[ad_1]
ઇમેજ સ્રોત, Karnataka police/ANI
-
- લેેખક, ગીતા પાંડે અને ઇમરાન કુરેશી
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ કર્ણાટકની એક ગુફામાંથી એક રશિયન મહિલા અને તેમનાં બે બાળકો મળી આવ્યાં પછી પોલીસ તેમના ગુમ થવા પાછળનું રહસ્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ગોવાની સરહદ નજીક ગોકર્ણના જંગલમાં રામતીર્થની ટેકરીઓ પાસે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે નીના કુટિના નામનાં રશિયન મહિલા મળી આવ્યાં અને પોલીસે તેમને બચાવી લીધાં હતાં.
40 વર્ષીય નીના કુટુનાની સાથે તેમની પાંચ અને છ વર્ષની બે દીકરી પણ હતી. તેમની પાસે ભારતમાં રહેવા માટેના યોગ્ય ડૉક્યુમેન્ટ્સ નથી. તેમને બૅંગલુરુ નજીક એક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં તેમને રશિયા પાછાં મોકલવાના પ્રયાસો ચાલુ છે.
એએનઆઈને આપેલી મુલાકાતમાં નીના કુટિનાએ પોતાની જીવનશૈલીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પોતાની દીકરીઓ સાથે એક ગુફામાં ખુશીથી રહેતાં હતાં. તેમણે કહ્યું કે કુદરતે તેમને સારું આરોગ્ય આપ્યું છે.
તેઓ ત્રણેય મળી આવ્યાં તેના એક સપ્તાહ પછી તેઓ જંગલમાં કેવી રીતે પહોંચ્યાં, સાપ અને બીજાં જીવજંતુઓ વચ્ચે કેવી રીતે રહ્યાં અને કેટલા સમયથી ત્યાં હતાં તેના વિશે કેટલીક માહિતી મળી છે.
પોલીસ જ્યારે ગુફામાં ગઈ ત્યારે શું જોવા મળ્યું?
ઇમેજ સ્રોત, Karnataka police
જિલ્લા એસપી એમ નારાયણે બીબીસીને જણાવ્યું કે આ વિસ્તાર વિદેશી પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે. જોકે, ચોમાસાની સિઝનમાં અહીં ઘણા સાપ જોવા મળે છે, ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. પર્યટકોની સુરક્ષા માટે અમે પાછલાં કેટલાંક વર્ષોથી પોલીસ સાથે પેટ્રોલિંગ કરીએ છીએ.
પેટ્રોલિંગ ટીમના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ જ્યારે પહાડ પરથી નીચે ઊતર્યા તો તેમને એક ગુફાની બહાર રંગબેરંગી કપડાં લટકતાં જોવાં મળ્યાં. ત્યાં તેમને એક ગુફામાંથી રશિયન મહિલા અને બે બાળકો મળી આવ્યાં હતાં.
પોલીસ ગુફા નજીક પહોંચી તો ગુફાના પ્રવેશદ્વાર પર રંગબેરંગી સાડીઓ પડદાની જેમ લટકતી જોવા મળી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “એક નાની બાળકી દોડીને બહાર આવી. પેટ્રોલિંગ ટીમ અંદર ગઈ તો તેમને નીના કુટિના અને બીજી એક નાની બાળકી મળી.”
તેમની પાસે બહુ ઓછો સામાન હતો. તેમાં પ્લાસ્ટિકનું એક પાથરણું, કપડાં, નૂડલ્સનાં પૅકેટ અને બીજું કરિયાણું હતું. ગુફામાં પાણી પણ આવતું હતું.
બીબીસીએ ગુફામાં પ્રવેશ્યા પછી પોલીસે બનાવેલા વીડિયોનો જોયો. તેમાં રંગીન કપડાં પહેરેલાં બે બાળકો કૅમેરા સામે જોઈને હસતાં હતાં.
એસપી નારાયણે કહ્યું કે “મહિલા અને બાળકો બહુ સહજ જણાતાં હતાં. અહીં રહેવું કેટલું ખતરનાક હોઈ શકે છે તે તેમને સમજાવવામાં થોડો સમય લાગ્યો.”
પોલીસે જ્યારે તેમને જણાવ્યું કે ત્યાં સાપ અને બીજા ખતરનાક વન્યજીઓ હોઈ શકે છે, ત્યારે નીના કુટિનાએ પોલીસને કહ્યું કે “પ્રાણી અને સાપ અમારા મિત્રો છે. માનવી ખતરો છે.”
કુટિના અને તેમનાં બાળકોને બચાવ્યાં પછી પોલીસ તેમને હૉસ્પિટલે લઈ ગઈ. ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
ગુફામાં રહેતાં રશિયા મહિલા નીના કુટિના કોણ છે?
ઇમેજ સ્રોત, ANI
નીના કુટિના એક રશિયન મહિલા છે. એક વિદેશી પ્રાદેશિક રજિસ્ટ્રેશન ઑફિસરે બીબીસીને જણાવ્યું કે તમામ ઔપચારિકતા પૂરી થયા પછી તેમને ઘરે પાછાં મોકલી દેવાશે.
નીના કુટિનાએ સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે તેમનો જન્મ રશિયામાં થયો હતો, પરંતુ તેઓ ત્યાં 15 વર્ષ કરતાં વધારે સમયથી નથી રહ્યાં. આ દરમિયાન તેમણે કોસ્ટા રિકા, મલેશિયા, બાલી, થાઇલૅન્ડ, નેપાળ અને યુક્રેન સહિત અનેક દેશનો પ્રવાસ કર્યો છે.
તેમણે બે સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે તેમને કુલ ચાર બાળકો છે જેમની ઉંમર પાંચથી 20 વર્ષ વચ્ચે છે. તેમના સૌથી મોટા પુત્રનું ગયા વર્ષે ગોવામાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે તેમનો 11 વર્ષીય બીજો દીકરો હાલમાં રશિયામાં છે. તેમણે વાણિજ્ય દૂતાવાસને આ માહિતી આપી છે.
એફઆરઆરઓના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ચેન્નાઈસ્થિત રશિયન વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કર્યો છે. તેમણે દિલ્હીસ્થિત રશિયન દૂતાવાસને પણ પત્ર લખ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો.
જોકે, એફઆરઆરઓએ મંગળવારે રાતે બંને છોકરીઓના પિતાની ઓળખ કરી લીધી હતી.
તેનું નામ ડ્રોર ગોલ્ડસ્ટીન છે અને તે એક ઇઝરાયલી વેપારી છે.
એફઆરઆરઓના એક અધિકારીએ કહ્યું કે તે હાલમાં ભારતમાં છે અને નીના કુટિના તથા તેનાં બે બાળકોને રશિયા પાછાં મોકલવા માટે જરૂરી રકમ ચૂકવવા તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.
ગોલ્ડસ્ટીને એનડીટીવીને જણાવ્યું કે કુટિના તેમને કહ્યા વગર ગોવા છોડીને જતાં રહ્યાં હતા. તેમણે કુટિના ગુમ થયાં તે વિશે ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તેમણે કહ્યું કે તેઓ પોતાની બંને દીકરીઓને પોતાની પાસે રાખવા માગે છે અને તેમને રશિયા પાછી મોકલાતી અટકાવવા માટે તમામ પ્રયાસ કરશે.
રશિયન મહિલા નીના કુટિના કર્ણાટકના ગોકર્ણ ક્યારે આવ્યાં?
ઇમેજ સ્રોત, Karnataka police
નીના કુટિના અને તેમની દીકરીઓ ગોકર્ણ નજીકનાં જંગલોમાં કેવી રીતે પહોંચ્યાં તે સ્પષ્ટ નથી.
પોલીસે જણાવ્યું કે નીનાએ તેમને કહ્યું કે તેઓ એક અઠવાડિયાથી ગુફામાં રહેતાં હતાં. તેમણે કહ્યું કે એક અઠવાડિયા અગાઉ તેમણે ગુફા નજીકના એક ગામમાંથી નૂડલ્સ, કેટલાંક શાકભાજી અને કેટલુંક કરિયાણું ખરીદ્યાં હતાં.
જોકે, તેમણે કહ્યું કે તેઓ ગોવાથી ગોકર્ણ આવ્યાં અને ગુફામાં રહેતાં હતાં, પરંતુ નીના કુટિનાનું કહેવું છે કે તેમની એક દીકરીનો જન્મ ગુફામાં થયો હતો.
પીટીઆઈને આપેલી એક મુલાકાતમાં તેમણે બૅંગલુરુના ડિટેન્શન સેન્ટર સામે વાંધો ઉઠાવ્યો હતો જ્યાં તેમને રખાયાં છે. તેમણે કહ્યું કે, “આ એક જેલ જેવી જગ્યા છે.”
તેમણે કહ્યું, “અમે એક સારી જગ્યાએ રહેતા હતા, પરંતુ હવે અમે એકલા નથી રહી શકતા. બહાર પણ નથી જઈ શકતા. અહીં બહુ ગંદકી છે. પૂરતું ભોજન પણ નથી.”
નીના કુટિના ભારત ક્યારે અને કેવી રીતે આવ્યાં તે સ્પષ્ટ નથી.
તેમણે પોલીસને જણાવ્યું કે તેમનો પાસપૉર્ટ ખોવાઈ ગયો છે. જોકે, પોલીસને એક જૂનો, એક્સપાયર થઈ ગયેલો પાસપૉર્ટ મળ્યો છે.
તેઓ 18 ઑક્ટોબર 2016થી 17 એપ્રિલ 2017 સુધી વેલિડ બિઝનેસ વિઝા પર ભારત આવ્યાં હતાં એવું લાગે છે.
જોકે, વિઝાનો સમયગાળો પૂરા થયા પછી પણ તેઓ ભારતમાં જ રહ્યાં. એક વર્ષ પછી ગોવાસ્થિત એફઆરઆરઓએ તેમને દેશ છોડવા માટે એક્ઝિટ પરમિટ જારી કરી દીધી.
તેમના પાસપૉર્ટ પર લાગેલા ઇમિગ્રેશન સ્ટેમ્પ મુજબ નીના કુટિના 19 એપ્રિલ 2018ના રોજ નેપાળ ગયાં અને ત્રણ મહિના પછી દેશ છોડી દીધો.
ત્યાર પછી તેઓ ક્યાં ગયા તે સ્પષ્ટ નથી. એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે ઓછામાં ઓછા 20 દેશોનો પ્રવાસ કર્યો છે.
તેમણે કહ્યું કે “2018માં ભારત છોડ્યા પછી મેં ચાર દેશોનો પ્રવાસ કર્યો હતો.”
ત્યાર પછી તેઓ ભારત ક્યારે આવ્યાં તે સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક રિપોર્ટ મુજબ તેઓ ફેબ્રુઆરી 2020માં આવ્યાં હતાં. તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, “અસલમાં અમે ભારતને પ્રેમ કરીએ છીએ.”
તેમના વિઝા એક્સપાયર થઈ ગયા છે તે વાત તેમણે સ્વીકારી હતી.
નીનાએ કહ્યું કે, “અમારી પાસે અહીં રહેવાના વેલિડ વિઝા નથી. તેની અવધિ પૂરી થઈ ગઈ છે.”
તેમણે કહ્યું કે તેમણે વિઝાનો વિચાર ન કર્યો, કારણ કે તેઓ પોતાના મૃત દીકરા વિશે વિચારીને દુખી હતા.
રશિયન મહિલા રહેતાં એ ગુફા કેવી હતી?
ઇમેજ સ્રોત, x.com/PTI_News
નીના કુટિના અને તેમની દીકરીઓ જે ગુફામાં રહેતાં હતાં ત્યાં પાંડુરંગની એક મૂર્તિ છે. તેના પરથી લાગે છે કે તેઓ ધ્યાન અને આધ્યાત્મિક જીવન જીવવા માટે ગુફામાં ગયાં હશે.
જોકે, એએનઆઈને આપેલી મુલાકાતમાં તેમણે આ વાતનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, “આ આધ્યાત્મિકતાની વાત નથી. અમે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ, કારણ કે તે આપણને આરોગ્ય આપે છે. તે બહુ આરોગ્યપ્રદ હોય છે. તે ઘર જેવું નથી.”
તેમણે કહ્યું કે, “કુદરતના ખોળા જેવા જંગલમાં રહેવું એ મારા માટે એક શાનદાર અનુભવ હતો.”
તેમણે કહ્યું કે તેમની દીકરીઓ અહીં ખુશ અને સ્વસ્થ છે.
તેમણે એએનઆઈને જણાવ્યું કે, “અમે મરી નથી રહ્યાં. હું મારાં બાળકોને જંગલમાં મરવા નહોતી લાવી. તેઓ બહુ ખુશ છે. તેઓ ઝરણામાં તરતાં હતાં. ત્યાં રાતે સૂવા માટે બહુ સારી જગ્યા છે. અમે માટીની આકૃતિઓ બનાવી. અમે રંગબેરંગી ચિત્રો બનાવ્યાં. અમે સારું ખાવાનું ખાધું. મેં સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું.”
જંગલમાં રહેવાથી બાળકો માટે જોખમ પેદા થઈ શકે તે વાતને તેમણે નકારી કાઢી હતી.
નીનાએ કહ્યું કે, “અમે ત્યાં રહેતાં હતાં ત્યારે કેટલાક સાપ જોયા હતા, પરંતુ આ ગામડાનાં ઘર, કિચન અને શૌચાલયમાં ક્યારેક સાપ જોવા મળે એવું હતું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link










