[ad_1]
ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
-
- લેેખક, યોલાંદ નેલ
- પદ, મધ્યપૂર્વ સંવાદદાતા, જેરુસલેમથી
-
બીબીસી ગાઝામાંથી રિપોર્ટિંગ માટે જે વિશ્વાસપાત્ર પત્રકારો ઉપર આધાર રાખે છે, એમાંથી ત્રણે જણાવ્યું છે કે તેઓ પોતાના પરિવારનું પેટ ભરવામાં અસમર્થ છે. ઘણી વખત તેમણે બે દિવસ કે એથી વધુ સમય સુધી કશું ખાધા વગર રહેવું પડે છે.
આ પત્રકારોએ કપરી પરિસ્થિતિમાં પણ કૅમેરાને ચાલુ રાખીને બીબીસીને જરૂરી વીડિયો મોકલ્યા.
નજીકના પરિવારજનનું મૃત્યુ થયું હોય, ઘર તારાજ થઈ ગયું હોય કે પછી ઇઝરાયલની સૈન્યકાર્યવાહીથી બચવા માટે પોતાના પરિવારજનો સાથે સ્થળાંતરણ કરવું પડ્યું હોય, આ પત્રકારોએ તેમનું કામ છોડ્યું નહીં.
આમાંથી એક પત્રકાર અગાઉ રિપોર્ટિંગ અસાઇન્મેન્ટ દરમિયાન ઇઝરાયલના બૉમ્બમારામાં ઘાયલ થઈ ગયા હતા.
એવું કહેવાય રહ્યું છે કે ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (જીએચએફ) દ્વારા જે ભોજનવિતરણ કરવામાં આવી રહ્યું છે, એ બહુ થોડા લોકો સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે ત્યાં ભૂખમરાની પરિસ્થિતિ ચાલુ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિત અનેક સહાયસંસ્થાઓનું કહેવું છે કે જીએચએફની સહાય વિતરણવ્યવસ્થા યોગ્ય નથી.
તેમનો આરોપ છે કે જે લોકો ભોજનવિતરણ કેન્દ્ર પર મદદ લેવા આવે છે, તેમની ઉપર ઇઝરાયલનાં સુરક્ષાબળો દ્વારા ગોળીબાર કરવામાં આવે છે.
જોકે, ઇઝરાયલનું કહેવું છે કે હમાસ અહીંથી ભોજન તથા અન્ય સહાયસામગ્રીને લૂંટીને તેને ઊંચાભાવે વેચે છે તથા ઇઝરાયલને બદનામ કરે છે.
ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ, 100થી વધુ સહાયતા સંગઠનો અને માનવાધિકાર સમૂહોએ બુધવારે કહ્યું હતું કે ગાઝામાં મોટાપાયે ભૂખમરો ફેલાઈ રહ્યો છે.
ગાઝાનો ભૂખમરો દેખાડનારા જ ભૂખથી પીડિત
ઇમેજ સ્રોત, Majdi Fathi/NurPhoto via Getty Images
બીબીસી માટે રિપોર્ટિંગ કરતી વેળાએ ઘાયલ થયેલા પત્રકારે કહ્યું કે આ તેમનાં જીવનનો સૌથી કપરો સમય છે.
આંતરરાષ્ટ્રીય ખાદ્યનિષ્ણાતોએ ગાઝાની પરિસ્થિતિને હજુ સુધી ઔપચારિક રીતે ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર નથી કરી, પરંતુ આતંરરાષ્ટ્રીય એજન્સીઓએ ચેતવણી આપી છે કે ત્યાં ખૂબ જ ઝડપભેર ભૂખમરો ફેલાઈ રહ્યો છે અને તે ‘માનવસર્જિત’ છે.
આંતરરાષ્ટ્રીય ખાદ્યનિષ્ણાતોના કહેવાએ વર્તમાન પરિસ્થિતિ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. કારણ કે તે પેલેસ્ટાઇનના વિસ્તારોમાં જતાં ખાદ્યપુરવઠાને નિયંત્રિત કરે છે.
જે પત્રકારોએ જણાવ્યું કે તેમનો પરિવાર ભૂખમરા સામે ઝઝૂમી રહ્યો છે. તેમની સુરક્ષા માટે બીબીસીએ તેમની ઓળખ જાહેર ન કરવાની વાત પર સહમતિ દર્શાવી છે.
આ પત્રકારોનું કહેવું છે કે સૌથી વધુ દુ:ખની વાત તો એ છે કે તેઓ પોતાનાં નાનાં અને સૌથી અસહાય બાળકો માટે ભોજનની વ્યવસ્થા નથી કરી શકતા.
ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે ગાઝા સિટીમાં કામ કરનારા કૅમેરામૅન ચાર બાળકોના પિતા છે. તેમનું કહેવું છે, “મારો દીકરો ઑટિઝમ સામે ઝઝૂમી રહ્યો છે. આજુબાજુમાં જે કંઈ બની રહ્યું છે, તેનાથી તે અજાણ છે. તે બોલતો નથી અને તેને એ પણ ખબર નથી કે અમે યુદ્ધમાં ફસાયેલા છીએ.”
તેમણે જણાવ્યું, “તાજેતરના સમયમાં તે એટલો બધો ભૂખ્યો થઈ ગયો હતો કે પેટ થપથપાવીને અમને ઇશારો કરે છે કે તેને ભોજન જોઈએ છે.”
દક્ષિણ ગાઝામાં બીબીસીના સૌથી યુવા સહયોગી તેમનાં માતા-પિતા અને ભાઈ-બહેનોની વચ્ચે એકમાત્ર કમાનાર સભ્ય છે.
તેઓ કહે છે, “મને સતત એ વાતની ચિંતા રહે છે કે પરિવાર માટે ભોજન ક્યાંથી લાવું? મારી 13 વર્ષની દીકરી વારંવાર ખાવા અને પાણી માગે છે, પરંતુ અમે તેના માટે કશું લાવી નથી શકતા. જે પાણી મળે છે, તે દૂષિત હોય છે.”
બીબીસી ન્યૂઝ ઉપરાંત એપી, એએફપી તથા રૉયટર્સ જેવી સમાચાર સંસ્થાઓ ઇઝરાયલના અધિકારીઓ સમક્ષ સતત માગ કરી રહ્યાં છે કે પત્રકારોને ગાઝામાં પ્રવેશવાની તથા બહાર નીકળવાની છૂટ આપવામાં આવે છે.
બીબીસી તથા અન્ય મીડિયા સંગઠનોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું કે તેઓ ગાઝામાં કામ કરનારા ફ્રિલાન્સ પત્રકારોની પરિસ્થિતિ અંગે ‘ગંભીરપણે ચિંતિત’ છે.
નિવેદનમાં જણાવાયું હતું, “છેલ્લા કેટલાક સમયથી સ્વતંત્ર પત્રકારો જ ગાઝામાં સમગ્ર વિશ્વની આંખો અને કાન બનેલાં છે. તેઓ ગાઝાની ધરાતલ ઉપરની વાસ્તવિકતા દેખાડી રહ્યાં છે, પરંતુ હવે તેમણે કઠોર પરિસ્થિતિનો સમાનો કરી રહ્યા છે, જેનું તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા છે.”
‘માંડ એક સ્ટોરી કરી શકું છું, ચક્કર આવે છે’

ગાઝા સિટીમાં બીબીસી માટે કામ કરનારા વરિષ્ઠ પત્રકાર તેમનાં માતા, બહેનો તથા બેથી લઈને 16 વર્ષની ઉંમરનાં પાંચ સંતાનોની સંભાળ લે છે.
તેઓ કહે છે, “મને હંમેશા થાક લાગે છે અને ચક્કર આવે છે. હું ઘણીવખત જમીન ઉપર ફસડાઈ જાવ છું. ગત 21 મહિનામાં મારું વજન 30 કિલો ઘટી ગયું છે.”
તેઓ કહે છે, “પહેલાં હું ખૂબ જ ઝડપભેર રિપોર્ટિંગ કરી શકતો હતો, પરંતુ હવે મારી નાદુરસ્ત તબિયત અને માનસિક સ્થિતિને કારણે ખૂબ જ ધીમો થઈ ગયો છું. મને હંમેશા ભ્રમ અને થાક અનુભવાય છે.”
દક્ષિણ ગાઝામાં કામ કરનારા બીબીસીના કૅમેરામૅનના કહેવા પ્રમાણે, “મને શું અનુભવાય છે, તેનું હું શબ્દોમાં વર્ણન નથી કરી શકતો. મારા પેટમાં મરોડ આવે છે, માથામાં દુ:ખાવો થાય છે અને શરીર નબળું પડી ગયું છું. શરીર એકદમ સૂકાઈ ગયું છે.”
“પહેલાં હું સવારે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત કામ કરી શકતો હતો, પરંતુ હવે માંડ એક સ્ટોરી કરી શકું છું. હંમેશા ચક્કર આવે છે.”
તાજેતરમાં જ શૂટિંગ દરમિયાન બેભાન થઈ ગયો હતો, પરંતુ પછી ઊભો થઈને કામ કરવા લાગ્યો હતો. પહેલાં જે લોકોને બહારથી પગાર મળતો હતો, તેઓ ઊંચી કિંમતે પણ બજારમાંથી સામાન ખરીદી શકતા હતા, પરંતુ હવે સ્થાનિક બજારો લગભગ ખાલી થઈ ગયાં છે.
ગાઝામાં કામ કરનારા પત્રકાર તથા ચાર બાળકોના પિતાનું કહેવું છે, “હવે હું સખાવતી રસોડામાંથી ખાવાનું લાવું છું. મારાં બાળકોને દિવસમાં એક જ વાર ખાવાનું મળે છે. જેમ કે દાળ, ભાત કે પાસ્તા.”
ઇમેજ સ્રોત, Getty Images
બે પત્રકારોનું કહેવું છે કે તેમણે ભૂખનું દમન કરવા મીઠાવાળું પાણી પીવાનું શરૂ કરી દીધું છે.
એકે જણાવ્યું કે તેઓ ક્યારેક-ક્યારેક 50 ગ્રામ બિસ્કિટ ખરીદે છે, જે તેમને લગભગ રૂ. 650માં પડે છે. ગાઝામાં પૈસાની લેવડદેવડ તથા કાઢવાની પ્રક્રિયા મની મર્ચન્ટ્સ મારફત થાય છે.
એક કૅમેરામૅનના કહેવા પ્રમાણે, “મને રોકડ રકમ નથી મળતી. જ્યારે મળે, ત્યારે 45 ડૉલર ચૂકવવા પડે છે, મતલબ કે મારે એક હજાર ડૉલર કાઢવા હોય, તો માત્ર 550 ડૉલર જ મને મળે છે. આ સમગ્ર પ્રક્રિયા થકવી દેનારી છે. હવે તો બધા દુકાનદાર રોકડ રકમ જ માગે છે.”
બીબીસી માટે દક્ષિણ ગાઝામાં કામ કરનારા એક પત્રકારના કહેવા પ્રમાણે, “બૅન્ક બંધ હોવાને કારણે કૅશ ટ્રાન્સફરની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલી ભરી બની ગઈ છે.”
અગાઉ ઇઝરાયલ દ્વારા માન્યતા પ્રાપ્ત બીબીસી પત્રકારો ગાઝાની મુસાફરી કરી શકતા હતા. આ વ્યવસ્થા યુદ્ધ દરમિયાન પણ ચાલુ રહેવા પામી હતી.
તા. સાતમી ઑક્ટોબરના સંઘર્ષ શરૂ થયા બાદ ઇઝરાયલ તથા ઇજિપ્ત (જ્યારે રફાહ ક્રૉસિંગ ખુલ્લું હતું) એ પછી વિદેશી પત્રકારોને ગાઝામાં સ્વતંત્ર રીતે જવા દેવામાં નથી આવતા.
માત્ર ઇઝરાયલની સેના સાથે રહીને મર્યાદિત રિપોર્ટિંગ કરી થઈ રહ્યું છે.
બીબીસી તથા અન્ય સંગઠનોએ ફરી અપીલ કરી છે કે ગાઝામાં પત્રકારોની અવરજવરને મંજૂરી આપવામાં આવે.
બીબીસીના એક સહયોગીએ જણાવ્યું, “હાલ ત્યાં સંપૂર્ણપણે તારાજી પ્રવર્તી રહી છે, દરેક ઘર સુધી ભૂખમરો પહોંચી ગયો છે. આ મોતની સજા જેવી સ્થિતિ છે, જેને હાલમાં ટાળી દેવામાં આવી હોય.”
‘લોકો હરતી-ફરતી લાશ બની ગયા છે’
ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રની પેલેસ્ટાઇન શરણાર્થી એજન્સીનું (યુએનઆરડબલ્યૂએ) કહેવું છે કે ગાઝા સિટીમાં દર પાંચમાંથી એક બાળક કુપોષણથી પીડિત છે તથા આ પ્રકારના કેસોની સંખ્યા સતત વધી રહી છે.
સંસ્થાના કમિશનર-જનરલ ફિલિપ લાજારિનીએ ગુરૂવારે એક નિવેદન બહાર પાડીને પોતાના એક સહયોગીને ટાંકતા કહ્યું હતું કે ‘ગાઝામાં લોકો ન તો જીવતાં છે કે ન તો મૃત. તેઓ હરતી-ફરતી લાશો જેવા થઈ ગયા છે.’
અનેક આંતરરાષ્ટ્રીય રાહત સંગઠનો તથા માનવાધિકાર જૂથોએ મોટાપાયે ભૂખમરાની ચેતવણી ઉચ્ચારી છે તથા સરકારોને તત્કાળ કાર્યવાહી કરવા અપીલ કરી છે.
ગાઝામાં જતી તમામ સપ્લાઈની ઍન્ટ્રીને નિયંત્રિત કરવા અંગે ઇઝરાયલનું કહેવું છે કે તેણે ત્યાં કોઈ ઘેરાબંધી નથી કરી. ગાઝામાં કુપોષણની પરિસ્થિતિ માટે તે હમાસને જવાબદાર જણાવે છે.
યુએનના માનવાધિકાર કાર્યાલયણા કહેવા પ્રમાણે, ગત બે મહિના દરમિયાન ખાવાનું પ્રયાસ કરી રહેલા લગભગ એક હજાર કરતાં વધુ પેલેસ્ટાઇનવાસીઓનાં ઇઝરાયલી હુમલામાં મૃત્યુ થયાં છે.
એમાંથી ઓછામાં ઓછા 766 લોકોનાં મૃત્યુ જીએચએફ દ્વારા સંચાલિત ચાર વિતરણકેન્દ્ર પાસે થયાં હતાં.
આ સિવાય 288 લોકોનાં મૃત્યુ સંયુક્ત રાષ્ટ્ર તથા અન્ય સહાયતા કેન્દ્રો પરના હુમલામાં થયાં.
જીએચએફનો આરોપ છે કે સંયુકત રાષ્ટ્ર દ્વારા ગાઝામાં હમાસનિયંત્રિત આરોગ્ય મંત્રાલયના “ખોટા આંકડા”નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link










