[ad_1]

-
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા
-
યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ મોતની સજા આપવાની હતી, જે હાલ મોકૂફ રખાઈ છે.
બીબીસીને આ માહિતી તેમને બચાવવા માટે અભિયાન ચલાવી રહેલા લોકોએ આપી છે.
નિમિષા પ્રિયા પહેલા ભારતીય નથી, જેમને કોઈ બીજા દેશમાં મૃત્યુની સજાનો સામનો કરવો પડે છે.
માર્ચ 2025માં ભારત સરકારે સંસદને જણાવેલું કે દુનિયાના આઠ દેશમાં કુલ 49 ભારતીય નાગરિકોને મૃત્યુની સજા સંભળાવાઈ છે. તેમાંથી એકલા સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)માં 25 ભારતીયને આ સજા આપવામાં આવી છે.
નિમિષા પ્રિયાનો કેસ
યમનમાં હૂતી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં રહેતાં કેરળનાં પ્રશિક્ષિત નર્સ નિમિષા પ્રિયાને મોતની સજા સંભળાવાઈ છે.
આ કેસ ભારતમાં ચર્ચા અને રાજદ્વારી પ્રયાસોનો વિષય બન્યો છે.
નિમિષા પ્રિયા 2008માં યમનની રાજધાની સના ગયાં હતાં અને ત્યાંની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી કરવા લાગ્યાં.
તેમના પતિ ટોમી થૉમસ પણ 2012માં યમન ગયા, પરંતુ રોજગાર ન મળવાના કારણે 2014માં પોતાની પુત્રી સાથે તેઓ કોચ્ચિ પાછા આવી ગયા.
ત્યાર પછી નિમિષાએ એક ક્લિનિક ખોલવાનો નિર્ણય કર્યો અને સ્થાનિક વેપારી તલાલ અબ્દો મહદીને પોતાના પાર્ટનર બનાવ્યા.
આરોપ છે કે, નિમિષાએ મહદીને નશાયુક્ત ઇન્જેક્શન આપીને મારી નાખ્યા.
2020માં એક સ્થાનિક અદાલતે તેમને મૃત્યુની સજા સંભળાવી. તેમના પરિવારે આ ચુકાદાને યમનની સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, પરંતુ 2023માં તેમની અરજી રદ કરી દેવામાં આવી.
જાન્યુઆરી 2024માં હૂતી બળવાખોરોની સુપ્રીમ પૉલિટિકલ કાઉન્સિલના અધ્યક્ષ મહદી અલ-મશાતે તેમની ફાંસીને મંજૂરી આપી દીધી.
યુએઇમાં ભારતીયોના મૃત્યુદંડ સાથે સંકળાયેલા કેસ

- શહજાદી (બાંદા, યુપી)
- વ્યવસાય: ઘરેલુ સહાયક
- આરોપ: ચાર મહિનાના બાળકની હત્યા
- ધરપકડ: 10 ફેબ્રુઆરી 2023
- સજા: 31 જુલાઈ 2023એ મૃત્યુની સજા સંભળાવવામાં આવી. ફેબ્રુઆરી 2025માં ફાંસી આપવામાં આવી.
શહજાદી ડિસેમ્બર 2021માં અબુ ધાબી ગયાં હતાં. તેઓ ઑગસ્ટ 2022થી ત્યાં ઘરેલુ સહાયક તરીકે કામ કરતાં હતાં. તેમના પર ચાર મહિનાના બાળકની હત્યાનો આરોપ હતો, જેની સારસંભાળની જવાબદારી તેમના પર હતી.
શહજાદીના સંબંધીઓ અનુસાર, ચાર મહિનાના એ બાળકનું મૃત્યુ ખોટી રસી અપાયાના કારણે થયું હતું. તેમની દલીલ છે કે, તેથી આ બાબતે પહેલાં કોઈ કેસ કરવામાં નહોતો આવ્યો; પરંતુ લગભગ બે મહિના પછી, બાળકના ઘરના લોકોએ આ બાબતે કેસ કરી દીધો, જેના કારણે શહજાદી ફસાઈ ગયાં.
શહજાદીના પિતા શબ્બીર અનુસાર, તેમની પુત્રી 15 ડિસેમ્બર 2021એ અબુ ધાબી ગઈ હતી. 7 ડિસેમ્બર 2022એ જે બાળકની તે સારસંભાળ રાખતી હતી તેનું મૃત્યુ થઈ ગયું. પછી 10 ફેબ્રુઆરી 2023એ કેસ કરી દેવામાં આવ્યો.
જ્યારે શહજાદી જેલમાં બંધ હતાં ત્યારે બીબીસીએ આ અંગે મૃતક બાળકના પિતા ફૈઝ અહમદનો સંપર્ક કર્યો હતો.
મૃતકના પિતાએ જવાબમાં લખ્યું હતું, “શહજાદીએ મારા પુત્રને નિર્દયતાથી અને જાણીજોઈને માર્યો અને તે યુએઇના અધિકારીઓની તપાસમાં સાબિત થઈ ચૂક્યું છે. એક પિતા તરીકે હું મીડિયાને વિનંતી કરું છું કે તેઓ અમારી પીડાને સમજે.”
બીજી તરફ, શહજાદીના પિતાનો આરોપ હતો કે તેમની પુત્રીને ફસાવવામાં આવી.

- મોહમ્મદ રિનાશ (થાલાસ્સેરી, કેરળ)
- વ્યવસાય: ટ્રાવેલ એજન્ટ
- આરોપ: અરબી સહકર્મીની તીક્ષ્ણ હથિયારથી હત્યા
- સજા: 15 ફેબ્રુઆરી 2025એ ફાંસી
રિનાશ યુએઇમાં ટ્રાવેલ એજન્ટ હતા. તેઓ 2021થી એલ એન શહેરમાં કામ કરતા હતા. તેમને અરબી નાગરિક અબ્દુલ્લા જિયાદ અલ રાશિદની હત્યાના આરોપમાં સજા થઈ હતી.
કહેવાય છે કે, રિનાશ અને અબ્દુલ્લા વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો. બંને એક જ ટ્રાવેલ એજન્સીમાં કામ કરતા હતા. આ ઝઘડામાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી. ત્યાર પછી રિનાશ કેટલાંક વર્ષ એલ એનની જેલમાં પણ હતા.
- પીવી મુરલીધરન (કાસરગોડ, કેરળ)
- વ્યવસાય: ડ્રાઇવર
- આરોપ: 2009માં હત્યા અને મૃતદેહને રણમાં દફનાવવો
- સજા: 15 ફેબ્રુઆરી 2025એ ફાંસી
કેરળના કાસરગોડના મુરલીધરનને ભારતના મુઇદ્દીનની હત્યાના કેસમાં યુએઇમાં ફાંસી આપવામાં આવી. મુરલીધરન 2006થી એલ એનમાં ડ્રાઇવર હતા, જ્યાં તેમના પિતા પણ કામ કરતા હતા. તેમના પર 2009માં મુઇદ્દીનની હત્યા કરી મૃતદેહને રણમાં દફનાવવાનો આરોપ થયો હતો. 14 ફેબ્રુઆરીએ મુરલીધરને છેલ્લી વાર ઘરે ફોન કરીને સજાની જાણ કરાઈ હતી.
સાઉદી અરબમાં પણ ભારતીયોને મૃત્યુની સજા થઈ છે
- અબ્દુલ કાદિર અબ્દુર્રહમાન (પલક્કડ, કેરળ)
- ઉંમર: 63 વર્ષ
- આરોપ: સાઉદી નાગરિક યુસુફ બિન અબ્દુલ અઝીઝની હત્યા
- સજા: ઑગસ્ટ 2024
આ ઘટના 2021ની છે. અબ્દુર્રહમાન પર આરોપ હતો કે ઝઘડો થયા પછી ત્યાંના એક નાગરિક પર હુમલો કર્યો, જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું.
2024માં સાઉદી અરબે કુલ 101 લોકોને મૃત્યુની સજા આપી હતી, જેમાં ત્રણ ભારતીય સામેલ હતા.
વિશ્વમાં મૃત્યુદંડની સંખ્યા
ઇમેજ સ્રોત, Getty Images
એમનેસ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, 2024માં 1,518 લોકોને ફાંસી આપવામાં આવી, જે 2023ની સરખામણીએ 32 ટકા વધુ છે. આ સંખ્યા 2015 પછી સૌથી વધારે છે.
સૌથી વધુ મૃત્યુદંડ ઈરાન (ઓછામાં ઓછા 972)માં થયો, જેમાં 30 મહિલાઓ હતી. સાઉદી અરબમાં 345 અને ઇરાકમાં 63 લોકોને ફાંસી આપવામાં આવી.
ચીન, વિયતનામ અને દક્ષિણ કોરિયાના આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ત્યાં મૃત્યુદંડ સામાન્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link










