવાની પ્રેરણા ચીન અને ઈરાન પાસેથી મળી હતી, જ્યાં તે સમયે તેનું ચલણ હતું.

પરંતુ, આ નીતિને સફળ બનાવવા માટે મોહમ્મદ પાસે ન તો વહીવટી ઇચ્છાશક્તિ હતી કે ન તો સંપૂર્ણ રીતે અમલ કરાવવા માટે પ્રશિક્ષિત લોકો.

પ્રોફેસર સતીશ ચંદ્રા પોતાના પુસ્તક મેડિવલ ઇન્ડિયામાં લખે છે, “પરિણામ એ આવ્યું કે ટૂંક સમયમાં નકલી સિક્કા બજારમાં આવી ગયા અને લોકો દરેક લેતી-દેતીમાં સિક્કાની કિંમત પ્રમાણે સિક્કા આપવા લાગ્યા, નહીં કે તેમના ઉપર લખાયેલા મૂલ્યના આધારે. દરેક વ્યક્તિ સરકારને તાંબાના નકલી સિક્કામાં પોતાનું દેવું ચૂકવવા લાગ્યા.”

જ્યારે સુલતાનને લાગ્યું કે તેમની સાંકેતિક મુદ્રાની પરિયોજના નિષ્ફળ થઈ ગઈ છે, ત્યારે તેમણે તેનું ચલણ બંધ કરવાનો નિર્ણય કર્યો.

તેમણે એવી જાહેરાત કરાવી કે જે કોઈની પાસે તાંબાના સિક્કા છે, તેઓ તેને ખજાનામાં જમા કરાવીને બદલામાં સોના અને ચાંદીના સિક્કા લઈ શકે છે.

જિયાઉદ્દીન બરની અનુસાર, “ખજાનામાં એટલા બધા તાંબાના સિક્કા આવી ગયા કે એક રીતે તેના પહાડ જેવું બની ગયું. આ નિષ્ફળતાથી સુલતાનની પ્રતિષ્ઠાને ખૂબ હાનિ થઈ અને તેણે મોહમ્મદ બિન તુગલકને પોતાના લોકો પ્રત્યે વધુ કઠોર બનાવી દીધા.”

પ્રસિદ્ધ ઇતિહાસકાર ઈશ્વરીપ્રસાદે પોતાના પુસ્તક ‘એ શૉર્ટ હિસ્ટરી ઑફ મુસ્લિમ રૂલ ઇન ઇન્ડિયા’માં લખ્યું, “રાજ્યની ગમે તેટલી મોટી જરૂરિયાત રહી હોય, સાધારણ જનતા માટે તાંબું તાંબું જ હતું. જનતા સાંકેતિક મુદ્રાની લેણદેણની પ્રક્રિયા સમજી ન શકી.”

“સુલતાને એ વાત પર પણ ધ્યાન ન આપ્યું કે ભારતના લોકો રૂઢિવાદી હોય છે અને પરિવર્તનથી સાશંકિત રહે છે, તે પણ એવી પરિસ્થિતિમાં જ્યારે શાસક ભારતીય મૂળના ન હોય.”

મોહમ્મદ બિન તુગલક ગુજરાતમાં વિદ્રોહીઓને ડામવા પહોંચ્યા

બીબીસી ગુજરાતી ઇતિહાસ દિલ્હી સલ્તનત મોહમ્મદ બિન તુગલક ભારત મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બિન તુગલકે તાગીનો પીછો પણ કર્યો

ઇતિહાસમાંથી એ જ જાણવા મળે છે કે મોહમ્મદ બિન તુગલકને કોઈના પર વિશ્વાસ નહોતો. તેથી તેઓ વિદ્રોહને ડામવા માટે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં આવ-જા કરતા રહેતા હતા અને આવી કવાયતે તેમની સેનાને ખૂબ જ થકવી દીધી હતી.

ઈ.સ. 1345માં, ગુજરાતમાં વિદ્રોહીઓને ડામવા મોહમ્મદ બિન તુગલક દિલ્હીથી બહાર નીકળ્યા, અને પછી તેઓ દિલ્હીમાં ક્યારેય પાછા ન પહોંચી શક્યા.

આ અભિયાન દરમિયાન સુલતાનની સેનામાં પ્લેગની મહામારી ફેલાઈ ગઈ હતી. ગુજરાતમાં સુલતાને વિદ્રોહી મોહમ્મદ તાગીને હરાવી તો દીધા, પરંતુ તેઓ તેમને પકડી ન શક્યા, કેમ કે, વિદ્રોહીઓ સિંધ તરફ ભાગી ગયા હતા.

આ દરમિયાન મોહમ્મદને સખત તાવ આવી ગયો, પરંતુ ઇતિહાસકારોએ લખ્યું છે, “સાજા થઈ ગયા પછી તેઓ તાગીની પાછળ સિંધ ગયા. જ્યાં તેમણે સિંધુ નદી પણ પાર કરી, પરંતુ તે દરમિયાન તેમને ફરીથી તાવ આવી ગયો.”

20 માર્ચ 1351એ મોહમ્મદ બિન તુગલકે સિંધુ નદીના કિનારે ચટ્ટાથી લગભગ 45 કિલોમીટર દૂર પોતાનો અંતિમ શ્વાસ લીધો.

તે સમયના ઇતિહાસકાર અબ્દુલ કાદિર બદાયૂંનીએ લખ્યું, “સુલતાનને પોતાની જનતા પાસેથી એટલાં પ્રેમ અને સન્માન ન મળી શક્યાં અને જનતા તેમને યોગ્ય રીતે સમજી પણ ન શકી. બસ, સુલતાનને પોતાની પ્રજાથી અને પ્રજાને સુલતાનથી મુક્તિ મળી ગઈ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here