Home વિદેશ માતાના ગર્ભમાં ‘બુકિંગ’ અને જન્મ થતાં જ બાળકોની તસ્કરી, આ ગૅંગ કેવી...

માતાના ગર્ભમાં ‘બુકિંગ’ અને જન્મ થતાં જ બાળકોની તસ્કરી, આ ગૅંગ કેવી રીતે કામ કરતી?

8
0

[ad_1]

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસના કહેવા પ્રમાણે, અમુક બાળકોનું ગર્ભમાંથી બુકિંગ થઈ ગયું હતું (પ્રતીકાત્મક તસવીર)

    • લેેખક, ક્વિનાતી પસારીબૂ
    • પદ, બીબીસી ઇન્ડોનેશિયા, જકાર્તા
    • લેેખક, ગૅવિન બટલર
    • પદ, બીબીસી ન્યૂઝ સિંગાપુર

ઇન્ડોનેશિયા પોલીસે બાળકોની તસ્કરી કરનારી આંતરરાષ્ટ્રીય ગૅંગનો પર્દાફાશ કર્યો છે. જેણે બે વર્ષમાં ઓછામાં ઓછાં 25 નવજાત બાળકોને સિંગાપુરમાં વેચ્યાં છે.

ઇન્ડોનેશિયા પોલીસે એક અઠવાડિયા દરમિયાન પોંતિયાનાક તથા તાંગરાંગ શહેરોમાંથી આ ગૅંગના 13 લોકોને ઝડપી લીધા છે.

આ અભિયાન દરમિયાન છ બાળકોને બચાવી લેવાયાં છે. તેમને તસ્કરીથી લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ તમામ બાળકોની ઉંમર એક વર્ષ આસપાસ છે.

પશ્ચિમ જાવા પોલીસના અધિકારી સુરાવને બીબીસી ન્યૂઝ ઇન્ડોનેશિયાને જણાવ્યું, “આ બાળકોને પહેલાં પોંતિયાનાકમાં રાખવામાં આવતાં અને પછી ઇમિગ્રેશન ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીને તેમને સિંગાપુર મોકલવામાં આવતાં.”

બીબીસીએ આ અંગે સિંગાપુર પોલીસ તથા ગૃહ મંત્રાલયની પ્રતિક્રિયા માગી હતી, પરંતુ અહેવાલ છપાયા સુધી કોઈ જવાબ નહોતો મળ્યો.

ગૅંગ કેવી રીતે કામ કરતી હતી?

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, West Java Regional Police

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયા પોલીસના કહેવા પ્રમાણે, સિંગાપુરમાં દત્તક લેનારા લોકોને શોધવા તેમની ‘સૌથી પ્રાથમિક જવાબદારી’ છે

પોલીસના કહેવા પ્રમાણે, આ ગૅંગના લોકો બાળકનું પાલનપોષણ કરવામાં અક્ષમ કે અનિચ્છિત માતાપિતા કે સગર્ભા મહિલાઓને નિશાન બનાવતાં. કેટલાક કિસ્સામાં ફેસબુક દ્વારા વાતચીતની શરૂઆત થતી, એ પછી વૉટ્સઍપ જેવી ચૅટઍપ્સ દ્વારા વાતચીત આગળ વધતી.

પોલીસ અધિકારી સુરાવાનના કહેવા પ્રમાણે, “અમુક કિસ્સામાં ગર્ભમાં જ તમામ વાતો નક્કી કરી લેવામાં આવતી. જ્યારે બાળકનો જન્મ થાય, ત્યારે ડિલિવરીનો ખર્ચ પણ આ ગૅંગ ભોગવતી. એ પછી પરિવારને વળતર પેટે પૈસા આપવામાં આવતા અને બાળકને લઈ જવામાં આવતું.”

પોલીસના કહેવા પ્રમાણે, આ ગૅંગમાં સામેલ અલગ-અલગ લોકોની ભિન્ન-ભિન્ન ભૂમિકા હતી. જેમ કે કેટલાક લોકો બાળકને શોધવાનું કામ કરતા. કેટલાક લોકો બાળકોને રાખવાનું તથા તેમને સાચવવાની વ્યવસ્થા કરતા, તો કેટલાક લોકો પાસપૉર્ટ અને ફેમિલી કાર્ડ જેવાં બનાવટી કાગળિયાં બનાવતા.

બાળકોને માતાથી અલગ કર્યા બાદ, તેમને બે-ત્રણ મહિના માટે કેરટેકર પાસે રાખવામાં આવતાં. એ પછી તેમને જકાર્તા અને પછી પોંતિયાનાક લઈ જવામાં આવતાં હતાં. અહીં તેમનાં જન્મનાં પ્રમાણપત્ર, પાસપૉર્ટ તથા અન્ય ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવતાં.

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસના કહેવા પ્રમાણે આ બાળકોને 11થી 16 લાખ ઇન્ડોનેશિયાના રૂપિયામાં (લગભગ 670થી 1000 અમેરિકન ડૉલર) વેચવામાં આવતાં.

ગૅંગના કેટલાક સભ્યોના કહેવા પ્રમાણે, તેમણે ત્યાં સુધી ઓછામાં ઓછાં 12 બાળકો તથા 13 બાળકીઓને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીયસ્તરે વેચ્યાં છે. આ બાળકોને પશ્ચિમ જાવા પ્રાંતના અલગ-અલગ જિલ્લા કે શહેરમાંથી લાવવામાં આવ્યાં હતાં.

ઇન્ડોનેશિયા પોલીસના કહેવા પ્રમાણે, તેમની પ્રાથમિકતા સિંગાપુરમાં એવા લોકોને શોધવાની છે કે જેમણે આ બાળકોને દત્તક લીધાં હતાં.

સુરવાને પત્રકારોને જણાવ્યું, “અમે બાળકોના બહાર જવાના ડેટાને ક્રૉસ ચેક કરીશું, જેથી કરીને કયું બાળક ક્યારે ગયું, કોની સાથે ગયું તથા તેને કોણે દત્તક લીધું વગેરે જેવી નક્કર માહિતી મળી રહે.”

આમાંથી અમુક બાળકોની નાગરિકતા બદલાઈ ગઈ હોવાની માહિતી પણ પોલીસને મળી છે. જોકે, પોલીસ હજુ પણ તેમના પાસપૉર્ટ શોધી રહી છે.

માતાપિતાએ જ પોતાનાં બાળકોને કેમ વેચી માર્યાં?

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર
ઇમેજ કૅપ્શન, મોટાં ભાગનાં બાળકોની ઉંમર એક વર્ષ જેટલી હતી (પ્રતીકાત્મક તસવીર)

સુરવાને અગાઉ બીબીસી ઇન્ડોનેશિયાને જણાવ્યું હતું કે બાળકોનાં માતાપિતા અને તસ્કરોની વચ્ચે પહેલાંથી જ સમજણ સધાઈ ગઈ હોય છે, એટલે હજુ સુધી કોઈ પણ બાળકના અપહરણની વાત બહાર નથી આવી.

તેમણે કહ્યું કે દલાલોએ અમુક માતાપિતાને પૈસા નહોતા ચૂકવ્યા, એટલે તેમણે બાળકોનાં અપહરણની ફરિયાદ કરી હતી.

પોલીસને શંકા છે કે કેટલાંક માતાપિતા આર્થિક તંગીને કારણે તેમનાં સંતાનોને વેચવા માટે સહમત થયાં હોય એ વાત નકારી ન શકાય. સુરવાને ઉમેર્યું હતું કે આ માતાપિતાની સામે પણ ફોજદારી કેસ દાખલ થઈ શકે છે.

તેમણે કહ્યું, “જો માતાપિતા અને આરોપીઓની વચ્ચે કોઈ પણ પ્રકારની સમજૂતિ થઈ હોવાની વાત પુરવાર થશે, તો માતાપિતા સામે પણ બાળ સંરક્ષણ ધારા તથા માનવતસ્કરી હેઠળ કેસ ચલાવી શકાય છે.”

ઇન્ડોનેશિયાની પોલીસે ઇન્ટરપોલ તથા સિંગાપુર પોલીસનો સહયોગ માગ્યો છે, જેથી કરીને આ ગૅંગના વિદેશમાં રહેતા સભ્યો, અથવા તેમની પાસેથી બાળક ખરીદનારા લોકોની ધરપકડ થઈ શકે.

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

સુરવાને કહ્યું, “અમે આરોપીઓને ‘વૉન્ટેડ’ જાહેર કરીશું. આ સિવાય રેડ કૉર્નર નોટિસ પણ કાઢવામાં આવશે અથવા તો અન્ય દેશોની પોલીસને પણ તેમની ધરપકડ કરવા માટે વિનંતી કરીશું.”

ઇન્ડોનેશિયાના ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશનનાં (કેપીએઆઈ) વડાં આઈ રહમાયંતીના કહેવા પ્રમાણે, બાળકોની તસ્કરી કરનારી ગૅંગ મુશ્કેલીઓની સામે ઝઝૂમી રહેલી મહિલાઓનો સંપર્ક સાધતી.

તેમણે બીબીસીને જણાવ્યું, “જેમ કે, અમુક મહિલાઓ બળાત્કારનો ભોગ બનવાને કારણે ગર્ભવતી બની જાય છે. કેટલીક મહિલાઓને તેમના પતિ ત્યજી દે છે, અથવા તો કેટલીક મહિલાઓને અનિચ્છિત ગર્ભ રહી ગયો હોય છે.”

ઇન્ડોનેશિયામાં ગર્ભપાત ગેરકાયદેસર છે, પરંતુ બળાત્કાર અને તબીબી કારણો જેવી વિશેષ પરિસ્થિતિઓમાં ગર્ભપાતની છૂટ આપવામાં આવે છે.

બાળ તસ્કરીનું ઇન્ટરનેશનલ રેકેટ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, બીબીસી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આઈ રહમાયંતીના કહેવા પ્રમાણે, બાળકોની તસ્કરી કરનારી ગૅંગના લોકો મોટા ભાગે પોતાને મૅટરનિટી ક્લિનિક, અનાથાલય કે સામાજિક સહાયતા કેન્દ્રના માણસ ગણાવે છે. જેઓ જરૂરિયાતમંદ મહિલાઓ તથા બાળકોને મદદ કરવાનો દાવો પણ કરે છે.

તેમણે કહ્યું, “આ ક્લિનિક કે આશ્રયસ્થાનો શરૂઆતમાં સહાનૂભૂતિવાળી ભાષાનો ઉપયોગ કરે છે, જેમ કે, ‘તમે અહીં બાળકને જન્મ આપી શકો છો અને સાથે જ ઘરે લઈ જઈ શકો છો.’ વાસ્તવમાં તેઓ પૈસા લઈને ગેરકાયદેસર રીતે આ બાળકનો કબજો અન્ય કોઈને સોંપી દે છે.”

ઇન્ડોનેશિયામાં બાળકોની તસ્કરી અંગે કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ કેપીએઆઈની પાસે માનવતસ્કરી સંબંધિત ગુનાના આંકડા છે. જેને જોતા માલૂમ પડે છે કે આ કામ વર્ષોથી ચાલી રહ્યું છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનો વ્યાપ વધ્યો છે.

વર્ષ 2020માં કેપીએઆઈએ બાળકોને ગેરકાયદેસર રીતે દત્તક લેવાની 11 ઘટનાઓ નોંધી હતી. આ સંખ્યા વર્ષ 2023માં વધીને 59 પર પહોંચી ગઈ હતી. જેમાં બાળકોનું અપહરણ અને તસ્કરી જેવા ગુના પણ સામેલ હતા. જે દત્તક લેવાની આડમાં આચરવામાં આવ્યા હતા.

કેપીએઆઈએ હાથ ધરેલા કેસોમાંથી એક વર્ષ 2024નો છે. જેમાં ડેપોક, પશ્ચિમ જાવા તથા બાલી જેવાં સ્થળોએ બાળકને વેચવાના મુદ્દે એક શખ્સને પકડવામાં આવ્યો હતો.

આઈ રહમાયંતીએ જણાવ્યું કે આ બાળકોને અલગ-અલગ ભાવે વેચવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું, “જાવામાં બાળકોની કિંમત 11થી 15 લાખ (ઇન્ડોનેશિયાના રૂપિયા) વચ્ચેની હતી. જ્યારે બાલીમાં આ આંકડો 20થી 26 લાખ (ઇન્ડોનેશિયાના રૂપિયા) સુધી પહોંચી ગયો હતો. બાળકનાં શારીરિક બંધારણ સહિતની બાબતોમાં કિંમતનું નિર્ધારણ થાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here