[ad_1]
ઇમેજ સ્રોત, Rajwinder Singh/BBC
પ્રેમ અને વિશ્વાસઘાત આ બે શબ્દો આપણે વારંવાર સાંભળતા રહીએ છીએ, પરંતુ આ કથા દિલ તૂટવાની નહીં, પણ લોકોને કૅનેડા મોકલવાના નામે દેખાડવામાં આવેલા સપના તૂટવાની છે.
આ કથાનું મુખ્ય પાત્ર હરપ્રીતકોર છે. હરપ્રીતે કથિત રીતે એક નહીં, પરંતુ બાર-બાર યુવાનો સાથે કૅનેડા બોલાવવાનું સપનું દેખાડીને છેતરપિંડી કરી હતી.
પોલીસે આ ઘટનામાં હરપ્રીતકોરનાં માતા સુખદર્શનકોર અને ભાઈઓ મનપ્રીતસિંહ તથા અશોકકુમારની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપી હરપ્રીતકોર હજુ પણ કૅનેડામાં જ છે.
પોલીસનો દાવો છે કે આ છેતરપિંડીનો શિકાર બનેલા 12 યુવાનોની ઓળખ થઈ ચૂકી છે. પીડિતો સાથે કથિત રીતે રૂ. 1.60 કરોડથી વધારેની છેતરપિંડી કરાઈ છે.
પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ, કૅનેડામાં વસવાટની ઇચ્છા ધરાવતા એક યુવાને હરપ્રીત પર છેતરપિંડીનો આરોપ મૂક્યો ત્યારે આ ઘટના બહાર આવી હતી. એ યુવકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, એ યુવકની ફરિયાદની તપાસ આગળ વધી ત્યારે જાણવા મળ્યું હતું કે હરપ્રીત તથા તેમના પરિવારે આવા યુવાનો સાથે કુલ રૂ. 1.60 કરોડથી વધારેની છેતરપિંડી કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે હરપ્રીતકોરનાં માતા બીમારી, છોકરીની ફી અને યુવાનોને ફરવા લઈ જવાને બહાને તેમની પાસેથી પૈસા લેતા હતાં.
યુવાનોને વચન અપાયું કે તેમનાં લગ્ન કરાવશે અને કૅનેડા લઈ જશે
પંજાબ પોલીસના જણાવ્યા મુજબ, લુધિયાણા અને આસપાસના વિસ્તારોના ઓછામાં ઓછા 12 યુવકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. હરપ્રીતનાં માતા પીડિત યુવકોના પરિવારોને જણાવતા હતાં કે તેમની દીકરી હરપ્રીતકોર કૅનેડામાં રહે છે.
હરપ્રીતનાં માતા એ યુવાનોને વચન આપતાં હતાં કે એ હરપ્રીતનાં લગ્ન તેમની સાથે કરાવશે અને પછી હરપ્રીત તેમને કૅનેડા લઈ જશે, પરંતુ તેના બદલામાં પીડિત યુવાનોનાં માતાપિતાએ પૈસા આપવા પડશે.
આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર હરજિતસિંહે જણાવ્યું હતું કે આરોપી વૈવાહિક જાહેરાતો મારફત તેમના શિકાર શોધતા હતા. અશોકકુમાર તેમાં વચેટિયાની ભૂમિકા ભજવતા હતા.
વૈવાહિક જાહેરાતો વિના પણ, તેઓ કૅનેડા જવા ઇચ્છતા યુવાનોની શોધ કરતા હતા.
હરજિતસિંહે જણાવ્યું હતું કે સંબંધ આગળ વધે એ પછી હરપ્રીતકોરના ફોટોગ્રાફ પર શુકન રાખીને સગાઈ કરવામાં આવતી હતી. સગાઈ પછી હરપ્રીત પીડિતો સાથે વાતચીત કરતી હતી.
હરપ્રીતનાં માતા પોતે વિધવા હોવાના અને દીકરીના અભ્યાસ માટે થતા ખર્ચ તથા કરજનો હવાલો આપીને યુવાનોના પરિવાર પાસે પૈસા માગતાં હતાં.
હરજિતસિંહે કહ્યું હતું, “પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસરની હતી. આરોપીઓએ યુવાનોને કૅનેડા લઈ જવાનાં સોગંદનામાં આપ્યાં હતાં. પૈસા હરપ્રીતના ભાઈ મનપ્રીતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ પીડિતોને બ્લૅન્ક ચેક્સ પણ આપ્યા હતા, જેથી પીડિતોએ તેમનો તરત વિશ્વાસ કરી લીધો હતો.”
કૅનેડા લઈ જવાને બહાને છેતરપિંડીની શરૂઆત કેવી રીતે થઈ?
ઇમેજ સ્રોત, Rajwinder Singh/BBC
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લુધિયાણાના દોરાહામાં નવા શિકારની શોધમાં હતા, પરંતુ તેઓ શિકારને શોધી શકે એ પહેલાં જ તેમની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
કેસ નોંધાવવાનું મુખ્ય કારણ હરપ્રીતનાં માતાની બેદરકારી હતી. તેમણે હરપ્રીતને મોકલવાનો એક મૅસેજ ભટિંડામાં રહેતા હરપ્રીતના મંગેતરને ભૂલથી મોકલ્યો હતો.
વાસ્તવમાં હરપ્રીતકોરની સગાઈ લુધિયાણા જિલ્લાના ફૈઝગઢ ગામના 27 વર્ષીય યુવક સાથે 10 જુલાઈએ થવાની હતી, પરંતુ ભટિંડામાં રહેતો હરપ્રીતનો જૂનો મંગેતર ત્યાં આવી પહોંચ્યો હતો.
હરપ્રીતને મોકલેલા મૅસેજમાં તેમનાં માતાએ ફૈઝગઢના રહેવાસી એક યુવાન સાથે સગાઈ કરવાની તથા પૈસા મળવાની વાત જણાવી હતી.
આરોપીઓ કોણ છે?
પોલીસના જણાવ્યા મુજબ, હરપ્રીતકોર લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્ટડી વિઝા પર કૅનેડા ગઈ હતી. એ હાલ કૅનેડાના સરે શહેરમાં રહે છે.
તપાસનીશ અધિકારી હરજિતસિંહે જણાવ્યું હતું કે હરપ્રીત કૅનેડા ગઈ ત્યારે પણ એક યુવાનના પરિવારે તેનો બધો ખર્ચ આપ્યો હતો. એ યુવાનને વચન આપવામાં આવ્યું હતું કે હરપ્રીતનાં લગ્ન તેની સાથે કરવામાં આવશે અને તેને કૅનેડા લઈ જવામાં આવશે.
હરપ્રીતનાં માતા સુખદર્શનકોર અને એક ભાઈ લુધિયાણાના જગરાઓમાં રહે છે, જ્યારે અશોકકુમાર લુધિયાણાના છપાર ગામમાં રહે છે.
હરજિતસિંહના જણાવ્યા અનુસાર, કોઈ યુવાન સાથે સંબંધની વાત કરતી વખતે અશોક ખુદને ક્યારેક છોકરીનો ભત્રીજો, ક્યારેક કાકા તો ક્યારેક મામા ગણાવતો હતો.
પોલીસે શું કાર્યવાહી કરી?
ઇમેજ સ્રોત, Getty Images
તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે સુખદર્શનકોર, મનપ્રીતસિંહ અને અશોકકુમારની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હરપ્રીતકોરની ધરપકડ થઈ શકી નથી, કારણ કે તે કૅનેડામાં છે.
આ મામલે દૌરાહા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 316 (2) (વિશ્વાસઘાત), 318 (4) (છેતરપિંડી) અને 61 (2) (ષડયંત્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દોરાહા પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર આકાશ દત્તે કહ્યું હતું, “અત્યાર સુધીમાં 12 પીડિતોનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે.”
હરપ્રીતકોર 2022માં કૅનેડા ગઈ હોવાનું અને ત્યાં અભ્યાસ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
’25 લાખની માગણી કરી, પણ 23 લાખમાં સોદો થયો’
જે વ્યક્તિએ આ છેતરપિંડી ઉઘાડી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમણે પોતાની જમીન વેચવી પડી છે.
તેમનું કહેવું છે કે તેમણે હરપ્રીતકોરનાં લગ્નની જાહેરાત અખબારમાં જોઈ હતી. એ પછી 2024ની 11 જુલાઈએ મોગાના એક ઢાબામાં વીડિયો કૉલ મારફત તેમણે હરપ્રીતકોર સાથે સગાઈ કરી હતી.
તેમના કહેવા મુજબ, સગાઈ પહેલાં આરોપીઓએ તેમની પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા. બે લાખ રૂપિયા નહીં આપો તો સગાઈ નહીં થાય એવું તેમને કહેવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “સગાઈ પછી મને કૅનેડા લઈ જવા માટે તેમણે રૂ. 25 લાખની માગણી કરી હતી, પરંતુ આખરે સોદો રૂ. 23 લાખમાં નક્કી થયો હતો. મેં હરપ્રીતકોરની ફીના સાડા છ લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. મેં આરોપીઓને અત્યાર સુધીમાં રૂ. 18 લાખ ચૂકવ્યા છે.”
તેમણે ઉમેર્યું હતું, “હું એક નાના ખેડૂત પરિવારનો સભ્ય છું. મારી પાસે લગભગ પાંચ એકર જમીન હતી, જેમાંથી બે એકર જમીન આરોપીઓને પૈસા આપવા માટે વેચવી પડી હતી.”
ઇમેજ સ્રોત, Getty Images
જશનદીપસિંહે જણાવ્યું હતું કે તેમનાં બહેન કૅનેડામાં રહે છે. તેમનાં માતાપિતાને કૅનેડાના વિઝા મળી ગયા છે. તેઓ ખુદ ઇટાલીથી પંજાબ આવ્યા છે અને કૅનેડા જવા માગે છે.
તેમણે કહ્યું હતું, “અમારો આખો પરિવાર કૅનેડા જવા ઇચ્છતો હતો. તેથી અમે કૅનેડામાં છોકરી શોધતા હતા. એ દરમિયાન અમારા કોઈ ઓળખીતાએ અમને હરપ્રીતકોર બાબતે જણાવ્યું હતું. સંબંધની વાત શરૂ થઈ ત્યારે છોકરીનાં માતાપિતાએ રૂ. 18 લાખની માગણી કરી હતી.”
તેમણે ઉમેર્યું હતું, “એક લાખ રૂપિયા અમે પહેલાં જ ચૂકવી દીધા હતા. ચાર લાખ સગાઈ પછી અને બાકીના પૈસા છોકરો કૅનેડા પહોંચે એ પછી ચૂકવવાના હતા. 10 જુલાઈએ સગાઈની તૈયારી ચાલી રહી હતી ત્યારે વાત બહાર આવી હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







