Home Gujarati ગુજરાતઃ TET-TAT પાસ યુવાનો નોકરી માટે ટળવળે છે ત્યારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો...

ગુજરાતઃ TET-TAT પાસ યુવાનો નોકરી માટે ટળવળે છે ત્યારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદ કેમ થયો?

14
0

[ad_1]

ગુજરાત, ટેટ-ટાટ, શિક્ષકોનો વિરોધ, બીબીસી ગુજરાતી

“શિક્ષત બેરોજગારો નોકરી માટે ભીખ માંગી રહ્યા છે અને સરકાર મહિને 60 હજાર રૂપિયાનું પેન્શન મેળવતા નિવૃત્ત શિક્ષકોને નોકરી આપવા માંગે છે. આ માટેનો પરિપત્ર બહાર પાડ્યો તેનો અર્થ એવો કે સરકાર ખુદ માને છે કે જગ્યાઓ ખાલી છે. પરંતુ સરકાર આ જગ્યાઓ કાયમી શિક્ષકોથી ભરવા માંગતી નથી.”

આ શબ્દો છે જીજ્ઞેશ આચાર્યના જેઓ બીએડ કર્યા બાદ છેલ્લાં 10 વર્ષથી નોકરી માટે રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન આપીને શિક્ષક તરીકે રાખવાની વાત કરવામાં આવી હતી. તેના કારણે શિક્ષક બનવાની લાયકાત ધરાવતા યુવાન ઉમેદવારોમાં રોષ છે જેમણે જુદી જુદી પરીક્ષાઓ પાસ કરી છે, પરંતુ હજુ કાયમી નોકરી નથી મળી.

જીજ્ઞેશ પ્રજાપતિ અને તેમની સાથે કેટલાય TET (ટીચર એલિજિબિલિટી ટૅસ્ટ) અને TAT (ટીસર્સ એપ્ટિટ્યુડ ટૅસ્ટ) પાસ વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે નિવૃત્ત શિક્ષકોની નિમણૂકનો વિરોધ કર્યો હતો અને હાલની ભરતી પ્રક્રિયા વિશે પણ સવાલો ઉઠાવ્યા હતા.

નિવૃત્ત શિક્ષકોને નોકરી પર રાખવાનો પરિપત્ર શું હતો?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષકની નોકરીની રાહ જોતા ઉમેદવારો એકત્ર થયા હતા

ગુજરાત સરકારે 25 જુલાઈએ એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતને નોકરી લેવાની વાત હતી.

પરિપત્રમાં જણાવાયું હતું કે જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે, ત્યાં જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કર્યા પછી જગ્યાઓ વધે તો ત્યાં નિવૃત શિક્ષકો (ઉંમર 58 થી 62 વર્ષ સુધી)ને નોકરી આપવામાં આવે.

જ્ઞાન સહાયકને જે માનદ વેતન આપવામાં આવે છે, તેટલું વેતન નિવૃત્ત શિક્ષકને ચુકવવાની પણ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. ગુજરાતમાં જ્ઞાનસહાયકોને મહિને 21 હજારથી 26 હજાર રૂપિયા સુધી માનદ વેતન આપવામાં આવે છે.

ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવાનોએ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી છે અને કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન પર રાખવાની વાત આવતા તેમનામાં રોષ ફેલાયો હતો.

વીડિયો કૅપ્શન, Gujarat TET-TAT Protest : ‘પહેલાં પરીક્ષા માટે અને હવે ભરતી માટે આંદોલન’ વિદ્યાર્થીઓ શું બોલ્યા?

પરિપત્ર કેમ રદ કરવો પડ્યો?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન પર રાખવાનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે.

સરકારના પરિપત્રનો નોકરીવાંચ્છુક ઉમેદવારો તેમજ શિક્ષણ સંઘ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા માત્ર ત્રણ દિવસની અંદર, 28 જુલાઈ, સોમવારે સરકાર પરિપત્ર રદ કરવો પડ્યો હતો.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે નિવૃત્ત શિક્ષકોને રાખવાનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર કોના કહેવાથી બહાર પાડવામાં આવ્યો હતો તે સવાલના જવાબમાં પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “કોઈપણ નિર્ણય થાય તેમાં વિભાગના અમે બધા જ લોકો સાથે હોઈએ છીએ.”

ભરતી પ્રક્રિયા સામે ઉમેદવારોમાં નારાજગી

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

દરમિયાન શિક્ષકની નોકરી ઇચ્છતા ઉમેદવારોનું કહેવું છે કે એક તરફ તેમની ઉંમર વધતી જાય છે અને બીજી તરફ સરકાર ભરતી પ્રક્રિયા પૂરી કરતી નથી.

ગાંધીનગર ખાતે રજૂઆત કરવા આવેલા રવિ પટેલે બીબીસીને જણાવ્યું કે, “મેં 2018માં બીએડનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સરકાર ટેટ અને ટાટની પરીક્ષા યોજી રહી ન હતી.”

તેઓ કહે છે, “સૌથી પહેલાં અમારે પરીક્ષા માટે આંદોલન કરવું પડ્યું હતું. ત્યાર બાદ સરકારે વર્ષ 2023માં ટેટ અને ટાટની પરીક્ષા લીધી હતી. પરીક્ષા લીધા બાદ બે વર્ષ થયાં, પરંતુ હજુ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નથી આવી. અમારી ઉંમર વધી રહી છે. શાળાઓમાં જગ્યાઓ ખાલી છે અને અમે બેરોજગાર છીએ.”

રવિ પટેલે જણાવ્યું કે, “અત્યારે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં એક ઉમેદવારનું બે જગ્યાએ સિલેક્શન થયું છે. ઉમેદવાર ધોરણ 9 અને 10ની શાળામાં પણ પસંદ થયા છે અને 11 અને 12 ધોરણની શાળામાં પણ પસંદગી પામ્યા છે. તે એક જગ્યા પર નોકરી કરી શકશે તો તેની એક જગ્યા ખાલી પડવાની છે. આવી 2500 કરતાં વધારે બેઠકો ખાલી રહેશે.”

તેમની ફરિયાદ છે કે, “વધતી વયના કારણે અમારા પર સામાજિક દબાણ પણ છે. સરકારે આ જગ્યાઓ માટે ફરીથી રાઉન્ડ બહાર પાડીને ભરતી કરવી જોઈએ.”

નિવૃત્ત શિક્ષકોની ભરતીના મામલે રવિએ કહ્યું કે, “દેશમાં જ નહીં, પરંતુ દુનિયામાં આ એવી પહેલી સરકાર હશે જે 58 વર્ષના નિવૃત્તોની ભરતી કરશે. દરેક ઉમેદવાર એક પરિવારનો આધાર હોય છે. તેથી એક પણ સીટ વેડફાય નહીં તે રીતે ભરતી થવી જોઈએ.”

સરકારે નિર્ણયનો કઈ રીતે બચાવ કર્યો?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, રિટાયર્ડ શિક્ષકોને માનદ વેતન પર નોકરીએ રાખવાના પરિપત્રનો યુવા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કર્યો છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ટેકનિકલ કારણોથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુસર પ્રક્રિયામાં 15 દિવસથી એક મહિનો મોડું થયું છે. આ દરમિયાન બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે આ નિર્ણય લેવાયો હતો.”

તેમણે કહ્યું કે, “સરકારે જેટલા ઉમેદવારોની ભરતીની જાહેરાત કરી છે તેનાથી એક પણ શિક્ષક ઓછા નહીં લેવાય. ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં તેમજ જ્યાંથી બદલી થઈ હોય તેવી શાળાઓમાં શિક્ષકોની બદલે વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને લેવાના હતા. પરંતુ આ પરિપત્ર અંગે ઉમેદવારોના મનમાં શંકા હતી. તેથી અમે પરિપત્ર રદ કર્યો છે.”

ભરતી પ્રક્રિયાનો આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિક્ષકોની ઘટ પૂરી કરવા ગુજરાત સરકારે માર્ચ મહિનામાં 10 હજાર વિદ્યાસહાયકોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો

શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ 9થી 12 સુધીની શિક્ષકની ભરતીમાં ટાટની પરીક્ષા પાસ કરવાની હોય છે. ધોરણ 9થી 10 અને ધોરણ 11થી 12 માટે અલગ ભરતી થાય છે. કેટલાક ઉમેદવારો ધોરણ 9-10 અને ધોરણ 11-12 બંનેના મેરિટમાં આવ્યા છે. તેઓ કોઈ એક જગ્યાએ નોકરી સ્વીકારી શકશે તેથી એક જગ્યા ખાલી રહેશે.

ઉમેદવારોની માંગણી છે કે આ ખાલી પડેલી જગ્યાઓની સંખ્યા વધારે છે. તેથી ભરતી પ્રક્રિયાનો બીજો રાઉન્ડ રાખીને ભરતી કરવામાં આવે.

જીજ્ઞેશ આચાર્ય નામના એક ઉમેદવારે જણાવ્યું કે, “સરકાર 20 ટકા વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાનું કહે છે. પરંતુ અમારી માંગણી છે કે સરકાર બીજો રાઉન્ડ બહાર પાડે. કારણ કે ભરતી પ્રક્રિયામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ 20 ટકા કરતા ખૂબ જ વધારે છે.”

તેમણે કહ્યું કે, “ધોરણ 9થી 12ની ભરતીમાં 3500 જગ્યાઓ ખાલી હોવાની માહિતી મળી છે. અમે શિક્ષણ વિભાગ પાસે માહિતી માંગી છે પરંતુ કોઈ માહિતી મળી નથી. કેટલા ઉમેદવારો હાજર કે ગેરહાજર છે તે અંગેની માહિતી અમને મળવી જોઈએ.”

તેમણે જણાવ્યું કે, “સરકાર ધોરણ 1થી 8 માં ઑફલાઇન ભરતી કરે છે. પરંતુ ધોરણ 9થી 12માં ઑનલાઇન ભરતી કરે છે તેની સામે વાંધો છે.”

અન્ય એક ઉમેદવાર વૈશાલી મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “કઈ જગ્યાઓ ખાલી છે તે અંગે અમે જવાબ માગ્યા, પરંતુ અધિકારીઓ પાસે તેના જવાબ નથી. તેમને રાઉન્ડ આપવો જ નથી. અમે વારંવાર રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓ કહે છે કે 20 ટકા બેઠકોનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. હકીકતમાં 20 ટકા કરતાં વધારે જગ્યા ખાલી રહે છે. તેથી અમે બીજા રાઉન્ડની માગણી કરી રહ્યા છીએ. જેથી અમને નોકરી મળે અને શાળાઓને કાયમી શિક્ષક મળી જાય.”

ગોપી પ્રજાપતિ પણ એવા એક ઉમેદવાર છે જેઓ સરકારની કામગીરીથી નારાજ છે.

તેઓ કહે છે, “અમે છેક મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ. મારે દોઢ વર્ષનું બાળક છે, જેને ઘરે મૂકીને અમે વારંવાર અમારા મુદ્દાઓ અંગે રજૂઆત કરવા માટે આવીએ છીએ. પરંતુ અમારી વાત સાંભળવામાં આવતી નથી. હવે અમે થાકી ગયા છીએ.”

તેઓ કહે છે, “મે વર્ષ 2018માં બીએડનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી ટેટ અને ટાટની પરીક્ષા લેવાય તે માટે આંદોલન કર્યું. પરીક્ષા પાસ કરી. પછી ભરતી માટે આંદોલન કર્યું. પોલીસનો માર ખાધો, છતાં સમસ્યાનો અંત નથી આવ્યો.”

“અમે નોકરીની રાહ જોઈ રહ્યા છીએ. જે જગ્યાઓ પર શિક્ષકો હાજર થયા નથી તે જગ્યાઓ ભરવા માટે સરકાર બીજો રાઉન્ડ જાહેર કરે તો કેટલાય ઉમેદવારોને નોકરી મળશે અને વિદ્યાર્થીઓને કાયમી શિક્ષક મળશે.”

કૈલાસ પ્રજાપતિ નામના ઉમેદવારની ફરિયાદ છે કે, “વિધાનસભાની એક બેઠક પણ ખાલી પડે તો તેના માટે ચૂંટણી યોજાય છે. શાળાઓમાં શિક્ષકોની આટલી મોટી ઘટ છે તો કેમ ભરતી કરવામાં આવતી નથી?”

શિક્ષકોની ભરતી વિશે સરકાર શું કહે છે?

બીબીસી ગુજરાતી ગુજરાત શિક્ષણ શિક્ષક ભરતી ટેટ ટાટ ઉમેદવાર સરકારી નોકરી શાળા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઔદ્યોગિક રીતે આગળ પડતા રાજ્ય ગુજરાતમાં શિક્ષકોની મોટી ઘટ છે (પ્રતીકાત્મક તસવીર)

આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “સરકારે નક્કી કરેલી શિક્ષકોની તમામ જગ્યા પર ભરતી કરવામાં આવશે.”

તેમણે સ્વીકાર્યું હતું કે હાલની ભરતી પ્રક્રિયામાં જગ્યાઓ ખાલી પડી છે.

તેમણે કહ્યું કે, “કેટલીક જગ્યાએ અમને ઉમેદવારો મળ્યા નથી. તેના માટે વિચારણા કરીને નિયમ મુજબ નિર્ણય લેવાશે. પરંતુ તેમાં એક-બે મહિના જેટલો સમય લાગે. તેથી નિવૃત્ત શિક્ષકોને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. “

શિક્ષણ વિભાગના જૉઇન્ટ ડાયરેક્ટર સોનલ પઢેરીયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “નિયમો મુજબ જ ભરતી પ્રક્રિયા થઈ રહી છે. એક વાર દરેક જિલ્લામાં ઑર્ડર અપાઈ જાય અને શિક્ષકો હાજર થઈ જાય, ત્યાર પછી કેટલા લોકો હાજર નથી થયા અને કેટલી જગ્યાઓ ખાલી છે તેનો આંકડો મળશે. અમે નિયમ મુજબ 20 ટકા બેઠકો પર વેઇટિંગ લિસ્ટ બહાર પાડીશું. આ ઉપરાંત વધારાની જગ્યાઓ ખાલી હશે તો આંકડો મળ્યા પછી ભરતી સમિતિ સાથે ચર્ચા કરીશું.”

સોનલ પઢેરીયાએ જણાવ્યું કે, “ઉમેદવારો અવારનવાર રજૂઆત માટે આવે છે. અમે તેમને સાંભળીએ છીએ. મે ઑનલાઇન પારદર્શક ભરતી કરી રહ્યા છીએ અને વધુમાં વધુ ઉમેદવારોને નોકરી મળે તેવું ઇચ્છીએ છીએ.”

શિક્ષણ વિભાગે આપેલા આંકડા પ્રમાણે ધોરણ 11-12માં કુલ 4758 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. જેમાં સરકારી શાળાઓમાં 1515 નિમણૂક પત્ર અપાયા છે, ગ્રાન્ટ-ઇન-એઇડમાં 3243 ઉમેદવારોને ઍપૉઇન્ટમેન્ટ લેટર મળ્યા છે.

ધોરણ 9-10માં કુલ 4642 ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા છે. જેમાંથી સરકારી શાળામાં 1298 અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં 3344 શિક્ષકોને નિમણૂક અપાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here