[ad_1]

-
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- X,
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતાં ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના ચૅરમૅન અને વાઇસ ચૅરમૅન તરીકે અનુક્રમે અશોકભાઈ ચૌધરી અને ગોરધનભાઈ ધામેલિયા ચૂંટાઈ આવ્યા છે.
આણંદ શહેરમાં અમૂલની મુખ્ય ઑફિસ ખાતે આ ચૂંટણી મંગળવારે યોજવામાં આવી હતી. અશોકભાઈ ચૌધરી ચૅરમૅનપદે અને ગોરધનભાઈ ધામેલિયા વાઇસ ચૅરમૅનપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા કારણકે તેમની સામે કોઈએ ઉમેદવારી નોંધાવી નહોતી.
અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરી તરીકે જાણીતા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચૅરમૅન છે. જ્યારે કે ગોરધનભાઈ ધામેલિયા ગોપાલ ડેરી તરીકે જાણીતા રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચૅરમૅન છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં કોઈ રાજકીય પક્ષોનાં ચિહ્નો પર ચૂંટણી યોજાતી નથી.
અમૂલના ચૅરમૅન અને વાઇસ ચૅરમૅન તરીકે અનુક્રમે શામળભાઈ પટેલ અને વલમજીભાઈ હુંબલનો અઢી-અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા આ ચૂંટણી યોજાઈ હતી.
શામળભાઈ પટેલ અને વાલમજીભાઈ હુંબલ આ હોદ્દાઓ પર પ્રથમ વખત વર્ષ 2020માં ચૂંટાયા હતા. તેમનો અઢી વર્ષનો કાર્યકાળ 2023માં પૂર્ણ થઈ ગયો હતો ત્યાર પછી તેઓ ફરીથી આ પદ પર ચૂંટાઈ આવ્યા હતા. આમ આ બંને અમૂલના ચૅરમૅનપદે અને વાઇસ ચૅરમૅનપદે કુલ પાંચ વર્ષ સુધી રહ્યા.
લગભગ 900 અબજ રૂપિયાનો કારોબાર કરતી અમૂલ ડેરીને હવે પાંચ વર્ષ પછી નવા ચૅરમૅન અને વાઇસ ચૅરમૅન મળ્યા છે. વાઇસ ચૅરમૅનપદે ચૂંટાયેલા ગોરધનભાઈ ધામેલિયા સૌરાષ્ટ્રના પહેલા સહકારી નેતા છે જેઓ અમૂલના મુખ્ય બે હોદ્દા પૈકી એક પર ચૂંટાઈ આવ્યા હોય.
અશોક ચૌધરીની સફર અને વિવાદ
ઇમેજ સ્રોત, Nachiket Mehta/BBC
અશોકભાઈ ચૌધરી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના વતની છે અને ખેડૂત પરિવારમાંથી આવે છે.
મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશ રાજગોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અશોકભાઈએ નાનપણમાં જ તેમના પિતા ગુમાવ્યા હતા છતાં તેમણે તેમની કારકિર્દીમાં અનેક સોપાનો સર કર્યા છે.
તેઓ કહે છે, “નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા છતાં અશોકભાઈએ ઉચ્ચાભ્યાસ કરીને સિવિલ એન્જિનિયરની ડિગ્રી મેળવી. તેમણે ખેતી, પશુપાલનની સાથે અન્ય વ્યાપાર ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. તેઓ હાલ ટ્રકની એક જાણીતી કંપનીના ડીલર પણ છે અને મહેસાણામાં ત્રણ કોલ્ડ સ્ટોરેજ પણ ચલાવે છે.”
અશોકભાઈ ચૌધરીએ રાજકારણમાં પણ સક્રિય રસ લેવાનું નાનપણથી જ શરૂ કર્યું હતું.
તેઓ શરૂઆતમાં ચિત્રાડીપુરા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખપદે ચૂંટાયા. ત્યારબાદ વર્ષ 2006માં તેઓ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. તેઓ બે વર્ષ સુધી પ્રમુખપદે રહ્યા હતા.
તેઓ ભાજપના મહેસાણા જિલ્લાના સંગઠનના મંત્રી પણ બન્યા. વર્ષ 2009માં તેઓ મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી બન્યા. તેઓ વર્ષ 2014માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર પણ બન્યા.
ઇમેજ સ્રોત, Ashokbhai Chaudhary
અશોકભાઈએ ડેરીના રાજકારણમાં પણ ઝંપલાવ્યું. વર્ષ 2016માં દૂધસાગર ડેરીમાં તેઓ ડાયરેક્ટર બન્યા. વર્ષ 2021માં તેઓ ફરીથી દૂધસાગર ડેરીમાં ડાયરેક્ટર બન્યા. તે જ વર્ષે તેઓ દૂધસાગર ડેરીના ચૅરમૅન પણ બન્યા. અઢી વર્ષનો કાર્યકાળ 2023માં પૂરો થતા તેઓ બીજી વાર પણ ચૅરમૅન ચૂંટાયા. અઢી વર્ષનો તેમનો બીજો કાર્યકાળ 2025ના ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે.
તેમનો મહેસાણા ડેરીના ચૅરમૅનપદનો અઢી વર્ષનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં જ પૂર્ણ થાય છે.
દૂધસાગર ડેરીના એક પદાધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “દૂધસાગર ડેરીનાં 60 વર્ષના ઇતિહાસમાં ખેડૂતોને ક્યારેય 6 કે સાત ટકાનો ભાવફેર નહોતો આપવામાં આવ્યો. અશોકભાઈ ચૅરમૅન બન્યા બાદ ખેડૂતોને 400 કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવવામાં આવ્યો છે. ટકાવારી જોઈએ તો તે 12થી 15 ટકાની આસપાસ થાય છે.”
ઇમેજ સ્રોત, Dudhsagar Dairy
જોકે, અશોકભાઈ ચૌધરી સાથે વિવાદો પણ જોડાયેલા છે.
દૂધસાગર ડેરીના વાઇસ ચૅરમૅન યોગેશ પટેલે ગત મહિને અશોકભાઈ ચૌધરી પર આરોપ લગાવ્યો હતો કે “તેમના ગેરવહિવટને કારણે દૂધસાગર ડેરીને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે.”
આ આરોપ બાદ યોગેશ પટેલે ગાંધીનગરના માણસા તાલુકાની ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ગોડાઉનમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં તેમણે મીડિયાના પ્રતિનિધિઓને દૂધના પાવડર ભરેલી થેલીઓ પર ઍક્સપાયરી ડેટ બતાવીને આરોપ લગાવ્યો હતો કે “આ બીજી એપ્રિલ, 2024ની ઍક્સપાયરી થયેલી થેલીઓ હજુ ગોડાઉનમાં પડેલી છે.”

મહેસાણા જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરે પણ અશોકભાઈ ચૌધરી સામે આક્ષેપ કરતાં કહ્યું હતું, “યોગેશ પટેલ દૂધસાગર ડેરીની મિટિંગમાં 11 મુદ્દાઓની એક યાદી લઈને ગયા હતા. તેમણે આ મામલે પ્રશ્નો પણ પૂછ્યા હતા.”
“યોગેશભાઈના પ્રશ્નો નહીં ગમ્યા અને તેથી ચૅરમૅને વાઇસ ચૅરમૅન એવા યોગેશભાઈને તમાચો મારી દીધો.”
બળદેવજી વધુમાં ઉમેરે છે કે “બીજે જ દિવસે યોગેશભાઈએ ચરાડાના ગોડાઉનમાં છાપો માર્યો અને કરોડો રૂપિયાની કિંમતના દૂધના પાઉડરની થેલીઓ ઍક્સપાયર થઈ ગઈ હોવાનું મીડિયાના પ્રતિનિધિઓને બતાવ્યું હતું. પછી એ પાઉડરનું શું થયું તે ખબર નથી.”
આ વિવાદ બાદ અશોકભાઈ ચૌધરીએ દાવો કર્યો હતો કે ચરાડાના ગોડાઉનમાં રાખવામાં આવેલો દૂધનો પાઉડર ઑક્ટોબર 2023માં બનાવવામાં આવ્યો હતો. તેના પર એપ્રિલ, 2025ની ઍક્સપાયરી ડેટ છાપવામાં આવી હતી.
તેમનો દાવો હતો કે દૂધનો પાઉડર 18 મહિના નહીં પરંતુ 24 મહિના સુધી ખાવા યોગ્ય રહે છે.
અમૂલમાં ઉત્તર ગુજરાતની ડેરીઓનો દબદબો
ઇમેજ સ્રોત, Banas Dairy
જીસીએમએમએફ એ ગુજરાત રાજ્યના 18 જિલ્લા કક્ષાના દૂધ સંઘોથી બનેલો એક મહાસંઘ છે. શ્વેતક્રાંતિના જનક તરીકે જેમને ઓળખાવાય છે તેવા વર્ગીસ કુરિયન 1973માં જીસીએમએમએફની સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપક ચૅરમમૅન બન્યા હતા.
તેઓ એક બિનરાજકીય વ્યક્તિ તરીકે તે હોદ્દા પર 2006 સુધી રહ્યા હતા. 2006 પછી ચૂંટણી લડતા સહકારી આગેવાનો આ હોદ્દા પર ચૂંટાતા આવ્યા છે.
2006માં બનાસ ડેરીના ચૅરમૅન પરથીભાઈ ભટોળ અમૂલના ચૅરમૅન ચૂંટાયા હતા. ત્યાર બાદ દૂધસાગરના વિપુલ ચૌધરી, સાબર ડેરીના જેઠાભાઇ પટેલ અને શામળભાઈ પટેલ તેમજ આણંદની અમૂલ ડેરીના રામસિંહ પરમાર જેવા લોકો જીસીએમએમએફના ચૅરમૅન તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે.
બનાસ, દૂધસાગર, સાબર અને અમૂલ વેપારની દૃષ્ટિએ ગુજરાતના સૌથી મોટા દૂધ સંઘો છે અને હજુ સુધી તેમના ચૅરમૅનો જ જીસીએમએમએફના ચૅરમૅન તરીકે ચૂંટાયા છે.
2015માં જીસીએમએમએફના કાયદાઓમાં સુધારા કરી વાઇસ ચૅરમૅનનો નવો હોદ્દો ઉમેરવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીના પ્રમુખ જેઠાભાઇ ભરવાડ 2015માં જીસીએમએમએફના પ્રથમ વાઇસ ચૅરમૅન ચૂંટયા હતા. 2020માં તેમનો કાર્યકાળ પૂરો થતા કચ્છ જિલ્લાની સરહદ ડેરીના પ્રમુખ વાલમજીભાઈ હુંબલ તે હોદ્દા પર ચૂંટાયા હતા.
અમૂલના ફેડરેશનમાં ચૂંટાનારા સૌરાષ્ટ્રના પહેલા નેતા ગોરધનભાઈ
ઇમેજ સ્રોત, Gordhanbhai Dhameliya
ગુજરાતમાં જિલ્લા કક્ષાના 18 દૂધ સંઘોના ચૅરમૅનો જીસીએમએમએફની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. વળી, કોઈ એક સંઘ પાસે કેટલા મત છે તેની ગણતરી તે સંઘ જીસીએમએમએફ સાથે કેટલો વ્યાપાર કરે છે તેના પર નિર્ભર રહે છે.
સંઘ આ પ્રકારનો વ્યાપાર, ફેડરેશનને દૂધ મોકલીને કે સંઘ પાસેથી દૂધ અથવા દૂધમાંથી બનતી વસ્તુઓ ખરીદીને કરે છે. ગુજરાતમાં ખેડૂતો પાસેથી દૈનિક દૂધના જથ્થાની ખરીદીમાં ઉત્તર ગુજરાતની બનાસ (દૈનિક આશરે 75 લાખ લિટર), દૂધસાગર (આશરે 33 લાખ લિટર), સાબર (આશરે 15 લાખ લિટર) અને પંચમહાલની પંચામૃત ડેરી (આશરે 15 લાખ લિટર) સૌથી આગળ આવે છે.
રાજકોટની ગોપાલ ડેરી દૈનિક દૂધ ખરીદવાની બાબતમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી પછી બીજા નંબરે આવે છે અને દૈનિક પાંચેક લાખ લીટર દૂધની ખરીદી કરે છે. પરંતુ ફેડરેશન સાથે વેપાર કરવાની યાદીમાં તે છેક સત્તરમા નંબરે આવે છે.
તેનું કારણ સમજાવતા ગોપાલ ડેરીના એક સૂત્રએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “તેનું મુખ્ય કારણ એ છે કે રાજકોટ, બરોડા, સુરત અને અમદાવાદની ડેરીઓ મોટાં શહેરોમાં આવેલી હોવાથી દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ વેચવા માટે તેમની પાસે પોતાનાં મોટાં સ્થાનિક બજારો છે. ઉત્તર ગુજરાતની ડેરીઓ નાનાં શહેરોમાં આવેલી હોવાથી તેમની પાસે પોતાનાં મોટાં બજાર નથી પરંતુ દૂધની દૈનિક ખરીદી વધારે છે. પરિણામે, તેઓ તેમનું મોટા ભાગનું દૂધ ફેડરેશનને આપે છે.”
અહીં, એ યાદ રાખવું ઘટે કે જીસીએમએમએફ રાજકોટ શહેર નજીક આવેલ ગઢકા ગામે અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે એક મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ નાખી રહ્યું છે.
ઑક્ટોબર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
ફેડરેશનના આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન 20 લાખ લિટર જેટલા દૂધનું પ્રોસેસીંગ કરવાની હશે અને તેમાં દૂધ પર પૅસ્ચુરાઇઝેશન જેવી પ્રક્રિયા કરી તેને પૅકીંગ કરવાની તેમ જ દૂધમાંથી વિવિધ અન્ય વસ્તુઓ બનાવવાની સુવિધા હશે.
ઇમેજ સ્રોત, Nachiket Mehta/BBC
વાઇસ ચૅરમૅનપદે ચૂંટાયા બાદ 66 વર્ષના ગોરધનભાઈ ધામેલિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમૂલના રાજકોટ નજીકના ગઢકા ગામના પ્લાન્ટ માટે તેમણે પણ પ્રયત્નો કર્યા હતા.
તેઓ વધુમાં જણાવે છે, “આ પ્લાન્ટની જમીન માટે મેં મહેનત કરી હતી. હાલ, આ પ્લાન્ટની કામગીરી 25 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. અમારો પ્રયત્ન રહેશે તે અમારા કાર્યકાળ દરમિયાન આ પ્લાન્ટ ચાલુ થઈ જાય અને સૌરાષ્ટ્રના ખેડૂતોને તેનો ફાયદો થાય.”
ગોરધનભાઈ કહે છે કે તેમને પણ ખબર નહોતી કે તેઓ અમૂલમાં વાઇસ ચૅરમૅનપદે ચૂંટાશે.
તેઓ કહે છે, “અમારી કેટલીક દૂધ મંડળીઓની સાધારણ સભાઓ હતી. તેથી હું ફેડરેશનની ચૂંટણી માટે આણંદ પણ જવાનો નહોતો. પરંતુ જ્યારે આ મામલે મેં જયેશભાઈ રાદડિયા સાથે ચર્ચા કરી અને તેમણે સૂચન કર્યું કે હું આણંદ જાઉં. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે મને આ જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. તેથી મને આનંદની સાથે આશ્ચર્ય પણ થયું.”
તેમણે કહ્યું, ” ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે ખૂદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય આગેવાનોએ મને આ જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે.”
ઉલ્લેખનીય છે કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી નેતા દિવંગત વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે.
જયેશભાઈ રાદડિયા હાલ જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને તેઓ ગુજરાત સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મંત્રીપદે રહી ચૂક્યા છે.
તેઓ હાલ રાજકોટ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન છે સાથે ગોપાલ ડેરીમાં ડિરેક્ટર પણ છે.
જ્યારે વર્ષ 2013માં વિઠ્ઠલભાઈ રાદડિયા અને જયેશ રાદડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે ગોરધનભાઈ પણ ભાજપમાં જોડાયા હતા. તે વખતે ગોરધનભાઈ રાજકોટ જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ હતા.
રાજકોટ ડેરી અને ભાવફેર
ઇમેજ સ્રોત, Rajkot Dairy
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગોરધનભાઈ ધામેલિયાએ દાવો કર્યો કે તેમણે જ રાજકોટની ડેરીનો નફો વધાર્યો અને ખેડૂતોને સૌથી વધુ ભાવફેર અપાવડાવ્યો હતો.
તેમણે કહ્યું, “હું વર્ષ 2020માં રાજકોટ ડેરીનો ચૅરમૅન બન્યો ત્યારે ડેરીનો વાર્ષિક નફો 4 કરોડ રૂપિયા હતો. પાંચ વર્ષમાં મેં નફો 80 કરોડ સુધી પહોંચાડ્યો હતો. જે કામ નહોતા કરતા તેવા કર્મચારીઓને મેં નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા. અમે નવી ભરતી ન કરી અને 34 લાખ રૂપિયાની બચત કરી. વહિવટનો ખર્ચ ઘટાડ્યો.”
“અમે રાજકોટની જનતાને 3.5 લિટર શુદ્ધ દૂધ દૈનિક ધોરણે પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે. દૂધમાં ભેળસેળ કરતી 52 જેટલી મંડળીઓનું રાજકોટ ડેરી સાથેનું જોડાણ રદ કર્યું છે.ठ
તેમણે દાવો કર્યો કે તેઓ જ્યારે ડેરીના ચૅરમૅન બન્યા હતા ત્યારે ખેડૂતોને કોઈ ભાવફેર મળતો નહોતો.
આ વિશે તેઓ દાવો કરતા કહે છે, “વર્ષ 2024-25માં અમે ખેડૂતોને 60 કરોડ રૂપિયાનું બોનસ સીધા તેમના બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યું છે. બોનસ ચૂકવવામાં થતા ગેરવહિવટને દૂર કર્યો છે.”
જોકે, રાજકોટ ડેરીના પૂર્વ ચૅરમૅન અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયા ગોરધનભાઈના આ દાવાનું ખંડન કરે છે.
ભીખાભાઈ બાંભણિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “નફો એટલા માટે થયો કારણકે ખેડૂતો પાસેથી દૂધ તો લીધું પરંતુ તેમને યોગ્ય ભાવ ન આપવામાં આવ્યો. બજારમાં દૂધ ઊંચા ભાવે વેચ્યું. નફો દેખાડીને તેમને માત્ર વાહવાહી લૂંટવી છે. મોટા નેતાઓને વ્હાલા થવું છે પરંતુ તેઓ ખેડૂતોના કલ્યાણનું વિચારતા નથી.”
તેઓ ગોરધનભાઈ પર આરોપ લગાવતા કહે છે, “સહકારી સંસ્થામાં નફો નહીં પરંતુ ખેડૂતોની કલ્યાણની ભાવના મહત્ત્વની છે. ખેડૂતોને તેઓ ઊંચા ભાવ આપતા નથી. દૂધ મંડળીઓ પાસે વણવપરાયેલી કરોડો રૂપિયાની અનામત છે. તેને તેઓ ખેડૂતોમાં વહેંચતા કેમ નથી?”
વિદ્યાર્થી નેતાથી જીસીએમએમએફના વાઇસ ચૅરમેન સુધી
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગોરધનભાઈ ગુજરાતી સાહિત્યની ડિગ્રી ધરાવે છે અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામના વતની છે.
તેઓ તેમના કૉલેજકાળમાં રાજકારણમાં સક્રિય થયા હતા. વર્ષ 1981માં જેતપુરની જીકે ઍન્ડ સીકે બોસમિયા કૉલેજના વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી ચૂંટાઈ આવ્યા હતા.
ત્યારબાદ 1985માં તેઓ જેતપુર ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા.
કૉંગેસની ટિકિટ પર તેઓ 1987માં જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખપદે ચૂંટાયા હતા. તેઓ તે હોદ્દા પર હતા તે દરમિયાન જ 1990માં તેમની ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડમાં ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
સહકારી ક્ષેત્રમાં પદાર્પણ કરતા તેઓ 1993માં વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ ચૂંટાયા હતા. વર્ષ 2000 અને 2005ની સાલમાં તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2000માં તેઓ રાજકોટ જિલ્લા સહકારી બૅન્કના ડિરેક્ટર બન્યા.
2002 અને 2007માં તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે જેતપુર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ બંને વાર ભાજપનાં જસુબહેન કોરાટ સામે તેમનો પરાજય થયો હતો.
2003માં તેમણે વીરપુરના ખેડૂતો અને માલધારીઓને સહકારી ડેરી ક્ષેત્ર સાથે જોડવાના ઉદ્દેશથી શ્રી જલારામ સહકારી દૂધ ઉત્પાદક મંડળીની સ્થાપના કરી અને તેના ચૅરમૅનપદે ચૂંટાયા.
2013 થી 2020 દરમિયાન ગોરધનભાઈ રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખના હોદ્દા પર હતા. 2020માં તેઓ રાજકોટ ડેરીના ડિરેક્ટર બન્યા અને પછી તરત જ ચૅરમૅન પણ બન્યા.
બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







