Home Gujarati ગુજરાત : 75 વર્ષીય મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને 19 કરોડ રૂપિયા...

ગુજરાત : 75 વર્ષીય મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને 19 કરોડ રૂપિયા પડાવ્યા, કેવી રીતે છેતરપિંડી થઈ?

16
0

[ad_1]

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, (પ્રતીકાત્મક તસ્વીર)

શું ક્યારેક તમને કે તમારા કોઈ સગાને કોઈ મૅસેજ આવે છે જેમ કે – ‘તમારું નામ ED પાસે છે,’ ‘તમારો મોબાઇલ નંબર આજે જ બંધ થઈ જશે,’ કે પછી ‘તમે એક મોટા ગુનામાં સંડોવાયેલા છો’.

જો આ પ્રકારના મૅસેજ આવ્યા હોય તો ચેતી જજો, કારણ કે હાલમાં જ આ પ્રકારના કૉલ થકી ગાંધીનગરનાં એક સિનિયર તબીબ સાથે 19 કરોડથી વધુ રકમની છેતરપિંડી થઈ છે.

છેતરપિંડી કરનાર લોકોએ આ માટે નકલી લેટરપૅડ, ફોટોશૉપ કરેલાં ડૉક્યુમેન્ટ્સ અને વીડિયો કૉલનો ઉપયોગ કર્યો હતો.

19 કરોડ રૂપિયાથી વધુ પડાવાયા

ગુજરાતના સાયબર ક્રાઇમ વિભાગ પાસે તાજેતરમાં ડિજિટલ અરેસ્ટ થકી ઠગાઈનો એક કેસ સામે આવ્યો છે, જેમાં આશરે 75 વર્ષનાં એક મહિલા તબીબ પાસેથી રૂ.19.24 કરોડથી વધુ રકમ પડાવી લેવામાં આવી છે.

ટેકનોલૉજી અને કેસનો ડર બતાવીને છેતરપિંડી આચરવામાં આવી છે.

જુલાઈ 16, 2025ના રોજ આ મહિલાએ ગાંધીનગરની સાયબર ક્રાઇમ યુનિટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે માર્ચ 15મીથી તેઓ સતત ‘ડિજિટલ અરેસ્ટ’ હતાં અને ઠગોના એક પછી એક જાળમાં ફસાતાં ગયાં હતાં.

શું થયું આ કેસમાં? શું એક મોટું સાયબર સ્કૅમ બહાર આવ્યું છે?

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી, સાયબર સ્કૅમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકારત્મક તસ્વીર

પોલીસે ફરિયાદીની ઓળખ છતી કરી નથી, પરંતુ જાણકારો પ્રમાણે તેઓ ગાંધીનગરનાં એક સિનિયર ડૉક્ટર છે અને તેમની બે દીકરીઓ હાલમાં અમેરિકામાં વસવાટ કરે છે.

છેલ્લા લગભગ ત્રણ મહિનાથી તેમની વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલય (ઈડી), FEMA અને PMLA જેવા ખતરનાક કાયદા હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી લેવાની ધમકી આપવામાં આવી રહી હતી. જોકે જ્યાં સુધી તેમને ખબર પડે કે આ તમામ ધમકીઓ ખોટી હતી, ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું, અને તેમના પૈસા જતા રહ્યા હતા.

રાજ્યની સીઆઈડી ક્રાઇમે આપેલી માહિતી પ્રમાણે આ કેસમાં જે લોકોએ ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે તેમણે સરકારના અલગ-અલગ હોદ્દા પર કામ કરતા હોવાનો દાવો કર્યો હતો.

જેમ કે એક વ્યક્તિએ પોતાનું નામ જ્યોતિ વિશ્વનાથ જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનમાં કામ કરે છે. મોહનસિંહ નામની એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે ગણાવી હતી, દીપક સૈની અને વેંકટેશ્વર નામની વ્યક્તિઓએ પોતે પબ્લિક પ્રૉસિક્યુટર છે તેવું જણાવ્યું હતું, જ્યારે પવનકુમાર નામની એક વ્યક્તિએ પોતે સરકારી નોટરી ઑફિસર છે તેવી ઓળખ બતાવી હતી.

આ ખોટી ઓળખ આપી આરોપીઓ વૉટ્સઍપ કૉલ, મૅસેજ અને વીડિયો કૉલથી ફરિયાદીને ડરાવી રહ્યા હતા.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, એ લોકોએ તેમને કહ્યું હતું કે, “તમારા નામે સ્ટૅન્ડિંગ ઑફેન્સિવ મૅસેજ ફરે છે, અને માટે તેમની સામે FIR થશે તથા તમારો મોબાઇલ બંધ થશે.”

કેવી રીતે કર્યાં તેમને ડિજિટલ અરેસ્ટ

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી, સાયબર સ્કૅમ

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે બીબીસી ગુજરાતીએ રાજ્યની સીઆઈડી ક્રાઇમના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ધર્મેન્દ્ર શર્મા સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “આરોપીઓ પાસે માત્ર એક જ હથિયાર હતું અને તે હતું ફરિયાદીનો ડર. આરોપીઓ ફરિયાદીને સતત ડરાવતા રહ્યા હતા, માટે તેમણે પોતાના પરિવારજનો કે મિત્રોને પણ કોઈ વાત ન કરી.”

પોલીસનું માનવું છે કે, “એ ડરને કારણે ફરિયાદી ડિજિટલ અરેસ્ટ થઈ ગયાં હતાં.”

પોલીસ પ્રમાણે, “ફરિયાદીને વધુ ને વધુ ડરાવવા માટે આરોપીઓએ માત્ર મૅસેજ નહીં, ફેક ડૉક્યુમેન્ટ, નકલી નોટિસ અને ફ્રીઝિંગ સર્ટિફિકેટ જેવા સાચા દેખાતા પત્રો, ડિરેક્ટોરેટ ઑફ ઍન્ફોર્સમેન્ટના સિક્કા સાથે મોકલ્યા હતા.”

આરોપીઓએ ફરિયાદીને માનસિક રીતે હતાશ અને તળાવયુક્ત કરી દીધા હતા, માટે તેઓ કોઈની સાથે આ વિશે વાત પણ નહોતાં કરતાં.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, માર્ચ મહિનાથી જુલાઈ મહિના દરમિયાન વારંવાર કૉલ, તેમજ વીડિયો કૉલ કરી તમામ આરોપીઓએ ફરિયાદીના તમામ મોબાઇલ નંબર બંધ થશે તેવું જણાવી તેમના મોબાઇલથી સ્ટેન્ડિંગ ઑફેન્સિવ મૅસેજ જાહેરમાં વારંવાર પોસ્ટ થાય છે, તેમ કહી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવી પડશે તેમ કહીને તેમનો આધારકાર્ડ નંબર મેળવી લીધો હતો.

આરોપીઓએ તેમની સામે FEMA, PMLA વગેરે જેવા કાયદાઓ હેઠળ તેમની પર ફરિયાદ નોંધવાનું જણાવ્યું હતું.

કેવી રીતે પડાવ્યા રૂપિયા?

ગુજરાત, ગાંધીનગર, ડિજિટલ અરેસ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સીઆઈડી ક્રાઇમના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ધર્મેન્દ્ર શર્મા જણાવે છે કે, “આ બધું ડરને કારણે થયું છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધ્યું છે કે, આરોપીઓ તેમને કહેતા હતા કે સિવિલ ડ્રેસમાં લોકો તેમની પર નજર રાખી રહ્યા છે, માટે ફરિયાદીએ કોઈને કંઈ જ કહ્યું ન હતું.”

“સૌથી પહેલાં આરોપીઓએ સંપત્તિની માહિતી માગી, પછી એ સંપત્તિને વેચી કે ગિરવી મૂકીને તેની રકમ અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું.”

આ માટે તેમણે પોતાની ફિક્સ ડિપૉઝિટ તોડાવી, ઘરના અને લૉકરના સોના પર લોન લીધી, શૅર વેચ્યા, તેમજ પોતાની બચતમાંથી પણ રકમ આપી. માર્ચથી જુલાઈ દરમિયાન ફરિયાદીએ કુલ રૂ. 19,24,41,541ની રકમ આરોપીઓના ખાતા નંબરમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

આરોપીઓએ કહ્યું હતું કે તેમની પર ચાલી રહેલી તપાસ જ્યારે પૂરી થશે, ત્યારે આ પૈસા તેમને પાછા મળી જશે.

આ બધું ઇન્ડસઇંડ બૅન્કના મુરલીધર મૅન્યુફેક્ચરિંગ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવાયું. પોલીસે આ અંગે તપાસ કરતા આ ખાતું સુરતના રહેવાસી લાલજી બદલાણિયા નામની વ્યક્તિનું છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બલદાણિયા એ સાયબર ફ્રૉડ સાથે નોઇડાની એક હોટલમાં મુલાકાત કરી હતી, જેમાં તેમના ખાતામાં પૈસા લેવા માટે તેમને કમિશન પેટે રકમ ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું.

તેમના ખાતામાં એક કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલમાં બલદાણિયાની પૂછપરછ ચાલુ છે અને પોલીસનું માનવું છે કે, ટૂંક સમયમાં ગૅંગના બીજા સભ્યોને પણ તેઓ પકડી પાડશે.

કેવી રીતે કામ કરે છે “ડિજિટલ અરેસ્ટ ગૅંગ”

પોલીસ પ્રમાણે આ એક નવું “ટ્રેન્ડિંગ ફ્રૉડ મૉડલ” છે, જેમાં આરોપી પીડિતના સીધા સંપર્કમાં આવ્યા વગર તેમને ડરાવીને માનસિક રીતે કમજોર કરીને, તેમને પોતાની વાત માનવા મજબૂર કરે છે.

શર્માના અનુભવ પ્રમાણે આમ તો આ પ્રકારના ગુનાનો ભોગ લગભગ બધી જ ઉંમરના લોકો બને છે, પરંતુ મોટા ભાગના લોકો 50ની ઉંમર વટાવી ચૂકેલા જોવા મળ્યા છે. તેઓ સ્માર્ટ ફોન સાથે, નવી ટેકનોલૉજી સાથે હજુ સુધી સારી રીતે વાકેફ હોતા નથી, તેમને ખબર નથી હોતી કે ડિજિટલ વર્લ્ડ શું છે. ફોનમાં આવેલી દરેક વાત, મૅસેજ વગેરે પર તેઓ સહેલાઈથી વિશ્વાસ કરી લેતા હોય છે, માટે આ ઉંમરના લોકો સૌથી વધારે ભોગ બને છે.

જો તમારી પર આવો કોઈ મૅસેજ આવે તો તમે શું કરશો?

ફ્રૉડમાં ફસાયાં ગાંધીનગરનાં મહિલા ડૉક્ટર, ગુજરાત, બીબીસી ગુજરાતી, સાયબર સ્કૅમ

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસ પ્રમાણે જો કોઈની પર આ પ્રકારનો વૉટ્સઍપ કૉલ આવે અને સામેવાળી વ્યક્તિ કહે કે, ‘ઈડીમાંથી બોલું છું’ તો તેવા કૉલ પર વિશ્વાસ કરવો નહીં.

તેઓ કહે છે, “તેમની પાસે તમારી થોડી ઘણી માહિતી હોય છે અને તે માહિતીને આધારે તેઓ અંધારામાં તીર મારીને તમારાથી બીજી માહિતી, ખાસ તો નાણાકીય માહિતી કઢાવે છે. આરોપીઓ તમારા પર્સનલ ડેટા વિશે વાત કરે. આ રીતે આરોપીઓ એક પછી એક તમારા ધૈર્ય અને દિમાગને કબજામાં લે છે અને તમને ‘ડિજિટલ રીતે નજરકેદ’ કરી દે છે.”

તપાસ અને ધરપકડ: શું છે મોડસ ઑપરેન્ડી?

આ કેસનાં ફરિયાદીએ જ્યારે 19 કરોડ રૂપિયાની રકમ આરોપીઓને ચૂકવી દીધી, ત્યાર બાદ તેમના પર ફોન આવવાના બંધ થઈ ગયા હતા.

શર્મા કહે છે કે, “જ્યાં સુધી ફ્રૉડસ્ટરને ખબર છે કે તમારી પાસે પૈસા છે, ત્યાં સુધી જ તેઓ તમારી પાછળ રહેશે, જ્યારે તમારા પૈસા પૂરા થઈ જશે તો કૉલ બંધ થઈ જશે. આ કેસમાં પણ આવું જ થયું છે.”

જોકે ત્યાર બાદ ફરિયાદીને શંકા થઈ અને તેમણે સાયબર ક્રાઇમની 1930 હૅલ્પલાઇન પર કૉલ કર્યો, ગુજરાત સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી.

આવું કંઈ થાય તો શું કરવું જોઈએ?

ધર્મેન્દ્ર શર્મા કહે છે કે, “સૌથી પહેલાં તો જો આવું કોઈની સાથે થઈ રહ્યું હોય તો તેમણે પરિવારના સભ્યો કે મિત્રો કે પછી પોલીસ સાથે વાત કરવી જોઈએ. ભોગ બનનાર વ્યક્તિ જ્યાં સુધી કહેશે નહીં, ત્યાં સુધી તેઓ સુરક્ષિત નથી. જો કહેશે, તો તેનો રસ્તો નીકળી શકશે.”

તેમણે જણાવ્યું કે, “ફેક કૉલ્સને બ્લૉક કરવા જોઈએ, કોઈ વૉટ્સઍપ નંબરથી પોલીસ ઑફિસર કે કોઈ પણ સરકારી અધિકારીની ઓળખાણ આપે તો તેને સારી રીતે ચકાસો, સત્તાવાર વેબસાઇટ જોઈને ખાતરી કરવી જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here